Science & Technology

નેશનલ પેન્શન સિસ્ટમનું એકાઉન્ટ હવે યુપીઆઇ એપમાંથી જ

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
NPCI એ ભીમ અને ફોનપે એપમાં 'તત્કાલ NPS' સુવિધા શરૂ કરી છે. હવે 18 થી 85 વર્ષના ભારતીય નાગરિકો ઘરે બેઠા ₹250 ના પ્રારંભિક યોગદાન સાથે NPS ખાતું ખોલાવી શકશે. બેંક વેરિફાઈડ KYC દ્વારા 3 સ્ટેપમાં આ સુવિધાનો લાભ લઈ શકાય છે. આનાથી બેંકમાં જવાની જરૂર નહીં પડે અને નિવૃત્તિ માટેનું રોકાણ સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેશનલ પેન્શન સિસ્ટમનું એકાઉન્ટ હવે યુપીઆઇ એપમાંથી જ

નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)નું એકાઉન્ટ ખોલાવવાનું કામ હવે ખરેખર આંગળીના ઇશારે થઈ શકશે. આ સુવિધા હવે ભીમ પેમેન્ટ્સ એપ તથા ફોનપેમાં આવી ગઈ છે. ભારતના ૧૮થી ૮૫ વર્ષના કોઈ પણ નાગરિક એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકે છે. હાલના બેંક વેરિફાઇડ કેવાયસીની મદદથી રૂપિયા ૨૫૦ના પ્રારંભિક કન્ટ્રીબ્યુશનથી ભીમ એપમાં ત્રણ સ્ટેપમાં આ એકાઉન્ટ ખોલી શકાય છે.
આ સુવિધા ‘તત્કાલ એનપીએસ’ નામે ઓળખાય છે. ભીમમાં ઉમેરાયેલી આ સુવિધાને કારણે આપણે એનપીએસ એકાઉન્ટ ખોલાવવા માટે બેંકમાં રૂબરૂ જવું પડશે નહીં કે નવેસરથી કાગળિયાં કરવા પડશે નહીં. બધું જ યુપીઆઇ મારફત ભીમ એપમાં થઈ શકે છે.
ભારતમાં ભીમ એપનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની પેટા કંપની એનપીસીઆઇ ભીમ સર્વિસિસ લિમિટેડ (એનબીએસએલ) દ્વારા કરવામાં આવે છે. આ કંપનીએ ભીમમાં ‘તત્કાલ એનપીએસ’ સુવિધા ઉમેરાઈ હોવાની જાહેરાત કરી છે.
આ એકાઉન્ટ ક્રિએટ કરવા માટે આપણે ભીમ એપમાં ‘તત્કાલ એનપીએસ’ સેકશનમાં જઇને તેમાં આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ માટે આપણે પોતાની જન્મ તારીખ આપીને પોતાનું બેંક એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે (આપણી બેંક આ યોજનામાં સામેલ હોવી જરૂરી છે). ત્યાર પછી યુપીઆઇ મારફત જ આપણે એનપીએસ માટે પહેલું કન્ટ્રીબ્યુશન કરી શકીશું. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક તથા બેંક ઓફ બરોડા ‘તત્કાલ એનપીએસ’ની સુવિધા આપે છે. વધુ બેંકો પણ ઝડપથી આ સુવિધા આપે તેવી શક્યતા છે.
એનપીએસ યોજના ભારતીય નાગરિકોને બહુ ઓછા ખર્ચે નિવૃત્તિ પછી ઉપયોગી થાય એવી પેન્શન સ્કીમનો લાભ આપે છે. આ સ્કીમમાં આપણે જમા કરેલા રૂપિયાનું રોકાણ માર્કેટ લિંક્ડ ફંડ્સમાં કરવામાં આવે છે. મોબાઇલને કારણે એનપીએસમાં રોકાણ સહેલું બન્યું છે.