Science & Technology

યુટ્યૂબર્સ માટે કભી ખુશી, કભી ગમઃ વીડિયોના વ્યૂઝ વધશે, પણ એમાંથી કમાણી વધુ મુશ્કેલ

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
યુટ્યુબ આવક અને વ્યૂના નિયમોમાં મોટા ફેરફારો કરી રહ્યું છે. હવે બધા પ્રકારના વીડિયો પ્લે થવાનું શરૂ થતાં જ તેને વ્યૂ ગણવામાં આવશે, જેથી યુટ્યુબર્સના વ્યૂ કાઉન્ટમાં વધારો થશે. જોકે, મોનેટાઇઝેશન માટેના નિયમો વધુ કડક બનશે. યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં નવા ક્રિએટર્સ માટે લોંગ ફોર્મ વીડિયો માટે 8000 કલાક અને શોર્ટ્સ માટે 2 કરોડ વ્યૂની મર્યાદા નક્કી કરાઈ છે, જે 2027થી લાગુ પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુટ્યૂબર્સ માટે કભી ખુશી, કભી ગમઃ વીડિયોના વ્યૂઝ વધશે, પણ એમાંથી કમાણી વધુ મુશ્કેલ
  • યુટ્યૂબમાંથી આવક અને વ્યૂના નિયમોમાં મોટા ફેરફાર

આપણે યુટ્યૂબ પર આપણા ફેવરિટ કન્ટેન્ટ ક્રિએટર્સના વીડિયો જોતા હોઇએ ત્યારે ક્યારેક ને ક્યારેક મનમાં એક વિચાર જરૂર આવી જાય - આ પ્રોફેશન કેવું સારું છે, કેમેરા સામે ઊભા રહીને વીડિયો બનાવવાનો, તેનું થોડું ઘણું એડિટિંગ કરવાનું, યુટ્યૂબ પર અપલોડ કરવાનો અને પછી તેમાંથી કમાણી કરવાની.
ખરેખર વાત એટલી સહેલી નથી. યુટ્યૂબ હોય કે ઇન્સ્ટાગ્રામ, કન્ટેન્ટ ક્રિએશન અને તેમાંથી કમાણીની જર્ની ઘણી મુશ્કેલ હોય છે.
એમાં પણ આવતા વર્ષથી યુટ્યૂબ આખી વાત હજી વધુ મુશ્કેલ બનાવશે, અલબત્ત, સાથોસાથ યુટ્યૂબર્સને થોડા રાજી પણ કરશે.
પહેલાં રાજી કરવા વિશે જાણી લઈએ - અગાઉ યુટ્યૂબમાં કોઈ યૂઝર વીડિયોને ક્લિક કરે એટલે તેનો એક વ્યૂ કાઉન્ટ થઈ જાય એવું નહોતું, જુદા જુદા વીડિયો ફોર્મેટ માટે વ્યૂની ગણતરી જુદી જુદી રીતે થતી હતી. હવે યુટ્યૂબે નક્કી કર્યું છે કે બધા પ્રકારના વીડિયો પ્લે થવાનું શરૂ થાય એ સાથે તેને વ્યૂ ગણી લેવાનો - પછી વીડિયો આખો જોવામાં આવે કે જોવામાં આવે.
દેખીતું છે કે આ ફેરફારને કારણે બધા યુટ્યૂબર્સના વીડિયોના વ્યૂ કાઉન્ટમાં ઉછાળો આવશે - યુટ્યૂબર્સ રાજી!
બીજી તરફ કંપની યુટ્યૂબમાં વીડિયોના મોનેટાઇઝેશનના નિયમો હવે વધુ આકરા બનાવી રહી છે. આ માટે કંપની વીસેક વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવેલા યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં ફરી એક વાર ફેરફાર કરી રહી છે.
હાલમાં ૩૦ લાખ જેટલા વીડિયો ક્રિએટર્સ આ પ્રોગ્રામની મદદથી યુટ્યૂબમાં વીડિયો શેર કરીને કમાણી કરી રહ્યા છે. આ પહેલાં ૨૦૧૮માં યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામની પોલિસીમાં મોટા ફેરફાર થયા હતા.
હવે કંપનીએ ફરી તેની પોલિસીમાં ફેરફાર કર્યા છે. જોકે કંપની કહે છે કે આ ફેરફારોને કારણે ૨૦૨૬ની સરખામણીમાં ૨૦૨૭માં વીડિયો ક્રિએટર્સને વધુ કમાણી થશે!
કંપનીએ પહેલો ફેરફાર યુટ્યૂબ પરના પ્રીમિયમ વીડિયોમાંથી થતી આવકની વહેંચણીમાં કર્યો છે. કંપનીના દાવા પ્રમાણે આ પ્રકારના સબસ્ક્રિપ્શન આધારિત વીડિયોમાંથી ક્રિએટર્સને હવે વધુ કમાણી થશે. કંપનીએ યુટ્યૂબ શોર્ટ્સમાંથી આવકને સંબંધિત નિયમો પણ ફેરફાર કર્યા છે. એ મુજબ આવતા વર્ષે ફેબ્રુઆરી ૧, ૨૦૨૭થી પાછલા ૯૦ દિવસમાં ૨ કરોડ ક્વોલિફાઇડ શોર્ટ્સ વ્યૂ ધરાવતા ક્રિએટર્સ એડ્સ અને સબસ્ક્રિપ્શનમાંથી આવક કરી શકશે.
આ સિવાય પોતાની યુટ્યૂબ ચેનલ ધરાવતા અને તેમાં એક હજારથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા ક્રિએટર્સ માટે વાત થોડી વધુ મુશ્કેલ બની રહી છે.
અત્યાર સુધી પાછલા એક વર્ષમાં લોંગ ફોર્મ વીડિયો માટે કુલ ચાર હજાર કલાકનો વ્યૂ ધરાવતા ક્રિએટર્સ યુટ્યૂબ પાર્ટનર્સ પ્રોગ્રામની મદદથી આવક ઊભી કરી શકતા હતા. હવે આ મર્યાદાને સીધી બમણી કરીને આઠ હજાર કલાકની કરી દેવામાં આવી છે! એ જ રીતે શોર્ટ્સના વ્યૂ અત્યાર સુધી ૧ કરોડ હતા તે સીધા ડબલ કરીને ૨ કરોડ કરી દેવામાં આવ્યા છે.
તમે યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં પહેલેથી સામેલ હો તો તમારે માટે આશ્વાસનની વાત એ છે કે તમારું સ્ટેટસ યથાવત જળવાઈ રહેશે. ફક્ત તમારે જાન્યુઆરી ૩૧, ૨૦૨૭ સુધીમાં નવી શરતો માટે સહમતિ આપવી પડશે. જોકે શોર્ટમાંથી આવક માટે ૯૦ દિવસમાં ૨ કરોડ વ્યૂ મેળવવા જરૂરી રહેશે.
પરંતુ તમે હવે યુટ્યૂબમાં વીડિયો ક્રિએટર તરીકે જોડાઇને આવક ઊભી કરવાનું સપનું જોતા હો તો તમારે માટે વાત લગભગ બમણી મુશ્કેલ બની ગઈ છે!