નવરાત્રિની મેમરીઝ સાચવવા માટે...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફોટો-વીડિયોના કલાઉડમાં બેકઅપ બાબતે કેટલાક મોટા ફેરફારો થાય છે
નવરાત્રિ એટલે ફ્રેન્ડ્સ, ફેમિલી, ગરબા અને અઢળક સેલ્ફી, ફોટોઝ અને વીડિયોઝ! આ દિવસોમાં, નહીં રાતોમાં, આપણા હાથ-પગ સાથે સ્માર્ટફોનના કેમેરા પણ બિલકુલ થાક્યા વગર હીંચ લેતા રહે છે, આપણી આંગળીના ઇશારે! આ દિવસોમાં નેચરલી, આપણા ફોનની ફોટો ગેલેરી એપ પરનું ભારણ અચાનક જબરું વધી જાય છે. તમે ગૂગલ/એપલના ફ્રી પ્લાનનો ઉપયોગ કરતા હો તો તો આ નવ રાતના નવા ફોટો-વીડિયોનો ક્લાઉડમાં ઓટો બેકઅપ બંધ કર્યા વિના છૂટકો નહીં.
પરંતુ એમ કરવા જતાં, તમારી ફેવરિટ વ્યક્તિઓ (તમે પોતે અને તમને ગમે તે!)ના ફોટો-વીડિયો ફક્ત ફોનમાં જ રહેવાથી, કોઈ અણધારી ખામી ઊભી થાય તો એ કાયમ માટે ગુમાવવાનો વારો આવી શકે.
આના ઉપાય તરીકે, તમે કદાચ થોડો સમય કાઢીને ફોનમાંથી લેપટોપમાં ફોટો-વીડિયો ટ્રાન્સફર કરી લેતા હશો. એ ફક્ત ત્યાં રહે એમાં પણ જોખમ છે. આ બધું ધ્યાને લેતાં, ફોટો-વીડિયોને ફોન, કમ્પ્યૂટર અને ત્યાંથી ક્લાઉડમાં ટ્રાન્સફર કરવા સંબંધિત કેટલીક વાતો ખાસ જાણી લેવા જેવી છે.
ફોટોઝમાં બિનનો નિયમ બદલાયો
તમારા હાથમાં જે સમયથી સ્માર્ટફોન આવ્યો હશે ત્યારથી તમે તેના કેમેરાથી ફોટો-વીડિયો લેવાના આદતી બન્યા હશો. એવી પણ પૂરી શક્યતા કે આ બધા ફોટ-વીડિયો તમે તમારા ગૂગલ એકાઉન્ટની મદદથી ગૂગલ ફોટોઝ એપમાં સ્ટોર કરતા હશો.
ગૂગલ ફોટોઝ એપ મે ૨૦૧૫માં લોન્ચ થઈ એ સમયે તેમાં કેટલીક નજીવી બાંધછોડ પછી આપણા અનલિમિટેડ ફોટો-વીડિયો સ્ટોર કરી શકાતા હતા. પરંતુ જૂન ૨૦૨૧થી ગૂગલે આ સર્વિસમાંના ફોટો-વીડિયોને ફ્રી પ્લાનમાં કુલ ૧૫ જીબીમાં ગણતરીમાં લેવાનું શરૂ કર્યું.
આ કુલ સ્ટોરેજની મર્યાદા પાછી ગૂગલ ફોટોઝ ઉપરાંત જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવને પણ લાગુ પડે છે. આથી આપણને સૌને ફ્રી પ્લાનમાં ઉપલબ્ધ સ્ટોરેજ ઓછી પડવા લાગી છે.
સારી વાત એ છે કે હવે ગૂગલ આપણને સ્ટોરેજ મેનેજમેન્ટ માટે નવી સુવિધા આપી રહી છે. એ કારણે આપણે ગૂગલ ફોટોઝ એપ ઓપન કરીએ ત્યારે તેમાં સ્ટોર થયેલા પરંતુ આપણે માટે ડિલીટ કરવા જેવા ફોટો કે વીડિયો સામે ચાલીને બતાવવામાં આવે છે.
