Science & Technology

કેવી હશે 5G સેવાઓ, ગ્રાહકોને લાભ મળશે ખરો?

By GS Team
21 Jul 20222 mins read
This article was originally published on 21 Jul 2022
કેવી હશે 5G સેવાઓ, ગ્રાહકોને લાભ મળશે ખરો?

અમદાવાદ, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર

તા. 15 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી દેશમાં 5G મોબાઈલ સેવાનો પ્રારંભ કરાવશે એવા અહેવાલો વચ્ચે એ જાણવું જરૂરી છે કે આ સેવાથી ગ્રાહકોને કેવો લાભ મળશે? 

5G નેટવર્ક આવવાથી હોસ્પિટલ, શિક્ષણ, કૃષિ અને વિજ્ઞાન ક્ષેત્રે મોટી ક્રાંતિ આવવાની છે. ડેટા ટ્રાન્સફર કરવા માટેની સ્પીડ વર્તમાન 4G નેટવર્ક કરતા 20 ગણી વધારે હશે. પરંતુ, ગ્રાહકોને આ સેવા વર્તમાન નેટવર્કની જેમ મળશે કે નહિ તે અંગે સવાલ છે 

5Gમાં ઊંચી સ્પીડ મેળવવા માટે વર્તમાન નેટવર્કમાં જંગી ફેરફાર કરવા પડી શકે છે. મોબાઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર અત્યારે મોબાઈલ ઇકવિપમેન્ટ નેટવર્ક સાથે સતત જોડાયેલા રહે એ માટે ટાવર ઉપર લાગેલા બેઝ સ્ટેશન જવાબદાર છે. 5Gમાં આવા બેઝ સ્ટેશનની સંખ્યા વધારવી પડશે. શહેરી વિસ્તારોમાં દર 100 મીટર ઉપર એક ટાવર ઉભો કરવો પડે જેના માટે ખર્ચ ઘણો વધી શકે. 

આ સ્થિતિમાં 5G નેટવર્કમાં કોઈ ચોક્કસ બિલ્ડિંગ કે સાઈટ કે એરપોર્ટને સજજ કરવામાં આવશે જેથી તે સસ્તું થઈ શકે. ઉદાહરણ તરીકે અમદાવાદ એરપોર્ટ 5G સજજ હશે અને ત્યાં આવતા મુસાફરો તેનો ઉપયોગ કરી શકે પણ ગ્રાહક જેવો તેના એરિયાથી બહાર નીકળશે એટલે ફરી 4G નેટવર્કમાં આવી જશે. સરળ ભાષામાં કહીએ તો અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે ઉપર 110 કિલોમીટર લંબાઈમાં અત્યારે મોબાઈલ સેવા મળે છે તે રીતે 5G સેવા આગામી પાંચ વર્ષ સુધી મળે એવી અપેક્ષા રાખવી નહિ.

વર્તમાન 5G સેવાઓ મોટા બિઝનેસ ગૃહો, કંપનીઓની દેશભરમાં ફેલાયેલી ઓફિસને કે પછી હોસ્પિટલ સેવાઓ માટે જ હશે એવું માનવામાં આવી રહ્યું છે.

વધુ વાંચોઃ ગાંધીનગરથી શરૂ થશે દેશમાં 5Gની શરૂઆત, PM મોદી કરશે ઉદ્ઘાટન