વોટ્સએપને નવા ભારતીય ને ગુજરાતી ગ્લોબલ બોસ મળ્યા

ભારતીય ફિનટેક એપ ‘ક્રેડ’ના સ્થાપક કુણાલ શાહની કંપનીમાં મેટાએ મોટા પાયે રોકાણ કર્યા પછી કંપની કુણાલ શાહને વોટ્સએપના ગ્લોબલ હેડ બનાવી રહી છે એ સમાચાર તો તમે વાંચી લીધા હશે. આપણે આ સમાચારની આપણને કેવી અસર થશે તેની વાત કરીએ.
કુણાલ શાહે સ્થાપેલી ક્રેડ સર્વિસમાં, માત્ર સારો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિ જોડાઈ શકે છે. એ એક જ ડેશબોર્ડમાં પોતાનાં બધાં ક્રેડિટ કાર્ડ કનેક્ટ કરી શકે. પછી આ કાર્ડ્સથી વિવિધ પ્રકારનાં બિલ અને અન્ય પેમેન્ટ્સ કરવામાં આવે તો બદલામાં ‘ક્રેડ કોઇન્સ’ મળે, જેના બદલામાં આપણને વિવિધ ફાયદા મળે. વાત આટલી જ.
ને અત્યારે ભારતમાં ક્રેડિટ કાર્ડ મારફત જેટલાં બિલ પેમેન્ટ થાય છે, તેમાંથી ૪૦ ટકા આ ક્રેડ સર્વિસ મારફત થાય છે!
મતલબ કે કુણાલ શાહે ભારતના લોકોની રૂપિયા સંબંધિત નસ બરાબર પકડી છે! મેટા તેમની એ આવડતનો ઉપયોગ કરીને ભારતમાં ખાસ કશું ઉકાળી ન શકેલી, યુપીઆઇ આધારિત ‘વોટ્સએપ પેમેન્ટ્સ’ સર્વિસમાં નવો જીવ ફૂંકવાની આશા રાખે છે.
કુણાલ શાહ આ ચમત્કાર કરી શકે તો એનો અર્થ કે આપણે પણ મોટા પાયે વોટ્સએપમાં ‘ગુડ મોર્નિંગ’ સાથે રૂપિયાની પણ આપલે કરતા થઈ જશું.જોકે એનો અર્થ એ પણ થાય કે કુણાલ શાહ વોટ્સએપ માટે તેમની પોતાની કંપની સાથે કોઈ ને કોઈ રીતે સ્પર્ધા કરશે. કુણાલ શાહના ગુજરાતી ભેજાએ કંઈકેટલીય ગણતરીઓ કરીને જ આ નવી જવાબદારી સંભાળવાનો નિર્ણય કર્યો હશે - ઇન્ટરેસ્ટિંગ સમય આવી રહ્યો છે એ નક્કી!








