આંખોને થોડો આરામ આપીએ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તનમન થકવી નાખતા નવરાત્રિના મીઠા ઉજાગરા પછી…
આ નવરાત્રિ દરમિયાન, ગરબા ગ્રાઉન્ડ પર હોઈએ ત્યાં સુધી આંખોને સ્માર્ટફોનના સ્ક્રીન પર સતત સ્ક્રોલિંગથી મુક્તિ મળી, પણ નવે નવ રાત ફ્રેન્ડ્સ અને બીજી ગમતી વ્યક્તિઓના ફોટો કે રીલ રેકોર્ડ કરવા માટે આંખો સતત સ્માર્ટફોનના સ્ક્રીનમાં જ પરોવાયેલી રહી. દિવસ દરમિયાન સ્ક્રોલિંગ પણ વધ્યું. પરિણામે આખી નવરાત્રિ દરમિયાન તનમન તો થાક્યાં, સાથોસાથ આંખો પણ થાકી હશે.
હવે એને થોડો આરામ આપીએ. હવેના દિવસોમાં પણ ફોન આપણા હાથમાં અને નજર ફોનમાં જ રહેવાની છે. આપણે એકમેકના ફોટોગ્રાફ્સ અને રીલ્સ જોવામાં પરોવાયેલા રહેવાના છીએ. એ ધ્યાનમાં રાખીને, ફોનનાં એવાં કેટલાંક ફીચર્સ તપાસીએ, જે આપણી આંખો પર સ્ક્રીનની બ્લૂ લાઇટથી થતી અસર તથા આપણી ઊંઘમાં ખલેલ સામે કેટલુંક રક્ષણ આપી શકે છે.
આ બધું તમને કેટલો ફાયદો કરશે એ કહી ન શકાય, પણ ટ્રાય કરી જુઓ!
આંખો માટે ડિજિટલ સ્ક્રીનની બ્લૂ લાઈટ હાનિકારક છે, બચાવનાં પગલાં જરૂરી છે
આપણે સૌ પોતાના સ્માર્ટફોનનો રાતદિવસ ઉપયોગ કરતા હોઇએ ત્યારે આંખ પર તેની અસર થવાની મોટી સંભાવના રહે છે. મોટા ભાગે આપણે આવી અસર ટાળવા માટે ફોનના ડિસ્પ્લેમાં બ્રાઇટનેસ વધુ ઓછી કરીને કંઈક કર્યાનો સંતોષ માની લેતા હોઇએ છીએ. એથી આગળ વધવું હોય તો ફોનમાં બધે જ ડાર્ક મોડનો ઉપયોગ કરવાનો પ્રયાસ પણ કરી શકાય.
તકલીફ એ છે કે આ બધાં સેટિંગ્સનો કોઈ એક સ્ટાન્ડર્ડ રુલ હોતો નથી. કેટલી બ્રાઇટનેસ સૌને અનુકૂળ ગણાય એવો કોઈ નિયમ નથી. તેમ ડાર્ક મોડથી બધાની આંખોને રાહત મળે એવું પણ નથી.
તેમ છતાં સ્માર્ટફોનના સતત વધતા ઉપયોગને કારણે આપણે આંખોને બચાવવા માટે જે ઉપાયો મળતા હોય તેની અજમાયશ કરવી જરૂરી છે.
બ્લૂ લાઇટ સામે રક્ષણ
સ્માર્ટફોનના સ્ક્રીનમાં બ્લૂ લાઇટનું પ્રમાણ વધુ હોય તો તેનાથી ‘કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ’ તરીકે ઓળખાતી તકલીફ થઈ શકે છે. સાદા શબ્દોમાં એમ કહેવાય કે ખાસ કરીને ઝાંખા અજવાળામાં આપણે વધુ પડતો સમય સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલા રહીએ તો સ્ક્રીનની બ્લૂ લાઇટથી આંખો ખેંચાવાની તકલીફ ઊભી થાય.
નિષ્ણાતો કહે છે કે બ્લૂ લાઇટ અન્ય કલર્સની વેવલેન્થ કરતાં વધુ પ્રમાણમાં સ્પ્રેડ થાય છે જેને કારણે આંખમાં વધુ પ્રકાશ પહોંચે છે અને પછી આપણી આંખો સહેલાઇથી ફોક્સ કરતી શકતી નથી.
બ્લૂ લાઇટ ઉપરાંત સ્ક્રીનની વધુ પડતી બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ તથા વધુ પડતો સમય સ્ક્રીન સામે જોઈ રહેવાને કારણે પણ આંખોમાં તકલીફ થઈ શકે છે.
