કિંમતી ચીજવસ્તુઓનું ટ્રેકિંગ હવે વધુ સહેલું ને સસ્તું બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમને યાદ હોય તો થોડા મહિના પહેલાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં ‘ટેગ્ઝ’ વિશે વિગતવાર વાત કરી હતી. જરા મોટા બટન જેવા આ ટેગ આપણે માટે મહત્ત્વની કોઈ પણ ચીજવસ્તુ સાથે લગાવી શકાય છે. એ પછી આપણે ડિજિટલ મેપ પર એ ટેગનું લોકેશન સહેલાઈથી ટ્રેક કરી શકીએ છીએ. આપણે પોતાની કારની ચાવી વારંવાર ખોઈ નાખતા હોઇએ તો તેની સાથે આવું ટેગ ચીપકાવી શકાય. ઓફિસની કોઈ મહત્ત્વની ફાઇલ ગૂમ ન થાય તેની ખાતરી કરવા માટે તેની સાથે પણ આવું ટેગ લગાવી શકાય. હવાઈ મુસાફરી વખતે આપણી બેગમાં આવું ટેગ મૂક્યું હોય તો આપણી સાથોસાથ બેગ પણ ક્યા એરપોર્ટે પહોંચી તે આપણે તપાસી શકીએ.
એપલ કંપનીએ એપ્રિલ ૨૦૨૧માં આવા એરટેગ લોન્ચ કર્યા હતા. સેમસંગ તથા અન્ય કંપનીઓએ પણ આવા ટેગ લોન્ચ કર્યા છે. ભારતમાં જિઓ કંપની ‘જિઓટેગ’ લાવી છે. હવે કંપનીએ જિઓટેગનું બીજું વર્ઝન લોન્ચ કર્યું છે. આ ટેગ્ઝ એન્ડ્રોઇડ અને આઇઓએસને સપોર્ટ કરશે. પરિણામે ગૂગલની ‘ફાઇન્ડ હબ’ સર્વિસ તથા એપલની ‘ફાઇન્ડ માય સર્વિસ’ની મદદથી તેને ટ્રેક કરી શકાશે. કંપનીએ સૌથી પહેલાં ૨૦૨૩માં જિઓ ટેગ લોન્ચ કર્યા હતા.
ભારતમાં આ ટેગ એમેઝોન ઇન્ડિયા શોપિંગ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. જિઓટેગ ટુ રૂપિયા ૧૨૪૯ની કિંમતે ઉપલબ્ધ છે (એપલના એરટેગની કિંમત છે આશરે રૂ. ૩૪૯૦).
જિઓટેગ2 માટે કોઈ સેલ્યુલર કનેક્ટિવિટી, સિમકાર્ડ કે ડેટા પ્લાનની જરૂર નથી. કંપનીના કહેવા અનુસાર આ ટેગ્ઝ કમ્યુનિટી નેટવર્ક્સ અને બ્લુટૂથની મદદથી નજીકના સ્માર્ટફોન્સને પોતાની હાજરી જણાવતા રહે છે તેથી તેમને ડિજિટલ મેપ પર સ્પોટ કરી શકાય છે. આ ટેગમાં બદલી શકાય તેવી બેટરી હોય છે જે કંપનીના દાવા અનુસાર એકાદ વર્ષ ચાલી શકે છે. ટેગમાંની બેટરીને ચાર્જ કરવાની જરૂર રહેતી નથી.