મતલબ કે ખાસ્સા ધૂંધળા ફોટોગ્રાફ, એક સમયે ઉપયોગી પરંતુ પછી બિનજરૂરી બનેલા સ્ક્રીનશોટ્સ કે ખાસ્સા મોટા વીડિયો આપણને સામેથી બતાવવામાં આવે છે અને સૂચન કરવામાં આવે છે કે આ ફોટો-વીડિયો તમે ડિલીટ કરી શકો છો.
આમ તો સર્ચ ફીચરની મદદથી આપણે આ પ્રકારના, ડિલીટ કરવા જેવા ફોટો-વીડિયો તારવીને ડિલીટ કરી શકીએ છીએ પરંતુ એપનો ઉપયોગ કરતી વખતે સામેથી તેનાં સૂચન મળે તો આપણને સ્ટોરેજની સાફસૂફી કરવાનું યાદ આવે!
ફોટોઝ એપમાં ફોટો-વીડિયો ડિલીટ કરવા અંગે બીજો પણ એક મહત્ત્વનો ફેરફાર થયો છે. આપણે આ એપમાં કોઈ પણ ફોટો-વીડિયો ડિલીટ કરીએ તો તે ‘બિન’ ફોલ્ડરમાં જમા થતા હતા, જેમાં તે અત્યાર સુધી ૬૦ દિવસ સુધી સચવાઈ રહેતા હતા. એટલા દિવસોમાં આપણે બિનમાંના કોઈ ફોટો-વીડિયોને રિસ્ટોર ન કરીએ તો તે આપોઆપ ડિલીટ થાય.
હવે આ સમય મર્યાદા ઘટાડીને ૩૦ દિવસની કરી દેવામાં આવી છે. મતલબ કે હવે આપણે ફોટોઝ એપમાંથી ફોટો-વીડિયો ડિલીટ કરતી વખતે થોડા વધુ સાવધ રહેવું પડશે. આપણે કોઈ ફોટો કે વીડિયો પરત મેળવવો હોય તો ફક્ત ૩૦ દિવસનો સમયગાળો મળશે.
એ પણ નોંધવા જેવું છે કે જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવમાં બિનમાં જમા થયેલી ફાઇલ્સ ૩૦ દિવસમાં જ ડિલીટ થાય છે. ફક્ત ફોટોઝમાં ૬૦ દિવસનો ગ્રેસ પિરિઅડ મળતો હતો. હવે તેમાં પણ સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી છે.
લેપટોપમાંથી ફોટોઝમાં બેકઅપ લેતા હતા ?
આનવરાત્રિમાં તમે સેલ્ફીઝ અને ‘ફેવરિટ’ લોકોના ઢગલાબંધ ફોટોગ્રાફ્સ-વીડિયો લીધા હોય તો બની શકે કે તમે તેને ફોનમાં કે ત્યાંથી તમારા ક્લાઉડ એકાઉન્ડમાં મોકલવાને બદલે, પહેલાં તમારા લેપટોપમાં ટ્રાન્સફર કરો, કેમ કે તેમાં આપણને અઢળક સ્પેસ મળે છે. એ પછી તેમાંથી ફક્ત સિલેક્ટેડ ફોટો-વીડિયોનો તમે ક્લાઉડમાં કે અન્ય રીતે બેકઅપ લેવાનું પપસંદ કરો. આ સ્થિતિમાં, કમ્પ્યૂટરમાંથી ક્લાઉડમાં ફોટો-વીડિયો ટ્રાન્સફરના કેટલાક બેઝિક કન્સેપ્ટ બરાબર સમજી લેવા જરૂરી છે.
લેપટોપમાં વનડ્રાઇવ ફોલ્ડરમાં
આપણી પાસે વિન્ડોઝ લેપટોપ કે પીસી હોય તો તેમાં ફાઇલ એક્સપ્લોરરમાં ‘વનડ્રાઇવ’ ફોલ્ડર આપોઆપ ક્રિએટ થતું હોય છે. આપણે આ ફોલ્ડરમાં કોઈ પણ ફાઇલ સેવ કરીએ એ બધી આપણા માઇક્રોસોફ્ટના ક્લાઉડ એકાઉન્ટ સાથે સિંક્ડ રહે છે.
