ફોટોઝ એપમાંનું એક કંટાળાજનક ફીચર બંધ કરવું છે ? હવે શક્ય છે !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ ફોટોઝ સર્વિસનો તમે ઉપયોગ કરતા હો તો તેમાં થોડા સમયથી ઉમેરાયેલી એક ‘સુવિધા’ કદાચ તમને અકળાવતી હશે. તમે થોડા સમયથી જોતા હશો કે આપણે ગૂગલ ફોટોઝમાં કોઈ પણ ફોટોગ્રાફ ઓપન કરીએ ત્યારે એ ફોટોગ્રાફમાં કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓ કે ઓબ્જેક્ટ્સની આસપાસ એક ઝબકારાની જેમ આઉટલાઇન સર્જાતી નજરે પડે છે. આપણને ફક્ત એ ફોટોગ્રાફ જોવામાં રસ હોય પરંતુ આ આઉટલાઇનનો ઝબકારો તેમાં અવરોધ ઊભો કરે છે.
આવી આઉટલાઇનના ક્રિએશન પાછળ કંપનીનો ઇરાદો કંઈક એવો હતો કે તેની મદદથી આપણે જાણી શકીએ કે જે તે ફોટોગ્રાફમાં ક્યા ભાગમાં કંઇક એકશન લેવું શક્ય છે. કંપની આવી આઉટલાઇનને ‘શિમર’ તરીકે ઓળખાવે છે. જે ફોટોગ્રાફમાં જે નિશ્ચિત ભાગ પર શિમર-આઉટલાઇન જોવા મળે તેને આપણે એઆઇ ટૂલ્સની મદદથી કટઆઉટ કરી શકીએ કે તેમાંથી શેર કરી શકાય તેવા સ્ટિકર ક્રિએટ કરી શકીએ.
હકીકત એ છે કે પોતાના ફોટોગ્રાફ્સ સાથે આવી રમત આપણે રોજેરોજ કરતા નથી. એ કારણે કોઈ પણ ફોટોગ્રાફ ઓપન કરીએ એ સાથે તેમાં જોવા મળતી આઉટલાઇન કંટાળો આપે છે.
હવે કંપનીએ તેને બંધ કરવાનો વિકલ્પ આપ્યો છે. તમે પણ આ સગવડ બંધ કરવા માગતા હો તો ફોટોઝ એપ ઓપન કરી તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને ફોટોઝ સેટિંગ્સમાં જાઓ, તેમાં પ્રેફરન્સિસમાં જાઓ, અહીં ‘ફોટોઝ વ્યૂ’માં ‘શો શિમર’નો વિકલ્પ દેખાશે એને તમે બંધ કરી શકશો.









