Science & Technology

વર્ષો પછી ગૂગલ હોમપેજ બદલાયું

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ગૂગલ તેના સર્ચ એન્જિનમાં AIની ભૂમિકા વધારી રહ્યું છે. હવે ગૂગલના હોમપેજ પર સર્ચબોક્સ સાથે 3 નવાં બટન જોવા મળશે. આ બટનોથી 'ક્રિએટ ઇમેજિસ', 'આસ્ક અબાઉટ ફાઇલ્સ' અને 'બ્રેઇનસ્ટોર્મ' જેવા AI ફીચર્સનો ઉપયોગ વધુ સરળ બનશે. હાલમાં મર્યાદિત યુઝર્સ સાથે આ ફેરફારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષો પછી ગૂગલ હોમપેજ બદલાયું
  • ગૂગલ સર્ચમાં એઆઈનો દબદબો વધી રહ્યો છે

વર્ષોથી આપણા મનમાં કંઈ પણ સવાલ જાગે તો એના જવાબ મેળવવા માટે આપણે ગૂગલ તરફ વળતા રહ્યા છીએ. ગૂગલ ડોટ કોમનું હોમપેજ પણ વર્ષોથી, નાના મોટા ફેરફારોને બાદ કરતાં લગભગ એક સરખું જળવાઈ રહ્યું છે. પરંતુ પાછલાં ચારેક વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આક્રમણ સામે સર્ચની આપણી પદ્ધતિમાં મોટા ફેરફાર આવ્યા છે. એ સાથે ગૂગલ સર્ચ એન્જિનમાં પણ ફેરફારો થયા છે.
અત્યાર સુધી આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈ પણ લખીએ એટલે આપણા સવાલના સંભવિત જવાબો ધરાવતાં અઢળક વેબપેજિસની લિંક જોવા મળે. આપણે એ બધામાં જાતે ખાખાંખોળાં કરવાં પડે. તેની સરખામણીમાં એઆઇ ચેટબોટ્સની વેબસાઇટ્સ તથા એપ્સ સીધેસીધા જવાબો આપે છે.
તેનો સામનો કરવા માટે ગૂગલ સર્ચમાં પણ એઆઇ મોડ આવ્યો. પરિણામે ગૂગલમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે વર્ષોથી જોવા મળતાં વેબપેજિસની લિંક ઉપરાંત એઆઇ મોડમાં આપણને સીધેસીધા જવાબો મળવા લાગ્યા. આ મોડમાં આપણે આગળ વધીને એઆઇ સાથે પોતાના સવાલોને સંબંધિત આગળ પણ વાતચીત કરી શકીએ છીએ.
કેવા ફેરફાર થશે?
હવે ગૂગલનું સર્ચ હોમપેજ હજી વધુ બદલાય તેવી શક્યતા છે. કંપની તેના સર્ચ એન્જિનમાં એઆઇની ભૂમિકા નોંધપાત્ર રીતે વધારી રહી છે. એ કારણે કદાચ થોડા સમયમાં ગૂગલના હોમપેજ પર આપણને સર્ચબોક્સ સાથે ત્રણ નવાં બટન જોવા મળશે.
ક્રિએટ ઇમેજિસઃ આ બટનની મદદથી આપણે સીધા જ ગૂગલના એઆઇ ઇમેજ ક્રિએશન મોડમાં જઇ શકીશું અને આપણા પ્રોમ્પ્ટ આપીને જોઇતી ઇમેજિસ ક્રિએટ કરી શકીશું.
આસ્ક અબાઉટ ફાઇલ્સઃ આ બટનની મદદથી આપણે ગૂગલના એઆઇ મોડને વિવિધ ફાઇલ્સ આપીને ફક્ત એ ફાઇલ્સ સંબંધિત સવાલો પૂછીને તેમાંથી જ જવાબો મેળવી શકીશું. એક રીતે આ સુવિધા ‘જેમિનાઇ નોટબુક’ જેવી રહેવાની શક્યતા છે.
બ્રેઇનસ્ટોર્મઃ આ બટનની મદદથી આપણે ગૂગલ એઆઇ સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી શકીશું.
એ ધ્યાન આપવા જેવું છે કે આ ફેરફારોથી, ગૂગલ સર્ચ એન્જિનની હાલની કામગીરીમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. આપણે અગાઉની જેમ જ ગૂગલમાં કંઈ પણ સર્ચા કરી શકીશું કે એઆઇ મોડમાં તેની સાથે સીધી વાતચીત કરી શકીશું.
઼ફક્ત આ ત્રણ નવાં બટનથી ગૂગલમાં એઆઇનાં જે ખાસ ફીચર્સ છે તેનો ઉપયોગ વધુ સહેલો બનશે.
હાલમાં મર્યાદિત યૂઝર્સ સાથે આ ફેરફારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આપણા સૌ સુધી ક્યારે પહોંચશે, ચોક્કસ કેવા સ્વરૂપે પહોંચશે તેની સ્પષ્ટતા નથી.