Science & Technology

સ્ટાઇલના ચક્કરમાં મુસાફરોની સુરક્ષા જોખમમાં? ચીનમાં ટેસ્લાની 30 લાખ કાર પાછી મંગાવાઈ

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
ટેસ્લા સહિત ચીનની 40 લાખથી વધુ EV કારને હિડન ડોર હેન્ડલની ખામીને કારણે રિકોલ કરવામાં આવી છે. આમાં ટેસ્લાની 29.8 લાખ કારનો સમાવેશ થાય છે. અકસ્માતમાં દરવાજા ન ખૂલતાં મુસાફરોની સુરક્ષા જોખમાતી હતી. હવે વોર્નિંગ લેબલ્સ અને વિન્ડો ઓટોમેટિક ડાઉન કરતાં સોફ્ટવેર અપડેટ અપાશે. ચીનમાં 2027થી આવા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટાઇલના ચક્કરમાં મુસાફરોની સુરક્ષા જોખમમાં? ચીનમાં ટેસ્લાની 30 લાખ કાર પાછી મંગાવાઈ

Teslas Recalled Over Handle Flaws: ઈલેક્ટ્રિક વાહનો(EVs)ની આકર્ષક અને મિનિમેલિસ્ટિક ઓળખ બનેલા હિડન ડોર હેન્ડલ્સ (સપાટી સાથે જોડાયેલા ફ્લશ ડોર હેન્ડલ) હવે ચીનના ઓટોમોબાઇલ ઇતિહાસના સૌથી મોટા કાર રિકોલનું મુખ્ય કારણ બન્યા છે. ચીનમાં વિવિધ કંપનીઓના કુલ 40 લાખથી વધુ વાહનો આ સમસ્યાના કારણે રિકોલ હેઠળ આવ્યા છે, જેમાં ચીનમાં નિર્મિત 2.98 મિલિયન(લગભગ 29.8 લાખ) ટેસ્લા કારનો સમાવેશ થાય છે. અકસ્માત કે કટોકટીની સ્થિતિમાં આ હિડન ડોર હેન્ડલ્સ શોધવા અને દરવાજા ખોલવા અત્યંત મુશ્કેલ બની જતાં મુસાફરોની સલામતી સામે ગંભીર જોખમ ઊભું થયું હોવાથી આ મોટું પગલું લેવામાં આવ્યું છે.

ટેસ્લા મોડલ 3, Y, S અને X સહિત શાઓમી, એક્સપેંગ અને ગીલી પણ સામેલ

આ વિશાળ રિકોલમાં ટેસ્લા ઉપરાંત ચીનની અગ્રણી કાર નિર્માતા કંપનીઓ જેવી કે XPeng, Xiaomi અને Geely પણ સામેલ છે. ચીનમાં શાઓમીની ઇવી કાર સાથે થયેલા 2 જીવલેણ અકસ્માતો બાદ આ ડિઝાઇન સામે ચકાસણી તેજ બની હતી. આ અકસ્માતોમાં કારની પાવર સિસ્ટમ ફેઇલ થઈ જવાને કારણે દરવાજા ન ખૂલ્યા હોવાની અને મુસાફરો ફસાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ટેસ્લાએ શુક્રવારે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તે પોતાના Model 3, Model Y, Model S અને Model X વાહનોને રિકોલ કરી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ દરવાજાના આંતરિક હેન્ડલનો રંગ કારના ઇન્ટિરિયર ટ્રિમ જેવો જ હોવાથી તેને કટોકટીમાં ઓળખવા અને ઓપરેટ કરવા મુશ્કેલ બને છે. ગંભીર ટક્કર દરમિયાન જ્યારે વાહનની લો-વોલ્ટેજ સિસ્ટમ ફેઇલ થઈ જાય ત્યારે કારમાં બેઠેલા મુસાફરો માટે બહાર નીકળવું અને બહારથી બચાવકર્મીઓ માટે અંદર પ્રવેશવું અત્યંત અવરોધાય છે, જે સુરક્ષાની દૃષ્ટિએ મોટો ખતરો સાબિત થાય છે.

વોર્નિંગ લેબલ્સ, ઓટોમેટિક વિન્ડો ડાઉન સોફ્ટવેર અને નિષ્ણાતોનો મત

સમસ્યાના નિવારણ માટે ટેસ્લા અને અન્ય નિર્માતાઓ રિકોલ હેઠળ આવતા વાહનોના દરવાજાના અંદરના ભાગે ચેતવણી દર્શાવતા સ્પષ્ટ વોર્નિંગ લેબલ્સ લગાવશે. આ ઉપરાંત વાહનોમાં એક નવું સોફ્ટવેર અપડેટ મોકલવામાં આવશે, જેના કારણે કોઈપણ ટક્કર કે અકસ્માત થતાં જ કારની તમામ બારીઓ આપોઆપ નીચે ઉતરી જશે જેથી મુસાફરોને બચાવી શકાય.

કન્સલ્ટન્સી ફર્મ સિનો ઓટો ઇનસાઇટ્સના સ્થાપક તુ લેના જણાવ્યા મુજબ, વર્ષ 2014માં ટેસ્લા મોડલ એસ સેડાન લોન્ચ થયા બાદ તેની સ્લીક ડિઝાઇનની લોકપ્રિયતા જોઈને ચીની બ્રાન્ડ્સે તેની ઝડપથી નકલ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર વોર્નિંગ લેબલ લગાવવા અને સોફ્ટવેર અપડેટ આપવું એ કાયમી ઉકેલ નથી પરંતુ માત્ર કામચલાઉ 'બેન્ડ-એઇડ' સમાન છે. હાલ અસરગ્રસ્ત કંપનીઓ ચીન સિવાય વિશ્વના અન્ય બજારોમાં પણ આવા રિકોલ કરશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ચીનમાં 2027થી પ્રતિબંધ અને અમેરિકામાં પણ તપાસ

ચીનના નિયમનકારી સત્તાવાળાઓએ ફેબ્રુઆરી મહિનામાં જ હિડન ડોર હેન્ડલ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી હતી. 1 જાન્યુઆરી 2027થી અમલમાં આવનારા નવા નિયમો અનુસાર ચીનમાં માત્ર એવા જ વાહનો વેચવાની મંજૂરી મળશે જેના દરવાજામાં અંદર અને બહાર બંને બાજુ ફરજિયાતપણે મિકેનિકલ રિલીઝ સિસ્ટમ ઉપલબ્ધ હોય.

ઉલ્લેખનીય છે કે ટેસ્લાના ડોર હેન્ડલ્સ અમેરિકામાં પણ વિવાદોમાં રહ્યા છે. હેન્ડલ્સે અચાનક કામ કરવાનું બંધ કરી દેતાં કારની અંદર બાળકો ફસાયા હોવાના અહેવાલો બાદ યુએસ સેફ્ટી રેગ્યુલેટર્સ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ જુલાઈ મહિનામાં યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને(NHTSA) તમામ ઓટોમોબાઇલ ઉત્પાદકો માટે ડોર હેન્ડલ સલામતી અંગે નવું ઔપચારિક સેફ્ટી સ્ટાન્ડર્ડ ઘડવાનું સૂચન કર્યું હતું.