Explainer: આઇફોન યુઝર્સ iOS 26થી પરેશાન: નવા ફીચર્સ સાથે બેટરી લાઇફમાં ઘટાડો અને ગરમીનો ઇશ્યૂ?
Apple iOS 26 Drain iPhone Battery?: એપલ દ્વારા 15 સપ્ટેમ્બરે રાતે iOS 26ને લોન્ચ કરવામાં આવી હતી. એમાં ઘણાં નવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે કેટલાક યુઝર્સનું કહેવું છે કે નવી અપડેટને કારણે તેમની બેટરી જલદી પૂરી થઈ રહી છે. આ અપડેટને ઇન્સ્ટોલ કર્યા બાદ તરત જ યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર જઈને બેટરી જલદી પૂરી થવા વિશે ફરિયાદ કરવામાં આવી હતી. જોકે એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મેજર અપડેટ બાદ યુઝર્સની બેટરી લાઈફમાં ટૂંકા સમય માટે એ જોવા મળી શકે છે. એપલ દ્વારા તેમના અબાઉટ સોફ્ટવેર અપડેટ્સ પેજને પણ અપડેટ કરવામાં આવ્યું છે. એમાં તેમણે જણાવ્યું છે કે નવી ઓપરેટિંગ સિસ્ટમને કેમ અપ-ટૂ-ડેટ રાખવી.
શું ઇશ્યૂ આવી રહ્યો છે?
એપલ દ્વારા આઇફોન યુઝર્સ માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 26 લોન્ચ કરવામાં આવી છે. એમાં કોલ સ્ક્રીનિંગ અને ફ્રેશ લિક્વિડ ગ્લાસની ડિઝાઇન છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમને ખૂબ જ આકર્ષક બનાવવામાં આવી છે. જોકે આ અપડેટને ઇન્સ્ટોલ કર્યા બાદ યુઝર્સ તેમના મોબાઇલની બેટરી જલદી પૂરી થઈ રહી હોવાનું કહી રહ્યાં છે. એક યુઝરે X પર ટ્વીટ કર્યું કે ‘iOS 26 અપડેટ કર્યું ત્યારથી મારો આઇફોન ખૂબ જ ગરમ થઈ રહ્યો છે. મારી બેટરી હેલ્થ 80 ટકા થઈ છે. મેં મારી આઇફોન ચાર્જ કરવાની મારી આદતમાં પણ કોઈ બદલાવ નથી કર્યો.’ અન્ય એક યુઝરે લખ્યું કે ‘iOS 26 ખૂબ જ બેટરીનો ઉપયોગ કરી રહ્યું છે. મોટાભાગે મારે બેટરી ચાર્જ કરવાની જરૂર નથી પડતી, હું રાતે એક જ વાર કરતો હતો.’ વધુ એક યુઝરે કહ્યું કે ‘મારા આઇફોન 13માં નવી iOS 26 ખૂબ જ જલદી બેટરી પૂરી કરી રહી છે. મેં નવી જેન્યુઇન બેટરી નખાવી હોવા છતાં આ ઇશ્યૂ આવી રહ્યો છે.’
શું iOS 26 ખરેખર બેટરીનો વધુ ઉપયોગ કરી રહી છે?
એપલ દ્વારા 15 સપ્ટેમ્બરે સપોર્ટ ડોક્યુમેન્ટ રિલીઝ કરાવવામાં આવ્યા હતાં. એમાં એપલ દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે સોફ્ટવેર અપડેટ કરવું કેમ ખૂબ જ જરૂરી છે. તેમ જ તેમણે iOS 26 અને iOS 26.1 વચ્ચે પણ શું તફાવત હોય એ સમજાવવાની કોશિશ કરી હતી. આ ડોક્યુમેન્ટના એક સેક્શનમાં બેટરી લાઈફ અને પર્ફોર્મન્સ વિશે વાત કરવામાં આવી હતી.
એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મેજર અપડેટ બાદ થોડા સમય માટે યુઝર્સ તેમની બેટરી જલદી પૂરી થઈ રહી હોવાનો અનુભવ કરી શકે છે. એપલે કહ્યું હતું કે તેમના હાર્ડવેર અને સોફ્ટવેર બન્નેને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તેઓ સાથે મળીને સારું પર્ફોર્મન્સ અને સારી બેટરી લાઈફ આપી શકે. જોકે નવા ફીચર્સ અને ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવ્યો હોવાથી યુઝર્સ એનો ઉપયોગ કઈ રીતે કરે છે એના પર પણ નિર્ભર છે.
આ વિશે એપલે વધુ જણાવતાં કહ્યું કે ‘અપડેટ બાદ બેટરી વધુ ઉપયોગ થવી અને આઇફોન ગરમ થવો ખૂબ જ સામાન્ય વાત છે. ડિવાઇસ અપડેટ થયા બાદ પણ બેકગ્રાઉન્ડમાં તેની તમામ પ્રોસેસ પૂરી કરી રહી હોય છે. એમાં ઇન્ડેક્સ ડેટા અને ફાઇલ સર્ચનો પણ સમાવેશ થાય છે. નવી ફાઇલ ડાઉનલોડ કરવી અને એપ્લિકેશનને અપડેટ કરવી દરેક માટે બેટરીનો ઉપયોગ થાય છે. તેમ જ પ્રોસેસર કામ કરતું હોવાથી ડિવાઇસ ગરમ થાય છે. નવા ફીચર્સ ખૂબ જ એક્સાઇટિંગ હોય છે અને એપલની પ્રોડક્ટમાંથી યુઝર્સ ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરી શકે છે. જોકે આ માટે વધારાના રિસોર્સની જરૂર હોવાથી એની ડાઉનલોડ પ્રોસેસ પણ ચાલું હોય છે. આ સાથે જ જે-તે વ્યક્તિના ઉપયોગને કારણે પણ બેટરી લાઈફ પર અસર પડે છે.’આ પણ વાંચો: ચેટજીપીટી હવે ટીનેજર સાથે ફ્લર્ટ નહીં કરે તેમ જ બહુ જલદી માગશે યુઝર્સનો ID, જાણો કેમ…
કેવી રીતે iOS 26 ડાઉનલોડ કરશો?
યુઝર્સ આ માટે બે પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. એક આઇટ્યુન્સ દ્વારા પણ અપડેટ કરી શકે છે. આ સિવાય મોબાઇલના સેટિંગ્સમાં જઈને જનરલમાં સોફ્ટવેર અપડેટ સેક્શનમાં જઈને પણ અપડેટ કરી શકાય છે. અપડેટ કરતાં પહેલાં એક વાર બેકઅપ લઈ લેવું ખૂબ જ હિતાવહ છે કારણ કે બની શકે એરર આવી તો ડેટા ખોવાની શક્યતા રહે.
કયા મોબાઇલમાં iOS 26 સપોર્ટ છે?
iPhone 17
iPhone 17 Pro
iPhone 17 Pro Max
iPhone Air
iPhone 16e
iPhone 16
iPhone 16 Plus
iPhone 16 Pro
iPhone 16 Pro Max
iPhone 15
iPhone 15 Plus
iPhone 15 Pro
iPhone 15 Pro Max
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max
iPhone 13
iPhone 13 mini
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone 12
iPhone 12 mini
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 11
iPhone 11 Pro
iPhone 11 Pro Max
iPhone SE (2nd generation and later)