Get The App

Googleનું મોટું એલાન: ઇન્ટરનેટ વગર પણ સ્માર્ટફોનમાં ચાલશે AI; પ્રાઇવસીની પણ ચિંતા નહીં…

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
Googleનું મોટું એલાન: ઇન્ટરનેટ વગર પણ સ્માર્ટફોનમાં ચાલશે AI; પ્રાઇવસીની પણ ચિંતા નહીં… 1 - image

Google Offline AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ફક્ત ક્લાઉડ આધારિત ટૂલ્સ સુધી મર્યાદિત નથી રહ્યું. Googleની નવી અપડેટ અનુસાર હવે AI સીધું સ્માર્ટફોન પર પણ ચલાવી શકાય છે. Googleના Gemma 4 અને અપડેટેડ AI Edge Gallery એપના લોન્ચ સાથે યુઝર્સ ઇન્ટરનેટ કનેક્શન વગર પણ ચેટ, ઇમેજ એનાલિસિસ અને ટ્રાન્સક્રિપ્શન જેવી AI સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. મોબાઇલ ડિવાઇસ પર ઝડપી, પ્રાઇવેટ અને ઑફલાઇન AI અનુભવ તરફ Googleનું આ મોટું પગલું છે.

Gemma 4 અને AI Edge Gallery શું છે?

Googleએ તાજેતરમાં પોતાનું નવું ઓપન-સોર્સ AI મોડેલ Gemma 4 લોન્ચ કર્યું છે. આ સાથે જ Android અને iOS માટે અપડેટેડ AI Edge Gallery એપ પણ રજૂ કરી છે.

આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે યુઝર્સ હવે ક્લાઉડ સર્વર પર નિર્ભર રહેવાને બદલે સીધું પોતાના ફોન પર AI મોડેલ ચલાવી શકે છે. એનો અર્થ એ છે કે બધી પ્રોસેસિંગ હવે ડિવાઇસ પર જ થાય છે. આ કારણે હવે યુઝર્સ ઑફલાઇન પણ ઉપયોગ કરી શકે છે. યુઝરના ડેટા પણ ફોન પર જ રહેવાથી પ્રાઇવસી વધુ સુરક્ષિત રહે છે.

આ રેગ્યુલર AI એપ્સથી કેવી રીતે અલગ છે?

સામાન્ય AI ચેટબોટ્સ જ્યાં ઇન્ટરનેટ અને ક્લાઉડ પ્રોસેસિંગ પર આધારિત હોય છે, ત્યાં AI Edge Gallery સીધું ડિવાઇસ પર કામ કરે છે. આ પ્રોસેસ ડિવાઇસ પર થતી હોવાથી જવાબો વધુ ઝડપી બનશે અને ડેટા સુરક્ષા પણ વધુ સારી રહેશે. બીજો મહત્વનો ફરક એ છે તેની ફ્લેક્સિબિલિટી. યુઝર્સ પોતાના ડિવાઇસની ક્ષમતા પ્રમાણે અલગ-અલગ AI મોડેલ પસંદ કરી શકે છે, જેમ કે Gemma 4ના E2B અને E4B વર્ઝન્સ.

ડાઉનલોડ અને સેટઅપ કેવી રીતે કરવું?

AI Edge એપ ઇન્સ્ટોલ કરવાની સરળ પ્રક્રિયા:

• Android પર Google Play Store અથવા iPhone પર App Store ખોલો

• Google AI Edge શોધો

• એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો

• ખાતરી કરો કે તમારું ડિવાઇસ જરૂરી કમ્પેટિબિલિટી પૂર્ણ કરે છે (iOS માટે iPhone 15 Pro અથવા ત્યાર બાદના મોડલ જરૂરી છે.)

ફોન પર Gemma 4 કેવી રીતે ઉપયોગ કરશો?

Gemma 4 સેટઅપ કરવા માટે નીચેના પગલાં અનુસરો:

• Google AI Edge એપ ખોલો

• ટોપ-રાઇટ મેનુમાંથી Models વિભાગમાં જાઓ

• Gemma 4 E2B અથવા E4B અથવા અન્ય મોડેલ પસંદ કરો

• પસંદ કરેલો મોડેલ ડાઉનલોડ કરો

• ચેટ અથવા ઇમેજ ઇનપુટ જેવા ઇન્ટરએક્શન મોડ પસંદ કરો

• ઑફલાઇન AI ઉપયોગ શરૂ કરો

આ બધા મોડેલ્સ લોકલ ડિવાઇસ પર જ ચાલે છે, જેના કારણે પ્રાઇવસી જળવાય છે અને ક્લાઉડ પરની નિર્ભરતા ઘટે છે.

આ પણ વાંચો: ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?

Gemma 4થી શું કરી શકાય?

આ એપ વિવિધ પ્રકારના ઇનપુટ સપોર્ટ કરે છે. તેમાં ટેક્સ્ટ, ઇમેજ અને ઓડિયાનો સમાવેશ થાય છે. યુઝર્સ AI સાથે ચેટ કરી શકે છે, ઇમેજ એનાલિસિસ કરી શકે છે, ઓડિયોને ટેક્સ્ટમાં બદલી શકે છે અને ટાસ્ક આધારિત કામ કરી શકે છે. આમાં Thinking Mode જેવા ફીચર્સ પણ છે, જે બતાવે છે કે AI પ્રશ્નોને કેવી રીતે પ્રોસેસ કરે છે. સાથે જ એજન્ટ આધારિત ટૂલ્સ પણ ઉપલબ્ધ છે, જે વધુ મુશ્કેલ કામો સરળ બનાવે છે.

દરેક માટે AI

AI મોડેલ્સને લોકલી ચલાવવાની ક્ષમતા AIના ઉપયોગમાં મોટો બદલાવ સૂચવે છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની નિર્ભરતા ઘટાડીને Google ઝડપી, વધુ પ્રાઇવેટ અને સૌ માટે ઉપલબ્ધ AI અનુભવ તરફ આગળ વધી રહ્યું છે. યુઝર્સ માટે તેનો અર્થ એ છે કે હવે AI કોઈપણ સમયે કામ કરશે, ભલે ઇન્ટરનેટ ન હોય અને વ્યક્તિગત ડેટા પણ યુઝર્સના ડિવાઇસમાં જ સુરક્ષિત રહેશે.