'વિરોધ કરવો કે દાદીની અંતિમ વિધિમાં જવું, નિર્ણય એમનો': દીપકેની અટકાયત વચ્ચે પોલીસનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cockroach Janta Party Jantar Mantar Protest: દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં અટકાયતમાં લેવાયેલા કોકરોચ જનતા પાર્ટી(CJP)ના સ્થાપક અભિજિત દીપકેને દિલ્હી પોલીસે તેમના દાદીના નિધનની જાણ કરી છે. ખાનગી ન્યૂઝ એજન્સીએ સૂત્રો દ્વારા કરેલા દાવા મુજબ દિલ્હી પોલીસે દીપકેને દાદીની અંતિમ વિધિમાં જવા દેવા માટે તૈયારી બતાવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હવે એ અભિજિત પર નિર્ભર કરે છે કે તેઓ અટકાયતમાં રહીને પ્રદર્શન ચાલુ રાખવા માંગે છે કે પછી અંતિમ સંસ્કાર માટે પરત ઉડાન ભરવા માંગે છે.
CJPએ કહ્યું-દીપકે ક્યાં છે તેની કોઈ માહિતી નથી
CJPના સ્થાપક અભિજિત દીપકેના દાદીનું અવસાન થયું છે. આમ છતાં, દિલ્હી પોલીસે હજુ સુધી તેઓ ક્યાં છે તે અંગેની કોઈ માહિતી આપી નથી. પરિવારને અત્યાર સુધી એ પણ ખબર નથી કે અભિજિત ક્યાં છે. દિલ્હી પોલીસે તાત્કાલિક તેમના પરિવારને માહિતી આપવી જોઈએ.
મહારાષ્ટ્રના હિંગોળીમાં શનિવારે સવારે લીધા અંતિમ શ્વાસ
કૌટુંબિક સૂત્રોએ PTIને જણાવ્યું હતું કે, દીપકેના પિતૃ પક્ષના દાદી સાવિત્રીબાઈ શંકરરાવ દીપકે (ઉંમર 85 વર્ષ)નું શનિવારે સવારે 11.30 વાગ્યે મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના સંતુક પિંપરી ગામમાં સ્થિત તેમના ઘરે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ છેલ્લા એક મહિનાથી અસ્વસ્થ હતા અને અગાઉ હિંગોળીમાં હૉસ્પિટલમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સવારે 10 વાગ્યે નક્કી કરવામાં આવ્યા છે.
છેલ્લા 20-25 દિવસથી દાદીને મળી શક્યા ન હતા
દીપકેના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, દિલ્હીમાં અટકાયત થવાને કારણે પરિવાર તેમનો સંપર્ક કરી શક્યો ન હતો. તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે અને તેઓ ગામ જવા રવાના થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અભિજિત 15 ઑગસ્ટે હિંગોળી જિલ્લામાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કરતી વખતે દાદીને મળ્યા હતા અને ત્યારબાદ એકવાર મળ્યા હતા. તેઓ છેલ્લા 20-25 દિવસથી દાદીને મળી શક્યા ન હતા.
ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે દિલ્હી પહોંચ્યા હતા
આજે શનિવારે સવારે દીપકે, CJPના સહ-સંયોજક સૌરવ દાસ અને આશુતોષ સાથે મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા, ત્રણેયને દિલ્હી પોલીસ દ્વારા ઍરપૉર્ટ પર વિમાનમાંથી જ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)માં કથિત ગેરરીતિઓને લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે 'જંતર મંતર 2.0' વિરોધ પ્રદર્શન માટે દિલ્હી આવ્યા હતા.
પોલીસે પરવાનગી ન આપી છતાં ઝુંબેશ ચાલુ રાખવા મક્કમ
દિલ્હી પોલીસે જાહેર સુરક્ષા, વાહનવ્યવહાર વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની ચિંતાઓને ટાંકીને પ્રદર્શનની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો હતો. આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજધાનીભરમાં સુરક્ષા મજબૂત કરાયું હતું. બીજી તરફ, CJPએ સ્પષ્ટ કર્યું છે કે તે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે પોતાનું અભિયાન ચાલુ રાખશે અને SIR પ્રક્રિયા અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબદારી માંગશે.




