ગૂગલ પર 4.10 લાખ કરોડ રૂપિયાનો દંડ! એન્ટિટ્રસ્ટ કેસમાં પરાજય; સ્માર્ટફોન માર્કેટમાં દાદાગીરી ભારે પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google Fined by EU: ટેક જાયન્ટ ગૂગલને યુરોપમાં મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. યુરોપિયન યુનિયન (EU)ની સર્વોચ્ચ અદાલતે એન્ડ્રોઇડ સંબંધિત એન્ટીટ્રસ્ટ કેસમાં ગૂગલની અપીલ ફગાવી દીધી છે. અદાલતે કંપનીને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં 4.1 અબજ યુરો (આશરે 4.10 લાખ કરોડ રૂપિયા)નો રેકોર્ડબ્રેક દંડ યથાવત રાખ્યો છે. આ સાથે જ છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી આ કાનૂની લડાઈમાં ગૂગલના તમામ રસ્તા બંધ થઈ ગયા છે.
આ વિવાદની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી, જ્યારે યુરોપિયન કમિશને ગૂગલ પર પ્રથમ વખત આ દંડ ફટકાર્યો હતો. કમિશનનો આરોપ હતો કે ગૂગલે પોતાની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરીને Google Search અને Chrome બ્રાઉઝરને ગેરકાયદેસર રીતે પ્રોત્સાહન આપ્યું હતું, જેથી અન્ય પ્રતિસ્પર્ધી કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું.
તે સમયે કંપની પર 4.34 અબજ યુરોનો દંડ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2022માં નીચલી અદાલતે આ રકમ આંશિક રીતે ઘટાડીને 4.1 અબજ યુરો કરી હતી, પરંતુ દંડ રદ કર્યો નહોતો. હવે EUની સૌથી મોટી અદાલતે પણ નીચલી અદાલતના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
વર્તસ્વનો ખોટો લાભ લીધાનો આક્ષેપ
અદાલતે ચુકાદો આપતાં જણાવ્યું કે, ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટની અપીલને ફગાવવામાં આવે છે. એન્ડ્રોઇડ સાથે જોડાયેલા કરારો દ્વારા ગૂગલે બજારમાં પોતાના વર્ચસ્વનો ખોટો લાભ લીધો છે અને ઓનલાઈન સર્ચ ક્ષેત્રે નિષ્પક્ષ સ્પર્ધાને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ગૂગલ પર શું હતા મુખ્ય આરોપો?
યુરોપિયન યુનિયનના અહેવાલ મુજબ, ગૂગલ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ સામે એવી શરતો રાખતું હતું કે જો તેમણે પોતાના ડિવાઇસમાં Google Play Storeનું લાઇસન્સ મેળવવું હોય, તો Google Search અને Chrome બ્રાઉઝરને પહેલેથી જ ઇન્સ્ટોલ કરવું ફરજિયાત હતું. કમિશનનું માનવું હતું કે આ મનસ્વી શરતોના કારણે અન્ય સર્ચ એન્જિન અને બ્રાઉઝર્સને બજારમાં સમાન તક મળી નહોતી અને એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ પર ગૂગલની પકડ મજબૂત થતી ગઈ.
ગૂગલે નિર્ણય પર વ્યક્ત કરી નિરાશા
આ ચુકાદા અંગે ગૂગલે સખત નિરાશા વ્યક્ત કરી છે. કંપનીએ પોતાના બચાવમાં જણાવ્યું કે, એન્ડ્રોઇડ એક ઓપન અને ફ્રી પ્લેટફોર્મ છે, જેણે વૈશ્વિક સ્તરે મોબાઇલ ઉદ્યોગમાં સ્પર્ધા વધારવાનું કામ કર્યું છે અને હજારો કંપનીઓને વ્યવસાય કરવાની નવી તકો આપી છે. કંપનીએ ઉમેર્યું કે, અદાલતે એન્ડ્રોઇડ સિસ્ટમને સૌ માટે ઉપલબ્ધ રાખવા પાછળ ગૂગલે કરેલા અબજો રૂપિયાના રોકાણને પૂરતું મહત્ત્વ આપ્યું નથી.
ટેક જગત પર EUની કડક નજર
યુરોપિયન યુનિયન છેલ્લા કેટલાક વર્ષોથી મોટી ટેક કંપનીઓની મોનોપોલી પર કડક નજર રાખી રહ્યું છે. ગૂગલ માટે આંચકો માત્ર એન્ડ્રોઇડ કેસ પૂરતો મર્યાદિત નથી, કારણ કે આ સિવાય Google Shopping અને ઓનલાઈન જાહેરાતો સાથે જોડાયેલા અન્ય કેસોમાં પણ કંપની અગાઉ અબજો યુરોનો દંડ ભોગવી ચૂકી છે. આ ચુકાદો વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં કોઈ એક કંપની પર લાદવામાં આવેલા સૌથી મોટા એન્ટીટ્રસ્ટ દંડ તરીકે નોંધાયો છે.









