ફોનમાં સ્ટોરેજ ખાલી કરવા મેપ્સ તરફ નજર કરી જુઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તમારા ફોનમાં પણ ધીમે ધીમે સ્ટોરેજ વધુ પડતી ભરાવા લાગી છે ?
ટીપે ટીપે સરોવર ભરાય - આ કહેવત આપણા સ્માર્ટફોનને પણ લાગુ પડે છે! આપણા સ્માર્ટફોનમાં મોટા ભાગે ૧૨૮ જીબીની સ્ટોરેજ મળતી હોય છે. વપરાશ વધુ હોય તો આપણે ૨૫૬ જીબી સ્ટોરેજવાળો ફોન લઈએ અને ખિસ્સું જોર કરતું હોય તો હજી આગળ વધીને ૫૧૨ જીબીવાળો ફોન ખરીદીએ. એ પછી, આપણે સ્ટોરેજ બાબતે નિશ્ચિંત બનીએ, પણ ટીપે… ટીપે… ફોન ક્યારે ભરાવા લાગે એ ખબર પણ ન પડે!
આપણે ફોનમાં ઉમેરેલી એપ્સ અને એમાંનો ડેટા, આપણા પર આવેલા વિવિધ પ્રકારના મીડિયા, ડોક્યુમેન્ટ્સ વગેરે બધું જ ફોન પર એટલો ભાર વધારવા લાગે કે ક્યારેક પૂરતી લાગતી સ્ટોરેજ અપૂરતી થવા લાગે. આમ તો ફોનની સ્ટોરેજ ખાલી કરવા જુદી જુદી ઘણી જગ્યા આપણે તપાસીએ, એમાં મેપ્સ એપ તરફ આપણું ધ્યાન જતું નથી. ઘણાને એવી પણ ગેરસમજ હોય છે કે એ બધું તો ગૂગલ એકાઉન્ટનો ભાર વધારે, ફોનનો નહીં. હકીકતે એવું નથી!
આપણે પોતાના સ્માર્ટફોનમાં નવી કોઈ એપ ઇન્સ્ટોલ કરવા જઇએ ત્યાં અણધાર્યો ઝાટકો લાગે. ફોનમાં મેસેજ જોવા મળે કે સ્ટોરેજ પૂરી થવામાં છે, ખાલી કરો એ પછી નવી એપ ઇન્સ્ટોલ કરી શકશો! ક્યારેક સાવ આવી સ્થિતિ ન આવી હોય પરંતુ આપણે એક સારી ટેવના ભાગરૂપે થોડા થોડા સમયે ફોનમાંની બિનજરૂરી ચીજોની સાફસૂફી કરતા હોઇએ ત્યારે આપણા ધ્યાનમાં આવે કે ફોનની સ્ટોરેજ વધુ પડતી વપરાઈ રહી છે.
સામાન્ય રીતે આવે સમયે આપણને પહેલી શંકા એ જાય કે ફોટોઝ અને વીડિયો જેવી હેવી ફાઇલ્સ જગ્યા રોકતી હશે. ઘણી વાર ફોનમાં હેવી પીડીએફ ફાઇલ્સ કે અન્ય પ્રકારના ડોક્યુમેન્ટ્સ પણ જગ્યા રોકતા હોય. જુદી જુદી એપ્સમાં ‘કેશ’ સ્વરૂપે જમા થયેલો ડેટા પણ જગ્યા રોકતો હોય.
આ બધા ઉપરાંત, એક એપ એવી પણ છે જે ફોનમાં બિનજરૂરી જગ્યા રોકતી હોય પરંતુ એ વાત આપણા ધ્યાન પર આવતી ન હોય.
આ એપ છે ગૂગલ મેપ્સ. ખાસ કરીને તમે આ એપનો ખાસ્સો ઉપયોગ કરતા હો તો એ ફોનમાં ઘણો બધો ડેટા ઠાલવતી રહે છે.
સદભાગ્યે આ એપનો ઉપયોગ ચાલુ રાખીને તેમાં બિનજરૂરી બનેલી બાબતો તપાસીને આપણે દૂર કરી શકીએ છીએ. આવો જાણીએ.
ઓફલાઈન મેપ્સ
ઘણી વાર એવું બને કે તમે તમારા પોતાના શહેરમાં કે કોઈ અજાણ્યા શહેરમાં ક્યાંય જવાનું હોય ત્યારે તેના કોઈ વિસ્તારનો મેપ ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કર્યો હોય. પછી તમે તેને ભૂલી ગયા હો. શહેરનો કોઈ નાના વિસ્તારનો મેપ ડાઉનલોડ કર્યો હોય તો ખાસ ચિંતા નહીં પરંતુ વિસ્તારનું સિલેકશન જેમ વિસ્તરે તેમ તેમ ડાઉનલોડ થતો ડેટા પણ વધુને વધુ હેવી થાય.
