હવે એઆઇ મોડમાં પણ જાહેરાતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આખરે ગૂગલ સર્ચના એઆઇ મોડમાં પણ જાહેરાતોએ ઘૂસણખોરી કરી છે. આમ તો ગૂગલે મે, ૨૦૨૫થી તેના સર્ચ એન્જિનમાં એઆઇ મોડમાં જવાબો આપવામાં આવી રહ્યા હોય ત્યારે જાહેરાતો બતાવવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ત્યારે ફક્ત યુએસમાં જાહેરાતો બતાવવામાં આવતી હતી. વિશ્વના અન્ય ભાગોમાં બધા યૂઝરને એઆઇ મોડ ફીચરનો એડ-ફ્રી અનુભવ મળવાનુ ચાલુ રહ્યું હતું.
એ પછી હવે વધુ ૧૦ દેશોમાં એઆઇ મોડમાં જાહેરાતો બતાવવાનું શરૂ થશે. આ ૧૦ દેશોમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેેલિયા, કેનેડા, કેન્યા, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, નાઇજિરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને સિંગાપોર સામેલ છે. એ પછી બ્રાઝિલ, મેક્સિકો અને યુકેમાં પણ એઆઇ મોડમાં જાહેરાતો જોવા મળશે.
મજા જુઓ, ગૂગલ કહે છે કે તેના પોતાના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લોકોને એઆઇ મોડમાં જાહેરાતો જોવામાં કોઈ વાંધો નથી. ખરેખર તો તેમને જાહેરાતો બહુ ઉપયોગી લાગી રહી છે! હકીકત એ છે કે એઆઇ પાછળ આંધળો ખર્ચ કર્યા પછી હમણાં એક જ દિવસમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં એક જ દિવસમાં ૪૭૫ અબજ ડોલરનું ધોવાણ થયું! કંપનીએ આવકના નવા રસ્તા શોધ્યા વિના છૂટકો જ નથી.
તમે જાણતા જ હશો કે આપણે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે હવે જૂના અને જાણીતા, વિવિધ વેબપેજિસની લિંક બતાવતા રિઝલ્ટ પેજ ઉપરાંત સર્ચમાં એઆઇ મોડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ મોડમાં આપણે પૂછેલા સવાલનો સીધેસીધો જવાબ મળે છે. ઉપરાંત આ મોડમાં આપણે આગળના પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ. આમ એઆઇ મોડમાં સર્ચ ચર્ચાનું સ્વરૂપ લઈ લે છે. એઆઇ મોડમાં બતાવવામાં આવતી જાહેરાતો પર ‘સ્પોન્સર્ડ’ એવું લેબલ જોવા મળશે. આવી જાહેરાતો એઆઇ મોડના જવાબોની વચ્ચે જોવા મળી શકે છે.
યુએસમાં વાત આગલા તબક્કે પહોંચી રહી છે. અહીં ગૂગલ ‘મલ્ટિટર્ન’ એડ પણ લોન્ચ કરશે. એટલે કે આપણે કોઈ સવાલ પૂછીએ, તેને માટે એઆઇ મોડ ઓપન કરીએ ત્યારે પહેલી વાર જાહેરાતો જોવા મળે અને પછી આગળ કોઈ પૂરક સવાલ પૂછીએ તો તેના જવાબમાં પણ જાહેરાતો જોવા મળશે.
જો તમે પોતાની કંપની, પ્રોડક્ટ કે સર્વિસની ગૂગલ નેટવર્ક પર જાહેરાત માટે ગૂગલ એડ્સનો લાભ લેતા હો તો તમને પણ પોતાની જાહેરાતો એઆઇ મોડમાં બતાવવાની તક મળશે. એ માટે તમારે કશું કરવાની જરૂર રહેશે નહીં. હાલના સર્ચ, શોપિંગ અને પરફોર્મન્સ મેક્સ કેમ્પેઇનમાં હાલના બજેટમાં જ એઆઇ મોડમાં જાહેરાતો ઉમેરાઈ જશે. એ માટે અલગ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.



