Science & Technology

યુપીઆઈ આઈડીમાં મોબાઈલ નંબર દેખાતો બંધ થશે

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
હવે UPI પેમેન્ટમાં તમારી પ્રાઈવસી જળવાશે. NPCI દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, 4 સપ્ટેમ્બર, 2026 પછી UPI ટ્રાન્ઝેક્શનમાં તમારો આખો મોબાઈલ નંબર દેખાશે નહીં, ફક્ત છેલ્લા 4 અંક જ દેખાડવામાં આવશે. આ ફેરફારથી અજાણી વ્યક્તિઓ તમારો નંબર જાણીને હેરાનગતિ કરી શકશે નહીં. આ સુરક્ષા પગલું ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુપીઆઈ આઈડીમાં મોબાઈલ નંબર દેખાતો બંધ થશે
  • યુપીઆઈ વ્યવસ્થામાં આપણી પ્રાઈવસી જાળવતો એક મહત્ત્વનો ફેરફાર આવી રહ્યો છે

અત્યારે આપણે કોઈ પણ યુપીઆઇ એપથી બીજી કોઈ વ્યક્તિને રકમ મોકલીએ ત્યારે એ વ્યક્તિ આપણો આખો મોબાઇલ નંબર જાણી શકે છે. કારણ એ કે મોટા ભાગે આપણું યુપીઆઇ એડ્રેસ આપણો ફોનનંબર@યુપીઆઇ કે ફોનનંબર@okhdfc જેવું કંઈક હોય છે. મતલબ કે આપણો ફોન નંબર એ જ આપણા યુપીઆઇ એકાઉન્ટની મુખ્ય ઓળખ બને. આથી સામેની વ્યક્તિને કયા આઇડી પરથી પેમેન્ટ મળ્યું છે તે જાણવા મળે એ સાથે આપણો મોબાઇલ નંબર પણ જાણવા મળે.
આમ જુઓ તો આપણને આ કોઈ મોટી વાત ન લાગે. પરંતુ આ જ વાત જરા બીજી રીતે વિચારી પણ જુઓ.
આપણે સૌ હવે ઘણી વાર તદ્દન અજાણી વ્યક્તિને પણ યુપીઆઇથી પેમેન્ટ કરતા હોઇએ છીએ. આપણે કોઈ અજાણ્યા શહેરમાં હોઇએ કે પોતાના જ શહેરમાં હોઇએ ત્યારે jrક્ષા ડ્રાઇવર, કેબ ડ્રાઇવર કે અન્ય કોઈ પણ તદ્દન અજાણી વ્યક્તિને યુપીઆઇથી પેમેન્ટ કરીએ ત્યારે તે આપણો ફોન નંબર જાણી શકે છે. ભૂતકાળમાં કેબ ડ્રાઇવર કે અન્ય કોઈ એપના ડિલિવરી પર્સને તેની મહિલા કસ્ટમરનો આ રીતે ફોન નંબર મળ્યા પછી તેના ફોન પર વારંવાર કોન્ટેક્ટ કરીને તેની પજવણી કરી હોય એવા પણ કિસ્સાઓ નોંધાયા છે.
આપણે પોતે પણ ઘણી બધી વાર પોતાના કામકાજ સંબંધિત પેમેન્ટ મેળવવા માટે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આપણા ઇન્વોઇસ, ઇમેઇલ સિગ્નેચર, વેબસાઇટ પર વગેરે જગ્યાએ જાહેર રીતે પોતાનું યુપીઆઇ એડ્રેસ આપતા હોઇએ છીએ. તેનો કોઈ ને કોઈ રીતે દુરુપયોગ થઈ શકે છે.
જોકે મોટા ભાગની યુપીઆઇ એપ ફોન નંબરને બદલે અન્ય કોઈ નામ સાથે (જો ઉપલબ્ધ હોય તો) યુપીઆઇ આઇડી ક્રિએટ કરવાની સગવડ આપે છે. પેટીએમ, ફોનપે, ગૂગલ પે વગેરે બધી એપ આવી સગવડ આપતી હોય છે. કોઈ કારણસર તમારી યુપીઆઇ એપમાં આવી સગવડ ન મળે તો એપ તરફથી ફોન નંબર સિવાયનું કોઈ યુપીઆઇ આઇડી પસંદ કરવાનો વિકલ્પ મળે તો તે પણ અજમાવી શકાય.
જોકે હવે ભારતમાં યુપીઆઇ વ્યવસ્થાનું સંચાલન કરતું નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઇન્ડિયા પોતે પ્રાઇવસીના આ મુદ્દા તરફ ધ્યાન આપી રહ્યું છે.
એ કારણે નજીકના ભવિષ્યમાં આપણે કોઈને યુપીઆઇથી પેમેન્ટ કરીશું અને તેમાં આપણા ફોન નંબરનો જ યુપીઆઇ આઇડી તરીકે ઉપયોગ થતો હશે તો આપણો આખો નંબર બતાવવામાં આવશે નહીં. તેને માસ્ક કરી દેવામાં આવશે. આ પગલું ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન (ડીપીડીપી) એક્ટ અનુસાર લેવામાં આવશે.
એ અનુસાર યુપીઆઇ ટ્રાન્ઝેકશનની વિગતો શેર કરવામાં આવે ત્યારે યુપીઆઇ આઇડી, મોબાઇલ નંબર તથા બેંક ખાતાના નંબર જેવી વ્યક્તિની ઓળખ બતાવતી વિગતો માસ્ક કરી દેવામાં આવશે.
આમાંથી ફોન નંબરની વાત કરીએ તો ફક્ત છેલ્લા ચાર ડિજિટ દર્શાવવામાં આવે એવી શક્યતા છે. ક્યૂઆર કોડથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે પણ રકમ મોકલનાર કે મેળવનારના આખેઆખા મોબાઇલ નંબર બતાવવામાં આવશે નહીં.
સમાચાર એવા છે કે ભારત સરકારે આ ફેરફારો અમલમાં મુકવા માટે વિવિધ બેંક તથા પેમેન્ટ્સ એપને સપ્ટેમ્બર ૪, ૨૦૨૬ સુધીનો સમય આપ્યો છે.
પ્રાઇવસી અને સિક્યોરિટીની યુપીઆઇમાં આ ઉપરાંત અન્ય કેટલાક ફેરફારો પણ જરૂરી છે, પણ શરૂઆત થઈ છે એ સારી વાત છે.