Get The App

ગૂગલનું AI મોડ ભારતમાં થયું લાઇવ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો…

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
ગૂગલનું AI મોડ ભારતમાં થયું લાઇવ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો… 1 - image


Google Advance AI Mode: ગૂગલ દ્વારા એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડ ભારતમાં શરૂ કરવામાં આવ્યો છે. આ એક શોધ માટે ઉપયોગી વિશેષતા છે, જેને હાલમાં ગૂગલ લેબ્સમાંથી પ્રયોગરૂપે ઉપયોગ કરી શકાય છે. હાલ આ ફીચર ફક્ત અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. જે કંઈ શોધવામાં આવશે, તેનો જવાબ AI દ્વારા આપવામાં આવશે અને સાથે સંબંધિત કડી પણ આપવામાં આવશે. આ મોડ અમેરિકામાં ખૂબ સફળ રહ્યો છે અને હવે તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે.

કેવી રીતે ઉપયોગ કરશો?

ગૂગલ AI મોડનો ઉપયોગ કરવા માટે https://labs.google.com/search/  પર જવું અને પછી "Try AI Mode" પર ક્લિક કરવું. આ મોડ ખાસ કરીને કોઈ વિષયને ઊંડાણપૂર્વક સમજવા માટે ઉપયોગી છે. ઉપરાંત, ઉત્પાદન તુલના, પ્રવાસ યોજના અને "હાઉ-ટુ" પ્રકારના પ્રશ્નો માટે પણ ખૂબ ઉપયોગી છે. ગૂગલ સર્ચના પ્રોડક્ટ મેનેજમેન્ટની વાઇસ પ્રેસિડન્ટ હેમા બુદરાજુએ જણાવ્યું હતું કે, “આ ફીચરની મદદથી યુઝર પહેલાં કરતાં વધુ લાંબા અને માહિતીસભર પ્રશ્નો કરી શકે છે અને જવાબ મેળવી શકે છે. અગાઉ જે માટે અનેક સર્ચ કરવી પડતી હતી, હવે એડવાન્સ ટૂલથી બધું એક જ જગ્યાએ મળશે.”

વોઇસ અને ફોટો આધારિત સર્ચ

આ AI મોડમાં અનેક ક્ષમતાઓ છે. યુઝર ટેક્સ્ટ ઉપરાંત વોઇઝ કમાન્ડ અને ફોટો અપલોડ કરીને પણ પ્રશ્ન કરી શકે છે. આથી ભારતના વિવિધ પ્રકારના યુઝર્સ માટે આ સુવિધા ખૂબ ઉપયોગી છે. જે યુઝર ટાઇપ કરી શકતા નથી, તેઓ બોલીને સર્ચ કરી શકે છે. તેમજ, જેને કંઈક સમજાતું ન હોય, તે સીધું ફોટો અપલોડ કરીને માહિતી મેળવી શકે છે. વધુમાં, જો પ્રશ્ન ખૂબ જ જટિલ હોય, તો AI મોડ તેને વિવિધ વિષયોમાં વિભાજિત કરી દેશે જેથી યુઝર દરેક મુદ્દા વિશે વિગતવાર માહિતી મેળવી શકે.

AI ઓવરવ્યુ આધારિત ફીચર

ગૂગલ દ્વારા ગયા વર્ષે AI ઓવરવ્યુ લોન્ચ કરવામાં આવ્યું હતું. યુઝર જે માહિતી શોધે છે, તે AI ઓવરવ્યુમાં દર્શાવવામાં આવે છે. ગૂગલના જણાવ્યા અનુસાર દર મહિને લગભગ 1.5 બિલિયન યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરે છે, જેમાંથી 10%થી વધુ યુઝર્સ અમેરિકા અને ભારતમાંથી છે. હવે ગૂગલ વધુ સચોટ અને ઝડપી માહિતી આપવા માગે છે જેથી યુઝરને ફરીથી શોધ કરવાની જરૂર ન પડે. આ માટે AI મોડની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકાએ વોટ્સએપને જાહેર કર્યું હાઇ રિસ્ક: વ્હાઇટ હાઉસમાં એના ઉપયોગ પર પ્રતિબંધ

બિંગ અને ચેટજીપીટી સાથે સ્પર્ધા

AIના આગમન પછી દરેક કંપની તેની પાછળ લાગી ગઈ છે. હવે AI જ ભવિષ્ય છે. બિંગ અને ચેટજીપીટી પહેલેથી જ આગળ હતા, અને હવે ગૂગલ પણ સર્ચ ક્ષેત્રે મજબૂત રીતે પ્રવેશી રહ્યું છે. સાથે જ, ગૂગલ લેન્સ જેવી વિશેષતાઓનો પણ સમાવેશ કરવામાં આવશે જેથી યુઝર્સ જે જુએ છે તે અંગે સીધી માહિતી મેળવી શકે. આ ફીચર લોન્ચ થયા પછી અન્ય AI પ્લેટફોર્મ્સ માટે સ્પર્ધા વધુ કઠિન બનશે.

Tags :