AI બનાવનારા પોતે જ ફફડ્યા! યુએનમાં ઓલ્ટમેનની ચેતવણી- આપણો કંટ્રોલ AIના હાથમાં જતો રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sam Altman Warns UN Governments That Humanity Could Lose Control To AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ક્રાંતિ લાવનાર OpenAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સેમ ઓલ્ટમેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) સમક્ષ અત્યંત ચિંતાજનક ચેતવણી ઉચ્ચારી છે. તેમણે સ્વીકાર્યું છે કે ભવિષ્યમાં માનવજાત AI પરનું પોતાનું સમગ્ર નિયંત્રણ ગુમાવી શકે છે. સેમ ઓલ્ટમેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સૌથી મોટો ખતરો એ છે કે AI એટલી અકલ્પનીય ઝડપે આગળ વધી રહ્યું છે કે લોકો સમજી જ નહીં શકે કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે, અથવા સમય આવ્યે કોઈ કટોકટીમાં માનવી તેમાં હસ્તક્ષેપ પણ નહીં કરી શકે. સેમ ઓલ્ટમેને પરિષદ સમક્ષ ભારપૂર્વક કહ્યું:
"આ સમયે અત્યંત સાવધાની રાખવાની અનિવાર્ય જરૂર છે. સુરક્ષાના નિયમો માત્ર AI કંપનીઓ દ્વારા નહીં, પરંતુ વિશ્વભરની સરકારો દ્વારા નક્કી થવા જોઈએ. OpenAIએ અગાઉ પણ જાણી જોઈને AI ડેવલપમેન્ટની ગતિ ધીમી કરી હતી અને જરૂર પડ્યે ભવિષ્યમાં પણ આમ કરશે."
AI એજન્ટ્સ બેકાબૂ: 'છળકપટ' અને 'ષડયંત્ર'ના કિસ્સા સામે આવ્યા
આ ગંભીર ચેતવણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ અગ્રણી ટેક કંપનીઓના AI એજન્ટ્સના "બળવાખોર", "છળકપટી", "ષડયંત્રકારી" અને "ઉપદ્રવી" હોવાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેને કારણે ટેક જગતમાં આંતરિક સ્તરે ભયનો માહોલ સર્જાયો છે.
બાયોલોજિકલ હથિયારો અને જૈવિક આતંકવાદનો ભય
બીજી અગ્રણી AI કંપની એન્થ્રોપિકના અહેવાલમાં AIના 'બાયોલોજિકલ દુરુપયોગ' અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોદેઈએ પણ સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં સ્વીકાર્યું છે કે જો AIને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે માનવજાત માટે વિનાશક સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયો-ટેરરિસ્ટ્સ ખતરનાક બાયોલોજિકલ હથિયારો બનાવી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે AIના વિકાસની ગતિને તાત્કાલિક ધીમી કરવાની જરૂર છે, જેનાથી ગંભીર નુકસાનની શક્યતા ઘટાડી શકાય. આ વિચાર સાથે સેમ ઓલ્ટમેન અને ઇલોન મસ્ક જેવા દિગ્ગજો પણ સહમત જોવા મળ્યા છે.
કંપનીઓની બેવડી નીતિ સામે ઉઠ્યા સવાલો
ટેક સમીક્ષકો આ સમગ્ર ઘટનાક્રમ પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે:
- AIને આટલું શક્તિશાળી અને જોખમી કોણે બનાવ્યું? OpenAI, Anthropic અને Google DeepMind જેવી ટેક જાયન્ટ્સ કંપનીઓએ પોતે.
- જો AI નિયંત્રણ બહાર જઈ રહ્યું છે, તો તેનો સૌથી મોટો શ્રેય પણ આ કંપનીઓની અંધાધૂંધ સ્પર્ધાને જાય છે.
- જ્યારે AIના વિકાસની ઝડપ ઘટાડવાનું 'બટન' ખુદ આ ટેક લીડર્સના હાથમાં છે, ત્યારે પોતાની જવાબદારી સરકારો પર ઢોળવાને બદલે કંપનીઓએ પોતે જ આગળ આવીને પોતાના બેકાબૂ મોડલ્સ અને એજન્ટ્સ પર કડક લગામ કસવી જોઈએ.




