India

રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં આખરે રિઝર્વ બૅન્ક એક્શનમાં! કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા નિયમ લાગુ

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના સતત ધોવાણને રોકવા RBIએ કડક પગલાં લીધા છે. રૂપિયામાં સટ્ટાખોરી અટકાવવા અને ઓઇલ કંપનીઓની ડોલરની જરૂરિયાતો પૂરી કરવા સ્પેશિયલ વિન્ડોની જાહેરાત કરાઈ છે. 12 ઓક્ટોબર, 2026થી IOCL, HPCL અને BPCLને RBI દ્વારા ડોલર અપાશે. ફોરેક્સ ડેરિવેટિવ્ઝની ટ્રેડિંગ મર્યાદા $100 મિલિયનથી ઘટાડી $5 મિલિયન કરાઈ છે. ડબલ હેજિંગ રોકવા દસ્તાવેજીકરણ ફરજિયાત બનાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં આખરે રિઝર્વ બૅન્ક એક્શનમાં! કેશ રિઝર્વ અને હેજિંગના 4 નવા નિયમ લાગુ
IMAGE - IANS

RBI special dollar window OMCs: અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં થઈ રહેલા સતત ધોવાણને રોકવા અને રૂપિયાને સપોર્ટ કરવા માટે ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) એ શ્રેણીબદ્ધ મહત્ત્વના નિર્ણયો લીધા છે. રૂપિયામાં સટ્ટાખોરી રોકવા અને ઓઇલ કંપનીઓની વિદેશી હૂંડિયામણની જરૂરિયાતો પૂરી કરવા માટે RBIએ સ્પેશિયલ વિંડો સહિતના કડક ઉપાયોની જાહેરાત કરી છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 96.73ના સ્તરે બંધ થયો હતો, જે તેના ઓલ-ટાઈમ લો (96.96)ની ખૂબ નજીક પહોંચી ગયો હતો. આ સ્થિતિને પહોંચી વળવા માટે જ આ પગલાં લેવામાં આવ્યા છે.

ઓઇલ કંપનીઓ (OMCs) માટે સ્પેશિયલ ડોલર વિંડો

સોમવાર, 12 ઓક્ટોબર 2026થી અમલમાં આવનારી આ વ્યવસ્થા હેઠળ RBI અધિકૃત બૅન્કો દ્વારા દેશની ત્રણ મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓ—IOCL, HPCL અને BPCLને તેમની દૈનિક જરૂરિયાત મુજબ ડોલર પૂરા પાડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની ખરીદી મુખ્યત્વે ડોલરમાં થતી હોવાથી, આ વિંડો દ્વારા ઓઇલ કંપનીઓને ડોલર મેળવવામાં સરળતા રહેશે અને ખુલ્લા બજાર પરથી ડોલરની માંગનું દબાણ ઘટશે. આ સુવિધા આગામી આદેશ સુધી ચાલુ રહેશે.

વિદેશી ચલણ ડેરિવેટિવ્ઝના નિયમોમાં સખતાઈ

સટ્ટાખોરી અને ચલણમાં અસ્થિરતા રોકવા માટે RBIએ ફોરેક્સ ડેરિવેટિવ્ઝના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે:

  • સીમામાં ઘટાડો: વિદેશી ચલણ ડેરિવેટિવ ટ્રેડિંગની મર્યાદા 100 મિલિયન ડોલરથી ઘટાડીને માત્ર 5 મિલિયન ડોલર કરી દેવામાં આવી છે.
  • 20% ફોરેક્સ રિસ્ક રિઝર્વ (FERR): 20 લાખ ડોલરથી વધુના કરારો માટે રજિસ્ટર્ડ ડીલરોએ ટ્રાન્ઝેક્શનના મૂલ્યના 20% જેટલી રોકડ રકમ આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવી પડશે.
  • ડબલ હેજિંગ રોકવા સખત દસ્તાવેજીકરણ: એક જ જોખમ સામે બે અલગ-અલગ ડીલરો પાસેથી હેજિંગ (ડબલ હેજિંગ) ન થાય તે માટે ગ્રાહકો પાસેથી લેખિત વચનપત્ર લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

શું રૂપિયાનો ઘટાડો અટકશે?

નિષ્ણાતોના મતે, આરબીઆઈના આ કડક પગલાંથી ડોલરની સટ્ટાકીય માંગમાં ઘટાડો થશે અને ટૂંકા ગાળામાં રૂપિયાની અસ્થિરતામાંથી રાહત મળશે. જોકે, રૂપિયાનું ભવિષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો, વિદેશી રોકાણ અને વૈશ્વિક બજારના વલણ પર નિર્ભર રહેશે. ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) 12.95 અબજ ડોલર ઘટીને 734.60 અબજ ડોલર નોંધાયું હતું.