આપણે એવું સેટિંગ કરી શકીએ કે પીસીમાં આ ફોલ્ડરમાં સેવ કરેલી ફાઇલ્સ ક્લાઉડમાં જ રહે. આપણે તેને ઓપન કરીએ ત્યારે તે પીસીમાં ડાઉનલોડ થાય. આથી આપણા પીસી કે લેપટોપમાં લોકલ સ્ટોરેજ પર બહુ ભાર વધે નહીં.
જોકે માઇક્રોસોફ્ટના ફ્રી એકાઉન્ટમાં આ સગવડ બહુ કામની નથી કેમ કે તેમાં ક્લાઉડ સ્ટોરેજમાં ફક્ત પાંચ જીબીની ફ્રી સ્ટોરેજ મળે છે. બીજી તરફ આપણા પીસી કે લેપટોપમાં કમસે કમ ૨૫૬ કે ૫૧૨ જીબી અથવા એક ટીબી જેટલી સ્પેસ પણ હોય તેની સામે પાંચ જીબીની ફ્રી સ્ટોરેજ કંઈ વિસાતમાં નહીં. જો તમે માઇક્રોસોફ્ટનો સબસ્ક્રિપ્શન ભર્યું હોય તો તમને ક્લાઉડમાં ઓછામાં ઓછી એક ટીબી જેટલી સ્પેસ મળી શકે તો લેપટોપમાંનું વનડ્રાઇવ ફોલ્ડર આપણે માટે ખરેખર ઉપયોગી સાબિત થાય.
લેપટોપમાં ગૂગલ ડ્રાઇવમાં
તમારે માટે માઇક્રોસોફ્ટની ફ્રી એકાઉન્ટની પાંચ જીબી સ્પેસ ઓછી થતી હોય તો તમે ગૂગલ ડ્રાઇવ તરફ નજર દોડાવી શકો. તેમાં કુલ ૧૫ જીબી ફ્રી સ્ટોરેજ મળે છે.
મજા એ છે કે ગૂગલ ડ્રાઇવને પણ આપણે ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ કરીને તેનો પણ ફાઇલ એક્સપ્લોરરમાં એક ડ્રાઇવ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તેમાં વધુમાં વધુ ચાર ગૂગલ એકાઉન્ટ સિન્ક કરી શકાય છે.એ પછી આ ફોલ્ડરમાં જે કંઈ સેવ કરીએ તે બધું માઇક્રોસોફ્ટના વનડ્રાઇવ ફોલ્ડરની જેમ ગૂગલ ક્લાઉડના આપણા એકાઉન્ટ સાથે સિંક્ડ રહે છે.
તમારે લેપટોપમાં ગૂગલ ડ્રાઇવનો સ્માર્ટ ઉપયોગ કરવો હો તેમાં ‘મિરર’ અથવા ‘ંસ્ટ્રીમ’ એવા બે ઓપ્શન બરાબર સમજી લેવા જોઈએ.
આ બધી તો ડેસ્કટોપમાં વનડ્રાઇવ અને ગૂગલ ડ્રાઇવ એવા કન્સેપ્ટથી કામ કરે છે તેની વાત થઈ.
ગૂગલ ડ્રાઇવમાં મોટો ફેરફાર
હવે ખાસ કરીને ગૂગલ ડ્રાઇવમાં થઈ રહેલા એક મોટા ફેરફારની વાત કરીએ. જો તમે ડેસ્કટોપમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો કમ્પ્યૂટરમાંના બધા ફોટોગ્રાફ ગૂગલ ડ્રાઇવ મારફત ગૂગલ ફોટોઝમાં આપોઆપ બેકઅપ થતા હોય છે.
જે રીતે સ્માર્ટફોનના કેમેરાથી આપણે જે ફોટોગ્રાફ લઇએ તેનો ફોનમાંની ગૂગલ ફોટોઝ એપની મદદથી ફોટોઝના ક્લાઉડ એકાઉન્ટમાં આપોઆપ બેકઅપ લેવાય તેવું સેટિંગ કરી શકીએ. તે જ રીતે કમ્પ્યૂટરમાં આ કામ ‘ગૂગલ ડ્રાઇવ ફોર ડેસ્કટોપ’ની મદદથી થતું હોય છે.
