Science & Technology

વોટ્સએપ સ્ક્રીન-શેરિંગ સ્કેમનો આતંક વધ્યો: ભારત સહિત હોંગકોંગ, યુકે અને બ્રાઝિલ જેવા દેશમાં પણ વધી રહ્યાં છે કેસ

By GS Team
6 Feb 20263 mins read
TukuTouch Logo
વોટ્સએપનું સ્ક્રીન-શેરિંગ ટૂલનો ઉપયોગ સ્કેમર્સ હવે ખોટી રીતે કરી રહ્યાં છે. વાતચીતને વધુ સરળ બનાવવા માટે વોટ્સએપ દ્વારા જે ફીચર કાઢવામાં આવ્યું હતું એનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે. ભારતમાં સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદો ઝડપથી વધી રહી છે, પરંતુ આ સમસ્યા માત્ર એક દેશ સુધી મર્યાદિત નથી. હોંગકોંગ, બ્રાઝિલ અને યુકેમાં પણ લોકો આ સ્કેમનો શિકાર બની રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપ સ્ક્રીન-શેરિંગ સ્કેમનો આતંક વધ્યો: ભારત સહિત હોંગકોંગ, યુકે અને બ્રાઝિલ જેવા દેશમાં પણ વધી રહ્યાં છે કેસ

WhatsApp Scam: વોટ્સએપનું સ્ક્રીન-શેરિંગ ટૂલનો ઉપયોગ સ્કેમર્સ હવે ખોટી રીતે કરી રહ્યાં છે. વાતચીતને વધુ સરળ બનાવવા માટે વોટ્સએપ દ્વારા જે ફીચર કાઢવામાં આવ્યું હતું એનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે. ભારતમાં સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદો ઝડપથી વધી રહી છે, પરંતુ આ સમસ્યા માત્ર એક દેશ સુધી મર્યાદિત નથી. હોંગકોંગ, બ્રાઝિલ અને યુકેમાં પણ લોકો આ સ્કેમનો શિકાર બની રહ્યાં છે.

સ્કેમર્સ કેવી રીતે ફીચરનો ઉપયોગ કરે છે

સ્કેમર્સ સામાન્ય રીતે બેંક અધિકારી, વીજળી/પાણી સેવા પૂરી પાડનાર અથવા કસ્ટમર કેર એજન્ટ તરીકે પોતાની ઓળખ આપે છે. તેઓ વોટ્સએપ કોલ અથવા મેસેજ દ્વારા સંપર્ક કરે છે અને કહે છે કે તમારું એકાઉન્ટ બ્લોક થયું છે અથવા બિલ બાકી છે. તેઓ યુઝર્સને પ્રેશરમાં નાખે છે અને તેમને સ્ક્રીન શેર કરવા અથવા તો AnyDesk, TeamViewer જેવી રિમોટ-ઍક્સેસ એપ ઇન્સ્ટોલ કરવા માટે કહે છે. એકવાર ઍક્સેસ મળ્યા પછી સ્કેમર્સ OTP, બેંકિંગ વિગતો અને સંવેદનશીલ માહિતી જોઈ શકે છે અને સીધા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે.

વિદેશમાં પણ થઈ છે મોટા-મોટા સ્કેમ

• હોંગકોંગ: એક વ્યક્તિને હોંગકોંગમાં સ્કેમર્સ દ્વારા HK$5.5 મિલિયન એટલે કે અમેરિકાના 700,000 ડોલરનો ચૂનો લગાડવામાં આવ્યો છે. આ સ્કેમ પરથી સ્કેમ કયા લેવલ પર કરવામાં આવે છે એ સમજી શકાય છે.

• બ્રાઝિલ: વોટ્સએપની લોકપ્રિયતાનો લાભ લઈને સ્કેમર્સ હવે બ્રાઝિલમાં બેંકિંગ માહિતી ચોરી રહ્યા છે અને ત્યાર બાદ યુઝર્સના ખાતા ખાલી કરવામાં આવી રહ્યાં છે.

• યુકે: યુકેના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન-શેરિંગનો ઉપયોગ કરીને નાણાકીય માહિતી ચોરવાના કેસ વધી રહ્યા છે. આથી ત્યાંના યુઝર્સને આ ફીચરનો ઉપયોગ સાચવીને કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

ભારતમાં વધતા કેસ

મુંબઈ, દિલ્હી અને નાગપુર જેવા શહેરોમાં ફરિયાદો વધી રહી છે. યુઝર્સના ખાતામાંથી પૈસા ગાયબ થાય ત્યારે તેમને સમજાય છે કે તેમણે પોતાનું ડિવાઇસ સ્કેમર્સને સોંપી દીધું હતું. સાઇબર ક્રાઇમ સેલ ચેતવણી આપી રહ્યું છે કે સ્કેમર્સ નવી ટેકનોલોજી ઝડપથી અપનાવી રહ્યા છે અને યુઝર્સ માટેની સુવિધાનો દુરુપયોગ કરીને એને જોખમી બનાવી રહ્યાં છે.

ટેક કંપનીઓની કાર્યવાહી

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ છેલ્લા મહિનાઓમાં 80 લાખ સ્કેમ એકાઉન્ટ બ્લોક કર્યા છે અને 21,000 નકલી પેજ દૂર કર્યા છે. ગૂગલ પણ એન્ડ્રોઇડની સુરક્ષા મજબૂત કરવા કામ કરી રહ્યું છે, જેથી સ્ક્રીન શેરિંગ અથવા રિમોટ ઍક્સેસની મંજૂરી આપતી વખતે સ્પષ્ટ ચેતવણી મળી શકે. આ પગલાં દર્શાવે છે કે વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવું કેટલું જરૂરી છે.

આ પણ વાંચો : પિક્સેલ બાદ હવે તમામ એન્ડ્રોઇડ યુઝર્સ આઇફોન સાથે શેર કરી શકશે ફાઇલ: ગૂગલ પૂરજોશમાં કામ કરી રહ્યું છે આ ફીચર પર

લોકોને જાગૃત કરવું સૌથી મોટું હથિયાર

એક્સપર્ટ કહે છે કે લોકોને જાગૃત કરવું સૌથી મોટું હથિયાર છે. બેંકો અને સર્વિસ પ્રોવાઇડર્સ ક્યારેય ગ્રાહકોને સ્ક્રીન શેર કરવા કે થર્ડ-પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે નથી કહેતા. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ હંમેશા સત્તાવાર ચેનલ દ્વારા તપાસ કરે અને મહત્વની માહિતી શેર ન કરે. જો શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ રિપોર્ટ કરે.