ગૂગલના AI એજન્ટ્સે સુરક્ષા કવચ તોડીને વેબસાઇટ પર કર્યો સાયબર હુમલો: સેફ્ટી ટેસ્ટ દરમિયાન ચોંકાવનારી ઘટના આવી સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google AI Agents Bypass Safeguards To Attack Website: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વધતી જતી ક્ષમતાઓ અને તેની સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. સેફ્ટી રિસર્ચ સંસ્થા ટ્રેજેક્ટરી લેબ્સએ ખુલાસો કર્યો છે કે ગૂગલના જેમિની 4 આર્ગોન AI એજન્ટ્સે સેફ્ટી ટેસ્ટ દરમિયાન મોડેલના API સેફગાર્ડ્સ લાગુ હોવા છતાં એક વાસ્તવિક સંસ્થાની વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓક્ટોબર મહિનામાં જ્યારે સંશોધકો એ તપાસ કરી રહ્યા Google AI હતા કે એક અશક્ય કાર્ય સોંપવામાં આવે ત્યારે AI એજન્ટ્સ કેવું વર્તન કરે છે, ત્યારે આ સુરક્ષા ઉલ્લંઘનની ઘટના બની હતી.
સુરક્ષા નિયંત્રણો તોડીને SQL ઇન્જેક્શન હુમલા અને કર્મચારીઓની ઓળખ ધારણ કરી
સંશોધકોએ AI એજન્ટ્સને સંશોધન સંસ્થા ઇપોક AIના 'ફ્રન્ટિયરમેથ' બેન્ચમાર્કમાંથી એવા પ્રશ્નોના સત્તાવાર જવાબો શોધવાનું કામ સોંપ્યું હતું જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતા. આ કાર્ય પૂર્ણ કરવા માટે એજન્ટ્સે અત્યંત આક્રમક અને અનૈતિક રસ્તાઓ અપનાવ્યા:
- 20 ઓક્ટોબરના રોજ અંદાજે 40 AI એજન્ટ્સે ઇપોક AIની લાઇવ વેબસાઇટ પર એડમિનિસ્ટ્રેટર ક્રેડેન્શિયલ્સ અને ગોપનીય મૂલ્યાંકન લોગ્સ શોધવાનું શરૂ કર્યું હતું.
- એજન્ટ્સે લાઇવ સિસ્ટમ સુધી પહોંચતા અટકાવવા માટે મુકાયેલા કડક સુરક્ષા નિયંત્રણોને બાયપાસ કર્યા હતા અને SQL ઇન્જેક્શન સાયબર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો.
- ઇપોક AIએ આ શંકાસ્પદ ગતિવિધિ પકડી પાડીને એક 'એજન્ટ હોટલાઇન' શરૂ કરી, જેના પર એજન્ટ્સે 487 સંદેશાઓ મોકલ્યા હતા. આ સંદેશાઓમાં AI એજન્ટ્સે ઇપોકના સાચા કર્મચારીઓ, એન્જિનિયરો અને ઓડિટર્સ હોવાનો ઢોંગ કરીને ગોપનીય માહિતી માંગી હતી.
- તપાસમાં સામે આવ્યું કે એજન્ટ્સે નકલી API એન્ડપોઇન્ટ પર 36,411 વિનંતીઓ મોકલી હતી અને બેન્ચમાર્ક લોગ્સ એક્સેસ કરવા માટે 200થી વધુ પ્રયાસો કર્યા હતા.
IP બ્લોક કર્યા છતાં શોધી કાઢ્યા વૈકલ્પિક રસ્તા અને બનાવ્યું પોતાનું 'મેસેજ બોર્ડ'
ટ્રેજેક્ટરી લેબ્સના સંશોધકોએ જ્યારે AI એજન્ટ્સને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની ચતુરાઈ જોઈને નિષ્ણાતો પણ દંગ રહી ગયા હતા. સંશોધકોએ જ્યારે વેબસાઇટ એક્સેસ કરતા IP એડ્રેસ બ્લોક કર્યા, ત્યારે એક એજન્ટે તરત જ બીજું સરનામું બદલીને ફરીથી લાઇવ વેબસાઇટ સુધી પહોંચ મેળવી લીધી હતી.
નેટવર્ક પ્રોક્સી દ્વારા સીધું જોડાણ બંધ કરવામાં આવ્યું, ત્યારે એજન્ટે થર્ડ-પાર્ટી વેબ-રીડર સર્વિસનો ઉપયોગ કરીને માહિતી મેળવી લીધી હતી અને સાચું 'રો IP' શોધીને રિડાયરેક્ટ સિસ્ટમને પણ બાયપાસ કરી દીધી હતી. એક અલગ ટેકનિકલ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે AI એજન્ટ્સે શેર્ડ સોફ્ટવેર પેકેજ કેશ દ્વારા અંદરોઅંદર વાતચીત કરવા માટે એક 'મેસેજ બોર્ડ' બનાવી લીધું હતું. આ પ્લેટફોર્મ પર એક એજન્ટે વેબસાઇટની ખામીઓ અને સુરક્ષા તોડવાની રીત શેર કરી, જેનો ઉપયોગ કરીને બીજા એજન્ટે પાસવર્ડ મેળવી લીધા હતા.
વધુ પરીક્ષણોમાં 65,000થી વધુ રિક્વેસ્ટ મોકલી
એજન્ટ્સે CAPTCHA સુરક્ષા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને એક AI આસિસ્ટન્ટને છેતરીને સુરક્ષિત માહિતી કઢાવવા માટે કર્મચારી હોવાનો ઢોંગ કર્યો હતો. 26 ઓક્ટોબરના રોજ ઇપોક AIએ ટ્રેજેક્ટરી લેબ્સ સાથે મળીને વધુ પ્રયોગો કરવાની સંમતિ આપી હતી, જેમાં એજન્ટ્સે ફરીથી ઇપોકના લાઇવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 65,000થી વધુ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે, ઇપોક AIએ સ્વતંત્ર રીતે એ વાતની પુષ્ટિ કરી નથી કે આ હુમલામાં કયા AI મોડેલ્સ સામેલ હતા.




