Get The App

SMS સ્કેમનો નવો ખતરનાક ખેલ: દુનિયાભરમાં થઈ રહ્યાં છે ખોટા નેટવર્ક સ્કેમ, જાણો ટેલિકોમ કંપનીઓ કેમ મજબૂર છે…

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
SMS સ્કેમનો નવો ખતરનાક ખેલ: દુનિયાભરમાં થઈ રહ્યાં છે ખોટા નેટવર્ક સ્કેમ, જાણો ટેલિકોમ કંપનીઓ કેમ મજબૂર છે… 1 - image


SMS Fake Network Scam: આજના જમાનામાં મોબાઇલ ફક્ત એક વાત કરવા માટેનું સાધન નથી. મોબાઇલથી જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ હવે થાય છે. બેન્કિંગથી લઈને પેમેન્ટ માટે અને ખરીદીથી લઈને સોશિયલ મીડિયા સુધી મોબાઇલનો ઉપયોગ થાય છે. જોકે સ્કેમર્સ હવે મોબાઇલ અને એને લગતી સુવિધાનો ઉપયોગ કરીને યુઝર્સના બેન્ક ખાતા ખાલી કરી રહ્યાં છે. હાલમાં એક સ્કેમ સામે આવ્યો છે અને એ એક સાધારણ SMS સ્કેમ લાગે છે, પરંતુ એ ખૂબ જ ખતરનાક છે. સાઇબર સિક્યોરિટી એક્સપર્ટના કહ્યા અનુસાર ફ્રોડ કરનાર હવે ખોટા મોબાઇલ ટાવર અને SMS બ્લાસ્ટ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યાં છે. એના દ્વારા મોબાઇલનું નેટવર્ક બદલીને યુઝર માટે નુકસાનકારક હોય એવા નેટવર્ક ચેનલ પર બદલી કાઢવામાં આવે છે.

ખોટા નેટવર્ક ટાવર દ્વારા કેવી રીતે થાય છે સ્કેમ?

મોટાભાગના યુઝર્સ એવું સમજે છે કે તેમના નેટવર્ક એકદમ સિક્યોર છે. તેઓ હંમેશાં નેટવર્ક સાથે જ કનેક્ટેડ હોય છે. જોકે હવે સ્કેમ કરનારા નાના-નાના પોર્ટેબલ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે. આ પોર્ટેબલ એટલે કે ખોટા નેટવર્ક ટાવર સાચા નેટવર્કની કોપી કરે છે. સાઇબર એક્સપર્ટ દ્વારા એને Fake BTS કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે ખોટા બેઝ સ્ટેશન.

આ ડિવાઇસને કોઈ પણ કારની ડીકીમાં, બેકપેકમાં અથવા તો રસ્તા પર કોઈ પણ જગ્યાએ સંતાડી શકાય છે. મોબાઇલ જ્યારે સિગ્નલ શોધે છે ત્યારે તે સૌથી સ્ટ્રોંગ સિગ્નલ હોય એને પસંદ કરે છે. આથી મોબાઇલ ઘણી વાર તેની બાજુમાં કોઈ ખોટું નેટવર્ક હોય તો એને પણ સ્ટ્રોંગ સિગ્નલના કારણે પસંદ કરી શકે છે. આ જ્યારે કનેક્શન થાય ત્યારે એ સિક્યોર નેટવર્ક નથી હોતું, પરંતુ એમાં ખૂબ જ ઓછી સિક્યોરિટી હોય છે. એને સરળતાથી હેક કરી શકાય છે.

સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ અનુસાર આ પ્રકારના ખોટા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે ત્યારે યુઝરને 5G અને 4G નેટવર્કની જગ્યાએ 2G નેટવર્ક પર મોકલવામાં આવે છે. અથવા તો એવા સિગ્નલ પર શિફ્ટ કરવામાં આવે છે જ્યાં સિક્યોરિટી ઓછી હોય. આ સ્થિતિનો ઉપયોગ કરીને સ્કેમ કરનાર યુઝર સાથે સ્કેમ કરવાની તૈયારી શરૂ કરે છે.

SMS બ્લાસ્ટ દ્વારા સ્કેમ

ખોટા નેટવર્ક પર કનેક્ટ થયા બાદ સૌથી મોટું જોખમ છે SMS બ્લાસ્ટર સ્કેમ. આ કોઈ પૈસાની ખડણી કરતો સ્કેમ નથી. જોકે એના દ્વારા મેસેજને ઘણાં લોકો સુધી પહોંચાડવા માટેની ટેક્નિક છે. આ સ્કેમમાં યુઝરના નંબર દ્વારા ઘણાં લોકો પર લિંક મોકલવામાં આવે છે. આ મેસેજ જોવા ખૂબ જ સિમ્પલ હોય છે, પરંતુ એટલા જ ખતરનાક પણ. આ મેસેજમાં બેન્ક ખાતું બંધ થઈ જશે એ અટકાવવા માટે લિંક પર ક્લિક કરો, તેમ જ OTP અપડેટ કરો વગેરે જેવા મેસેજ મોકલવામાં આવે છે.

