Paytm Bank License Cancelled: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Paytm Payments Bank Limitedનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. આ નિર્ણય 24 એપ્રિલ 2026ના કામકાજ પૂર્ણ થયા પછી અમલમાં આવ્યો છે. RBI એ જણાવ્યું કે બેંકની કામગીરી “બેંક અને તેના જમા કરનારાઓના હિત માટે હાનિકારક” હતી. Paytm બેંક તેના પેમેન્ટ્સ બેંક લાઇસન્સમાં નક્કી કરેલી શરતોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી હતી. આથી તેનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેંક બંધ કરવા માટે RBI હાઈકોર્ટમાં અરજી કરશે
RBI એ જાહેરાત કરી છે કે તે Paytm Payments Bankને બંધ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરશે. આ નિર્ણયનો અર્થ એ થાય છે કે Paytm બેંક હવે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 5(b) મુજબ વ્યાખ્યાયિત કોઈપણ બેંકિંગ પ્રવૃત્તિ અથવા કલમ 6 હેઠળની અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શકશે નહીં. જો એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેના પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
લાઇસન્સ રદ કરવાના કારણો
RBI એ લાઇસન્સ રદ કરવા માટે અનેક કારણો આપ્યા છે. તેમાં બેંક અને તેના જમા કરનારાઓના હિતને નુકસાન પહોંચાડે તેવી રીતે કામગીરી કરવી, તેમજ જાહેર હિતને નુકસાન પહોંચાડે તેવા મેનેજમેન્ટ હોવાનો સમાવેશ થાય છે. બેંક તેના પેમેન્ટ્સ બેંક લાઇસન્સની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 22 (3)(g)નું ઉલ્લંઘન કર્યું હતું.
બેંકને પહેલાથી જ નવા જમા સ્વીકારવા પર પ્રતિબંધ હતો
જાન્યુઆરી 2024માં RBI એ નિયમોના ઉલ્લંઘનને કારણે Paytm Payments Bankને નવા જમા રકમ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ગ્રાહક ચકાસણી (KYC), નાણાંનો ઉપયોગ અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી બાબતોનો સમાવેશ થતો હતો. તે પહેલાં માર્ચ 2022માં પણ બેંકને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. હાલમાં બેંક કાર્યરત છે, પરંતુ તેની કામગીરી મુખ્યત્વે હાલના જમા ના ઉપાડ અને બેંકિંગ કરેસ્પોન્ડન્ટ મારફતે લોન રેફરલ સુધી મર્યાદિત છે.
Paytm UPI પર અસર?
Paytm બેંક બંધ રહી છે, પરંતુ UPI સર્વિસ ચાલુ રહે તેવી શક્યતા છે.
1. UPI ચાલુ રહેવાની શક્યતા
UPI ને National Payments Corporation of India (NPCI) ચલાવે છે, Paytm Payments Bank સીધું ચલાવતું નથી. જો Paytm અન્ય બેંકો (જેમ કે SBI, Axis, HDFC વગેરે) સાથે જોડાણ કરે, તો Paytm એપમાં UPI પેમેન્ટ સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. એટલે કે પૈસા મોકલવા, પૈસા મેળવવા અને QR કોડ દ્વારા ચુકવણી શક્ય છે.
આ પણ વાંચો: શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં
2. Paytm Payments Bank સાથે જોડાયેલા UPI ID પર અસર
જો તમારો UPI ID આ પ્રકારનો છે: @paytm અથવા Paytm Payments Bank ખાતા સાથે સીધો જોડાયેલ છે તો તેના પર અસર પડશે. આ UPI હવે બંધ થઈ શકે છે. આથી યુઝરે એને બદલવો પડશે. UPI સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે એપ્લિકેશનમાં અન્ય બેંક એકાઉન્ટ કનેક્ટ કરવું પડશે. આ સાથે જ અન્ય બેંક સાથેનો UPI પણ બનાવવો પડી શકે છે.
3. વોલેટ અને બેલેન્સ સંબંધિત સમસ્યાઓ
Paytm વોલેટ અને બેંક બેલેન્સ Paytm Payments Bank સાથે જોડાયેલા હતા. આથી વોલેટમાં નવા પૈસા જમા કરવામાં આવશે નહીં. આ સાથે જ તેમાં જેટલા પણ પૈસા છે તેને ઉપાડી શકાશે. ટૂંકમાં હવે UPI દ્વારા વોલેટનો ઉપયોગ કરી શકાશે નહીં, સીધું બેંક એકાઉન્ટ ઉપયોગમાં લેવું પડશે.