નિષ્ણાતો કહે છે કે રાતના સમયે આંખો વધુ પડતી બ્લૂ લાઇટનો સામનો કરે તો આપણી ઊંઘનું નિયમન કરતા ‘મેલેટોનિન’ નામના હોર્મોન પેદા થવાનું પ્રમાણ ઘટે છે. જેને કારણે રાતના સમયે વધુ પડતો સ્માર્ટફોન જોયા પછી આપણે ઊંઘવાનો પ્રયાસ કરીએ તો પડખાં ઘસતા રહીએ છીએ.
આ બધી તકલીફો સામે રક્ષણ આપવા માટે વિવિધ મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની ફોનમાં ‘આઇ કમ્ફર્ટ’ મોડ ઉમેરી રહી છે. કેટલાક ફોનમાં આ ફીચર ‘કમ્ફર્ટ ફિલ્ટર્સ’ કે ‘આઇકેર મોડ’ કે ‘આઇ કમ્ફર્ટ શિલ્ડ’ તરીકે પણ ઓળખાય છે.
આપણે આ ફીચર ઓન કરીએ એ પછી ફોનના ડિસ્પ્લેમાં બ્લૂ લાઇટનું પ્રમાણ ઘટે છે અને યલો કે રેડ ટોનનું પ્રમાણ વધે છે. આમ જુઓ તો બ્લૂ કલર ઠંડો (કોલ્ડ) ગણાય છે, જ્યારે યલો કે રેડ ટોન ગરમ (વાર્મ) ગણાય પરંતુ આંખ માટે એ વધુ રાહતરૂપ ગણાય છે.
સ્ક્રીન પર વાર્મ કલર્સનું પ્રમાણ વધવાને કારણે સ્માર્ટફોનના ડિસ્પ્લેમાં ખાસ કરીને સાંજ કે રાતના સમયે વ્હાઇટ લાઇટની તીવ્રતા ઘટે છે. પરિણામે આંખોને તકલીફ થવાની શક્યતા ઘટે છે અને રાત્રે ઊંઘ પણ વધુ સારી આવી શકે છે.
આ મોડ મુખ્યત્વે ફોનના ડિસ્પ્લેમાં બ્લૂ લાઇટનું પ્રમાણ ઘટાડે છે તેથી આંખ ખેંચાવાની સમસ્યા તથા ઊંઘનું સંતુલન બગડવાની તકલીફ ઘટી શકે છે.
અલબત્ત, આ વાત દરેક વ્યક્તિએ બદલાઈ શકે છે. ‘આઇ કમ્ફર્ટ’ મોડતી કોને કેટલી રાહત થશે એ સ્પષ્ટ કહી શકાય નહીં, તમારે તેની અજમાયશ કરીને થોડો સમય એ જ મોડ ઓન રાખીને તમને તે અનુકૂળ થશે કે નહીં તે તપાસવું પડે.
'આઈ ક્મ્ફર્ટ શીલ્ડ'નો લાભ કેવી રીતે લેવો ?
તમારા ફોનમાં ‘આઇ કમ્ફર્ટ’ મોડ હોય તો તેને ઓન કરવાનાં પગલાં જાણી લઇએ.
ફોનમાં સેટિંગ્સમાં જાઓ. તેમાં ડિસ્પ્લેમાં જાઓ.
અહીં ‘આઇ કમ્ફર્ટ શીલ્ડ’ કે ‘કમ્ફર્ટ વ્યૂ’ જેવો ઓપ્શન જોવા મળશે. તેને ક્લિક કરતાં આ ફીચરનું પેજ ઓપન થશે.
અહીં સૌથી ઉપર તેને ઓન કરવાનું ટોગલ મળશે.
તેને ઓન કરશો એ સાથે ફોનના સ્ક્રીનની વ્હાઇટ બ્રાઇટનેસ ઘટશે અને સ્ક્રીનનો કલર ‘સેપિયા’ ટોનનો થશે. તમે જાણતા જ હશો કે કિન્ડલ રીડર કે અન્ય રીડિંગ એપ્સમાં આપણે ફોનના સ્ક્રીન પર ઘણું વાંચવું હોય ત્યારે આંખોને રાહત આપવા માટે પેજ માટે આવો ‘સેપિયા’ કલર પસંદ કરવાની સગવડ હોય છે.
ફોનમાં ‘આઇ કમ્ફર્ટ શીલ્ડ’ કે ’કમ્ફર્ટ વ્યૂ’ ઓન કરીએ ત્યારે તેને માટે બે વિકલ્પ મળે છે. એક છે ‘એડેપ્ટિવ’ અને બીજો છે ‘કસ્ટમ’.