ઘણાં યુઝર્સ આ મેસેજને જોઈને ડરી જાય છે અને તેઓ બને એટલી ઝડપથી એના પર ક્લિક કરે છે અને એજ સ્કેમ કરનારનો હેતુ હોય છે. આથી આ સાધારણ SMS સ્કેમ નહીં, પરંતુ એની પાછળ નેટવર્ક હાઇજેકિંગથી લઈને ટેક્નિકલ સ્કીમનો સમાવેશ થતો હોય છે.

ભારત જ નહીં, વિદેશમાં પણ આ સ્કેમ છે ચર્ચામાં

આ સ્કેમ ફક્ત ભારતમાં થઈ રહ્યાં છે એવું નથી. યૂરોપના ગ્રીસમાં પોલીસ દ્વારા એક ખોટા નેટવર્ક સાથે કેટલાક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. એમાં કારની ડીકીમાં સિસ્ટમને સંતાડવામાં આવી હતી અને યુઝર્સને ખોટા નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યાં હતાં. આવા ઘણાં સ્કેમ સામે આવી રહ્યાં છે જેમાં SMS દ્વારા જે-તે વ્યક્તિ પરથી અન્ય ઘણી વ્યક્તિઓને મેસેજ દ્વારા લિંક મોકલવામાં આવી રહી છે.

આ સ્કેમ એટલું ગંભીર રૂપ ધારણ લઈ ચૂકી છે કે દુનિયાભરના દેશની સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ તેમના દેશના લોકોને આ વિશે જાગૃત કરી રહ્યાં છે. તેમ જ તેમને એ વિશે માહિતી આપી એનાથી દૂર રહેવા માટે જણાવી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિના નેટવર્કમાં અચાનક ગરબડ થાય તો સમજી લેવું કે તેની સાથે ફ્રોડ થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિના ઘરે ફક્ત બે નેટવર્ક હંમેશાં પકડાતા હોય અને એક દિવસ અચાનક ફૂલ નેટવર્ક આવે તો સમજવું કે કોઈ ખતરો છે.

યુઝર્સ પર શું જોખમ છે?

• ખોટા નેટવર્ક સાથે કનેક્ટ થતાં જ યુઝરના મોબાઇલ પરથી SMS અને નોટિફિકેશનને યુઝરના કન્ટ્રોલ બહાર મોકલવામાં આવી શકે છે.

• યુઝરના મોબાઇલ નંબર પરથી તેની પરવાનગી વગર ટ્રાન્ઝેક્શન ફ્રોડ શરૂ થઈ શકે છે.

• બેન્કને લગતાં OTP અને અન્ય ડેટાને ચોરી કરવામાં આવી શકે છે.

• સરળતાથી હેકર્સ એને હેક કરી શકે છે.

• સૌથી ખતરનાક એ છે કે યુઝરને ખબર પણ નહીં હોય કે આ નેટવર્ક લેવલ પર સ્કેમ થઈ રહ્યો છે. આ એક લિંક પરથી સ્કેમ થાય એ કેસ નથી રહ્યો, પરંતુ સુરક્ષિત નેટવર્કથી અસુરક્ષિત નેટવર્ક પર કેવી રીતે લઈ જઈ છેતરપિંડી થાય એ છે.

નેટવર્ક કંપનીઓ પણ છે મજબૂર

ટેલિકોમ કંપની તેમના નેટવર્કને સૌથી સુરક્ષિત રાખવા માટે તમામ કોશિશ કરી રહી છે. તેમ જ તેઓ દાવો કરે છે કે તેમનું નેટવર્ક સેફ છે. જોકે આ સ્કેમમાં એવી સિસ્ટમનો ઉપયોગ થાય છે કે નેટવર્ક કંપનીઓ એને અટકાવી નથી શકતી. ખોટા નેટવર્કને અટકાવવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે મોબાઇલનું સૌથી મુખ્ય કામ સૌથી સ્ટ્રોંગ સિગ્નલ સાથે કનેક્ટ થવાનું છે. આ નેટવર્ક સુરક્ષિત હોય કે અસુરક્ષિત એ મોબાઇલ નક્કી નથી કરતું, તેનું કામ ફક્ત કનેક્ટ થવાનું હોય છે.

આ પણ વાંચો: ઇસરોના અત્યાર સુધીના સૌથી મુશ્કેલ મિશન માટે મોન્સ મ્યુટોન બનશે ચંદ્રયાન-4નું ઘર, જાણો વિગત…

શું પગલું ભરવામાં આવશે?

સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ અને સરકાર આ સ્કેમ કરવાની નવી ટેક્નિકને હજી પણ સમજવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ એક પણ ચોક્કસ છે કે નેટવર્ક લેવલની ડિવાઇસને અટકાવવી સરળ નથી. આ સમસ્યા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ દુનિયાભરની છે અને એથી જ દરેક સરકાર એને અટકાવવા પાછળ મંડી પડી છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે ટેલિકોમ કંપની દ્વારા હવે સુરક્ષા પ્રોટોકોલ બનાવવા પડશે જેથી મોબાઇલ ફક્ત સુરક્ષિત નેટવર્કને ઓળખી શકે અને એની સાથે જ કનેક્ટ થાય. જોકે સામાન્ય વ્યક્તિને આ વિશે કેવી રીતે સમજાવવું તેમ જ એવું શું કરવું કે તેઓ આ પ્રકારના સ્કેમથી બચી શકે એ પણ એક સવાલ છે.