ગૂગલે આ સગવડ ઓગસ્ટ ૧૦, ૨૦૨૬થી બંધ કરી છે. ગૂગલે આ માટે લાંબા સમયથી લોકોને જાણ કરવાનું શરૂ કર્યું હતું. જો તમે ડેસ્કટોપમાં ફોટોગ્રાફના ફોલ્ડર ગૂગલ ડ્રાઇવ મારફત ગૂગલ ફોટોઝ સાથે કનેક્ટ કર્યા હોય તો એ બધા ફોટો સલામત રહેશે પરંતુ ઓગસ્ટ ૧૦, ૨૦૨૬ પછી કમ્પ્યૂટરમાંના ફોટોગ્રાફનો ગૂગલ ફોટોઝમાં આપોઆપ બેકઅપ લેવાનું બંધ થયંુ છે. મતલબ કે એ પછી કમ્પ્યૂટરમાં સ્ટોર કરેલા બધા ફોટોગ્રાફ કમ્પ્યૂટરમાં જ રહેશે. જો કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કને કંઈ થાય તો બધા ફોટોગ્રાફ જોખમાઈ શકે.
હવે પછી આપણે ગૂગલ ફોટોઝમાં કમ્પ્યૂટરમાંના ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ડાયરેક્ટ ગૂગલ ફોટોઝના સેટિંગનો ઉપયોગ કરવો પડશે. જો તમે એ કામ શરૂ કરશો અને ફોટોઝનું એ જ ફોલ્ડર ડેસ્કટોપ પરની ગૂગલ ડ્રાઇવમાં પણ રાખશો તો બંને જગ્યાએ તમારા ફોટોગ્રાફ સ્ટોર થશે - એ પણ ડુપ્લિકેટ સ્વરૂપે!
આ બધી વાત થોડી આંટીઘૂંટીવાળી લાગશે પણ નવરાત્રિ અને એ સિવાય, આપણી વર્ષોની મેમરીઝ સારી રીતે સાચવવા માટે આ બધું જાણવું જરૂરી છે.
સેમસંગ ગેલેરીમાં પણ મોટો ફેરફાર
જો તમારી પાસે સેમસંગનો સ્માર્ટફોન હોય તો તમારે આ વાત જાણી લેવા જેવી છે. સેમસંગની ગેલેરી એપમાં બેકઅપની પદ્ધતિમાં મોટો ફેરફાર થયો છે. અત્યાર સુધી સેમસંગ ગેલેરીમાં સેવ થતા આપણા ફોટો-વીડિયોનો માઇક્રોસોફ્ટની વનડ્રાઇવમાં ક્લાઉડ બેકઅપ લેવાતો હતો. એ માટે આપણે સેમસંગની ગેલેરીમાં ‘સિંક વીથ વનડ્રાઇવ’ ઓપ્શનનો ઉપયોગ કરી શકતા હતા. ફક્ત આપણે તેને ઓન કરવું પડે.
હવે સેમસંગે વનડ્રાઇવ સાથેનું આ જોડાણ બંધ કરી દીધું છે. તેને બદલે આપણે સેમસંગ ગેલેરીમાંના ફોટોગ્રાફનો પોતાના પર્સનલ ગૂગલ એકાઉન્ટની મદદથી ગૂગલ ફોટોઝ એપમાં બેકઅપ લઇ શકીએ છીએ. આ ફેરફાર ઓક્ટોબર ૧, ૨૦૨૬થી લાગુ થયો છે. અલબત્ત હાલમાં આ ઓપ્શન માત્ર ‘વનયુઆઇ ૯.૦’ કે ત્યાર પછીના વર્ઝનમાં જોવા મળે છે. જો તમે પહેલેથી તમારા ફોનમાં ફોટો-વીડિયોના મેનેજમેન્ટ માટે ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ કરતા હો અને તેમાંથી જ તમારા પર્સનલ ગૂગલ એકાઉન્ટમાં તેનો બેકઅપ લેતા હો તો તમારે કંઈ કરવાની જરૂર નથી.




