નવી રીતે UPI પેમેન્ટ કરો ફક્ત ટેપ કરીને અને પિન વિના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિવાદો વચ્ચે યુપીઆઈમાં નવાં ફીચર્સ ઉમેરાઈ રહ્યાં છે
એક તરફ ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)માં કોઈ પણ વેપારીને કરવામાં આવતા રૂ.૨૦૦૦થી વધુ રકમના પેમેન્ટ પર લાગુ થયેલા ચાર્જનો મુદ્દો ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે બીજી તરફ યુપીઆઇનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) બંને સાથે મળીને યુપીઆઇની સકસેસ સ્ટોરીને વધુ મક્કમ ગતિએ આગળ ધપાવી રહી છે.
ટેપ એન્ડ પે
હમણાં યુપીઆઇમાં પેમેન્ટ સમયે યૂઝરે કોઈ ક્યૂઆર કોડ સ્કેન કરવો ન પડે કે પોતાનો યુપીઆઇ પિન આપવો ન પડે એવી નવી પ્રોસેસ લોન્ચ કરવામાં આવી છે. પેમેન્ટની આ નવી પ્રોસેસ કે સગવડ ‘ટેપ એન્ડ પે’ તરીકે જાણીતી છે. અલબત્ત તેનો લાભ લેવા માટે આપણે પોતાના ‘રૂપે’ ક્રેડિટ કાર્ડને યુપીઆઇ એકાઉન્ટ સાથે કનેક્ટ કરેલું હોવું જરૂરી છે. તેમ આપણા ફોનમાં નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) ફીચર પણ હોવું જરૂરી છે.
એ પછી આપણે રૂ. પાંચ હજાર સુધીનું પેમેન્ટ કરવું હોય તો આપણે પોતાના ફોનને વેપારીના ‘પોઇન્ટ ઓફ સેલ’ ટર્મિનલ પર જરા અમથો ટેપ કરવાનો રહે છે. આ ટર્મિનલ પણ આ પ્રકારે એનએફસીથી પેમેન્ટ સ્વીકારી શકે તેવું હોવું જોઈએ.
આ સમયે રૂપિયા સ્વીકારતા સાધનમાં ઇન્ટરનેટ કનેકશન હોવું જરૂરી છે. ગ્રાહકના ફોનમાં ઇન્ટરનેટ એક્સેસ ચાલુ ન હોય તો પણ પેમેન્ટ શક્ય બને છે. આ રીતે થતું પેમેન્ટ ડાઇરેક્ટ આપણા બેંક ખાતામાંથી ડેબિટ થતું નથી, પરંતુ તેની સાથે લિંક્ડ ‘રૂપે’ ક્રેડિટ કાર્ડમાંથી થાય છે. આ રીતે રૂ. ૫૦૦૦થી વધુ રકમનું પેમેન્ટ કરવું હોય ત્યારે યુપીઆઇ પિન આપવો જરૂરી બનશે.
પિન વિના પેમેન્ટની બીજી પદ્ધતિ
તમે જાણતા જ હશો કે હવે ઘણી યુપીઆઇ એપ્સમાં બાયોમેટ્રિક પદ્ધતિથી વેરિફિકેશન થઈ શકે છે.
આ ઓપ્શન આપણે પહેલેથી ઇનેબલ કર્યો હોય તો આપણે પેમેન્ટ કરવું હોય ત્યારે યુપીઆઇ પિન આપવાની જરૂર રહેતી નથી. ફક્ત ફિંગરપ્રિન્ટ આપીને કે ફોનની ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમની મદદથી આપણે પોતાની ઓળખ સાબિત કરી શકીએ છીએ.
અલબત્ત અત્યારે બધી યુપીઆઇ એપ્સ તથા બધી બેંક આ પદ્ધતિને સપોર્ટ કરતી નથી. જો તમારી એપ અને બેંક આ પદ્ધતિ સપોર્ટ કરતી હોય તો તમારી એપમાં ‘બાયોમેટ્રિક પે (Biometric Pay)’ સર્ચ કરીને તેને ઇનેબલ કરી શકાય.
આ સમયે પહેલી વાર આપણે પોતાનો યુપીઆઇ પિન આપીને પોતાની ઓળખ સાબિત કરવી પડે છે. આ પદ્ધતિમાં પણ રૂ. ૫૦૦૦ સુધીનું પેમેન્ટ યુપીઆઇ પિન આપ્યા વિના બાયોમેટ્રિક પદ્ધતિથી કરી શકાય છે. એથી વધુ રકમના પેમેન્ટ માટે યુપીઆઇ પિન આપવો જરૂરી છે.
જો તમે તમારા સેમસંગ મોબાઇલમાં સેમસંગ વોલેટનો ઉપયોગ કરતા હો તો તેમાં પણ હવે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન માટે ફોનનાં બાયોમેટ્રિક્સ ફીચર્સનો ઉપયોગ કરવાની સગવડ ઉમેરાઈ ગઈ છે.
ફિંગરપ્રિન્ટ કે ફેસ રેકગ્નેશનથી આપણી ઓળખ સાબિત કરવામાં ત્રણ વાર નિષ્ફળ જવાય તો એ પછી આપણે ફરજિયાતપણે પિન આપીને જ પેમેન્ટ કરી શકીએ છીએ.
એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે મોટા ભાગના પેમેન્ટ માટે આપણે પિનનો ઉપયોગ કરવાની જરૂર ન રહે તો થોડા સમયમાં આપણે પિન ભૂલી જઇએ એવી પૂરી શક્યતા છે. આથી પોતાના યુપીઆઇ એકાઉન્ટનો પિન ક્યાંક સલામત રીતે લખી રાખવાનું ભૂલશો નહીં!




