ફૂડ ડિલિવરી એપમાં એનેલોગ પનીર આપતી રેસ્ટોરાં પર પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આજકાલ આપણે ત્યાં ‘એનેલોગ’ ડેરી પ્રોડક્ટ્સ વિશેની ચિંતા ખાસ્સી વધી છે. ખાસ કરીને આપણી ફેવરિટ રેસ્ટોરાંમાં આપણે ફેવરિટ પનીર ડીશ મંગાવીએ ત્યારે તેમાં વપરાયેલું પનીર અસલી હશે કે નકલી તેની સૌને ચિંતા થવા લાગી છે. સરકારના આદેશો મુજબ તમામ રેસ્ટોરાંએ હવે પોતાને ત્યાં ઉપયોગમાં લેવાતું પનીર કે તેના જેવી ચીજવસ્તુ અસલી દૂધમાંથી બનેલી છે કે પછી વેજિટેબલ ઓઇલ્સમાંથી તે સ્પષ્ટપણે જણાવવું જરૂરી બન્યું છે.
આપણે રેસ્ટોરાંમાં રૂબરૂ જમવા જઇએ ત્યારે ત્યાં લગાવેલા પોસ્ટરને કારણે એ રેસ્ટોરાંમાં એનેલોગ આઇટેમ્સનો ઉપયોગ થતો નથી એવી ખાતરી કરી શકીએ છીએ. પરંતુ ફૂડ જ્યારે ઓનલાઇન ઓર્ડર કરવામાં આવે ત્યારે શું? આપણે જે રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરીએ ત્યાં કેવા પ્રકારનું પનીર ઉપયોગમાં લેવાતું હશે તેની ખાતરી કરવાની કોઈ અસરકારક પદ્ધતિ હજી સુધી નહોતી.
હવે ‘ઝોમેટો’ જેવી ફૂડ ડિલીવરી સર્વિસે આ દિશામાં એક મહત્ત્વની પહેલ કરી છે. કંપનીએ કહ્યું છે કે તે એનેલોગ ચીઝ, પનીર કે અન્ય ડેરી પ્રોડક્ટ્સ માટે બિલકુલ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવશે. એ કારણે તેના પ્લેટફોર્મ પર જે રેસ્ટોરાંની ડિશિસમાં એનેલોગ આઇટેમ્સનો ઉપયોગ થતો હશે તે રેસ્ટોરાંને ઝોમેટો પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવામાં આવશે.
કંપનીએ કહ્યું છે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને પોતાને ત્યાં એનેલોગ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ થતો હોવાનો સ્વીકાર કરનારી રેસ્ટોરાંને પ્લેટફોર્મ પરથી ડિલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. કંપનીએ આવી રેસ્ટોરાં તારવવાની પદ્ધતિ વિક્સાવી છે. એ સાથે કંપનીએ તેના રેસ્ટોરાં પાર્ટનર્સને એનેલોગ ડેરી પ્રોડક્ટ્સ ધરાવતી વાનગીઓને મેનૂમાંથી દૂર કરીને તાત્કાલિક નેચરલ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની તાકીદ કરી છે. આપણે આશા રાખીએ કે અન્ય ફૂડ ડિલિવરી એપ્સ પણ ઝડપથી આ દિશામાં આગળ વધશે. જોકે ભારતમાં ‘એનેલોગ’ આઇટમ્સ પર સાર્વત્રિક પ્રતિબંધ આવવાની શક્યતા છે એટલે વાત સહેલી બનશે.




