Encryption in Gmail: Googleએ તેના Gmail એપમાં નવી સુવિધાનો સમાવેશ કર્યો છે. યુઝર્સ હવે એપની અંદર સીધા એન્ક્રિપ્ટેડ ઇમેઇલ મોકલી અને મેળવી શકશે. આ પગલું ખાસ કરીને સંવેદનશીલ માહિતી સાથે કામ કરતા એન્ટરપ્રાઇઝ યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સુવિધા પહેલાં માત્ર ડેસ્કટોપ પર ઉપલબ્ધ હતી, પરંતુ હવે iOS અને Android યુઝર્સ માટે પણ આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આથી યુઝર્સને હવે એન્ક્રિપ્ટેડ ઇમેઇલ માટે ડેસ્કટોપનો ઉપયોગ કરવાની જરૂર નથી.
કોણ ઉપયોગ કરી શકશે?
આ ફીચરની શરૂઆત તો કરવામાં આવી છે, પરંતુ એ પણ જાણવું એટલું મહત્ત્વનું છે કે એનો ઉપયોગ તમામ Gmail યુઝર્સ નહીં કરી શકે. આ ફીચર માત્ર Enterprise Plus સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે, જેમણે Assured Controls અથવા Assured Controls Plus એડ-ઓન લીધું હોય. Enterprise Plus સબ્સ્ક્રિપ્શન પ્લાન Google Workspaceના ઘણા પ્લાનોમાંનો એક છે અને તેમાં વધુ સારું ડેટા પ્રોટેક્શન અને ક્લાયન્ટ-સાઇડ એન્ક્રિપ્શન મળે છે, જે સસ્તા Enterprise Standard પ્લાનમાં ઉપલબ્ધ નથી.
શું છે એડ-ઓન્સ?
Assured Controls અને Assured Controls Plus એડ-ઓન ડિજિટલ સ્વાયત્તતા અને ડેટા રેસિડન્સીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. Google કહે છે કે આ નવી સુવિધા યુઝર્સને જે-તે કંપનીની સૌથી સંવેદનશીલ માહિતી સાથે યુઝર તેમના મોબાઇલ ડિવાઇસ પરથી ક્યાંયથી પણ કાર્ય કરવાની અને સાથે ડેટાને સિક્યોર રાખવાની સુવિધા પૂરી પાડે છે. આથી બિઝનેસ કરતી કંપનીને પણ ખાતરી થઈ શકશે કે તેમની ગોપનીય માહિતી રિમોટ ઍક્સેસ દરમિયાન પણ સુરક્ષિત રહે.
નોન-Gmail યુઝર્સને પણ કરી શકાશે એન્ક્રિપ્ટેડ ઇમેઇલ
આ નવી સુવિધા Gmail એપ યુઝર્સને કોઈપણ વ્યક્તિને એન્ક્રિપ્ટેડ ઇમેઇલ મોકલવાની સુવિધા આપે છે. જો સામેની વ્યક્તિ Gmailનો ઉપયોગ ન કરતી હોય તો પણ તેને આ ઇમેઇલ મોકલી શકાશે. જો સામેની વ્યક્તિ Gmail એપ પર હોય તો એન્ક્રિપ્ટેડ ઇમેઇલ તેમના ઇનબોક્સમાં સામાન્ય ઇમેઇલની જેમ દેખાશે, પરંતુ જો તેઓ આ સેવા ઉપયોગમાં લેતા ન હોય તો તેઓ પોતાના બ્રાઉઝર દ્વારા એન્ક્રિપ્ટેડ ઇમેઇલ વાંચી અને તેનો જવાબ આપી શકે છે. આ રીતે તેમની સંપૂર્ણ વાતચીત સુરક્ષિત રહે છે.
આ પણ વાંચો: Googleનું મોટું એલાન: ઇન્ટરનેટ વગર પણ સ્માર્ટફોનમાં ચાલશે AI; પ્રાઇવસીની પણ ચિંતા નહીં…
આ નવા ફીચરનો ઉપયોગ કરવાનું કેવી રીતે શરૂ કરશો?
Enterprise Plus ગ્રાહકો આ સુવિધાનો ઉપયોગ તરત જ શરૂ કરી શકે છે. તેઓ Rapid Release અથવા Scheduled Release ડોમેનમાં હોય તો પણ આ સેવાનો ઉપયોગ કરી શકે છે. ઇમેઇલને એન્ક્રિપ્ટ કરવા માટે તેમણે લોક આઇકન પર ક્લિક કરીને મેસેજ લખતા પહેલાં additional encryption પસંદ કરવું પડશે. બિઝનેસ અને સંસ્થા એડમિનિસ્ટ્રેટર્સે તેમના Gmail યુઝર્સ માટે Admin Consoleના CSE એડમિન ઇન્ટરફેસમાં આ સુવિધા ચાલુ કરવી પડશે.