‘એડેપ્ટિવ’ ઓપ્શન તેના નામ મુજબ દિવસના સમય અનુસાર આપણા સ્ક્રીનના કલર્સ આપોઆપ એડજસ્ટ કરે છે.
આ વિકલ્પ પસંદ કરીએ તો દિવસ દરમિયાન સ્ક્રીનના બ્લૂટોનમાં ખાસ ઘટાડો જોવા નહીં મળે પરંતુ રાતના સમયે નોંધપાત્ર રીતે વધુ સેપિયા ટોન જોવા મળશે.
‘કસ્ટમ’ ઓપ્શનમાં નામ મુજબ આપણે ઇચ્છીએ તેવું કલર ટેમ્પરેચર પસંદ કરી શકીએ છીએ અને આપણને શું અનુકૂળ રહેશે તે તપાસી શકીએ.
આવા ‘કસ્ટમ’ કલર ટેમ્પરેચર માટે આપણે શેડ્યૂલ પણ નક્કી કરી શકીએ. જેમ કે સાંજના સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી આ મોડ ઓન રહે અથવા સાંજે નિશ્ચિત સમયે શરૂ થઈને સવારે નિશ્ચિત સમયે તે બંધ થાય એવું સેટિંગ પણ આપણે કરી શકીએ.
આટલા ઊંડા ઉતરવું ન હોય તો ‘એડેપ્ટિવ’ મોડ પસંદ કરવો યોગ્ય રહેશે.
બીજા ક્યાં પગલાં યાદ રાખવાં ?
એ પણ ખાસ યાદ રાખવું જોઇએ કે ફોનમાં ‘આઇ કમ્ફર્ટ’ મોડ ઓન કરી દેવાથી આંખને પૂરેપૂરું રક્ષણ મળી જશે એવું પણ માની ન લેવાય.
ફોન સામે આંખોને રક્ષણ આપવા માટે બીજા ઉપાયો પણ અજમાવવા જોઇએ. જેમ કે…
૨૦-૨૦-૨૦ રુલઃ નિષ્ણાતો કહે છે કે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનના સ્ક્રીનમાં આપણે નજર પરોવી રાખી હોય ત્યારે દર ૨૦ મિનિટે આપણે ઓછામાં ઓછી ૨૦ સેકન્ડનો બ્રેક લઇને ૨૦ ફૂટ દૂરની બાબતો પર નજર માંડવી જોઇએ. આવી આદત કેળવવાથી ડિજિટલ સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી આંખો ખેંચાવાનું પ્રમાણ ઘટી શકે છે.
સ્ક્રીનની બ્રાઇટનેસઃ ફોન અને કમ્પ્યૂટર બંનેના સ્ક્રીનની બ્રાઇટનેસ આસપાસના અજવાળાં અનુસાર એડજસ્ટ કરવી જરૂરી છે. બને ત્યાં સુધી રૂમમાં પૂરતું અજવાળું રાખીને ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરવો હિતાવહ છે. ફોનની બ્રાઇટનેસ વધુ પડતી હશે તો આંખોને તકલીફ થશે. તેમ બ્રાઇટનેસ વધુ પડતી ઓછી હશે તો પણ આંખોને શ્રમ પડશે.
યોગ્ય ફોન્ટ સાઇઝઃ સ્ક્રીન પરના ફોન્ટની સાઇઝ ઓછી હોય અને વાંચવામાં તકલીફ થતી હોય તો ફોન્ટની સાઇઝ વધારી દેવી સારી.
સ્ક્રીનની યોગ્ય ગોઠવણીઃ કમ્પ્યૂટરનો સ્ક્રીન હોય તો તે આપણાથી કમસે કમ એક હાથના અંતરે, આંખના લેવલે અને સહેજ નીચેની તરફ ઢળતો રહેવો જોઇએ. સ્માર્ટફોનની વાત કરીએ તો આપણને મોટા ભાગે ફોન ખોળા તરફ રાખીને, ગરદન ઝૂકાવીને ફોનનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. તેને બદલે ફોનને ગરદન ઝૂકાવ્યા વિના ઉપયોગ કરી શકાય તેવા લેવલે રાખવાથી આંખ અને ગરદન બંનેને રાહત રહેશે.
ડિજિટલ સ્ક્રીનનો મર્યાદિત ઉપયોગઃ રાત્રે સૂવાના સમય પહેલાં ડિજિટલ સ્ક્રીન ટાઇમ ઘટાડવો એ સારી ઊંઘ અને આંખોને રાહત આપવા માટેનો રામબાણ ઉપાય છે.