કઈ રીતે ડિલીટ કરશો
ફોનમાં સ્ટોર્ડ ઓફલાઇન મેપ્સનો ડેટા તપાસવા ફોનમાં મેપ્સ એપ ઓપન કરો. ઉપર જમણી તરફ તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. હવે જે પેનલ ખૂલે તેમાં ‘ઓફલાઇન મેપ્સ’માં જાઓ. જો તમે કોઈ વિસ્તારનો મેપ ડાઉનલોડ કર્યો હશે તો તે અહીં જોવા મળશે, જેને ડિલીટ કરી શકાશે. જો કશું ડાઉનલોડ ન કર્યું હોય અને તમારા ફોનમાં સ્પેસની ખાસ ચિંતા ન હોય તો તમને ગૂગલ મેપ્સનું એક નવું પાસું જાણવા મળશે - તમને ઉપયોગી થઈ શકે તેવા વિસ્તારનો મેપ ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકો!
મેપ્સની કેશ
આપણે છાશવારે પોતાના ફોનમાં ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં ઘણો બધો ડેટા ડાઉનલોડ થઇને કેશ સ્વરૂપે જમા થતો જાય છે.
મેપ્સમાં આપણે વિવિધ સ્થળો સર્ચ કર્યા હોય કે ડિરેકશન્સ તપાસી હોય તો એ બધું ફોનમાં જગ્યા રોકે છે. આ બધું એક વાર સર્ચ કરી લીધા પછી મોટા ભાગે તે બિનઉપયોગી બની જતું હોય છે, તેને ડિલીટ કરી શકાય.
કઈ રીતે ડિલીટ કરશો
મેપ્સ એપમાં જમા થયેલો આ બધો કેશ ડેટા ડિલીટ કરવા માટે એન્ડ્રોઇડમાં ફોનનાં સેટિંગ્સમાં જવું પડશે,
અહીં એપ્સ, તેમાં મેપ્સ, તેમાં સ્ટોરેજ સુધી જઇને ‘ક્લિયર કેશ’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
આઇફોનમાં મેપ્સ એપની કેશ ડિલીટ કરવા માટે મેપ્સ એપ ઓપન કરો. તેમાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો, સેટિંગ્સમાં જાઓ અને અહીં ‘એબાઉટ એન્ડ ટર્મ્સ’માં જાઓ. અહીં ‘ક્લિયર એપ્લિકેશન ડેટા’નો વિકલ્પ મળશે.
ટાઈમલાઈન ડેટા
આપણે અગાઉ વિગતવાર વાત કરી છે તેમ, ગૂગલની મેપ્સ સર્વિસ રોજેરોજ એકદમ ચોકસાઇથી આપણું પગેરું દબાવતી હોય છે. આપણે ક્યારે, ક્યાં ગયા એની ઘણી બધી વિગતો મેપ્સમાં ટાઇમલાઇન સ્વરૂપે સ્ટોર થતી હોય છે.
હજી થોડા સમય પહેલાં સુધી આ બધો ડેટા ક્લાઉડમાં આપણા ગૂગલ એકાઉન્ટમાં સ્ટોર થતો હતો. એ બધું હવે - જો આપણે એ પ્રકારનું સેટિંગ કર્યું હોય તો - આપણા ફોનમાં જ સ્ટોર થાય છે (આપણે ઇચ્છીએ તો તેનો હજી પણ ક્લાઉડમાં બેકઅપ રાખી શકીએ). મતલબ કે ટાઇમલાઇનનો બધો ડેટા આપણા ફોનમાંની સ્ટોરેજમાં જગ્યા રોકે!
જો તમે વર્ષોથી મેપ્સ એપનો ઉપયોગ કરતા હો પરંતુ તેની ટાઇમલાઇન તરફ ધ્યાન ન આપ્યું હોય તો તેમાં સચવાયેલો ઘણો બધો ડેટા તમારે માટે બિનજરૂરી હોઈ શકે અને છતાં તે ફોનમાં જગ્યા રોકતો હોય.
કઈ રીતે ડિલીટ કરશો
આવી બિનજરૂરી બનેલી વિગતો ડિલીટ કરવા મેપ્સ એપમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. જે પેનલ ખૂલ તેમાં ‘યોર ટાઇમલાઇન’માં જાઓ. અહીં તમને ગૂગલ તમારી કેટલી બધી વિગતો સાચવી રાખે છે તે જાણવા મળશે. આ બધું ડિલીટ કરવું હોય તો ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરો, જે મેનૂ ખૂલે તેમાં ‘લોકેશન એન્ડ પ્રાઇવસી’ સેટિંગ્સમાં જાઓ. અહીં તમારી ટાઇમલાઇનનો તમામ ડેટા અથવા અમુક નિશ્ચિત પસંદગીનો ડેટા ડિલીટ કરવાના વિકલ્પ મળશે.
તમારી ટાઇમલાઇનનો ડેટા નિશ્ચિત સમયાંતરે ડિલીટ થતો રહે એવું પણ અહીંથી સેટિંગ કરી શકાશે.




