વોટ્સએપમાં જીમેઇલ જેવું ફિલ્ટરિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નવા સમયની આપણી જરૂરિયાતો બદલાઈ રહી છે
ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારની સર્વિસ આપતી ટેક કંપનીઓએ બે અલગ અલગ છેડા વચ્ચે સંતુલન સાધવાનું મુશ્કેલ કામ કરવાનું હોય છે. એક તરફ, આપણા જેવા ફ્રી યૂઝર્સની જરૂરિયાતો સંતોષવાની હોય અને બીજી તરફ આપણે જેમનું ટાર્ગેટ છીએ એવા વિવિધ બિઝનેસની જરૂરિયાતો પણ સંતોષવાની હોય. આ કામ આપણે ધારીએ એટલું સહેલું હોતું નથી.
મુખ્ય કારણ એ છે કે ઇન્ટરનેટનું અર્થતંત્ર જ કંઈક એ રીતે ગોઠવાયું છે કે આપણા જેવા યૂઝર્સને બધું ફ્રી જોઈએ છે અને વિવિધ બિઝનેસને આપણી પ્રવૃત્તિઓમાંથી આવક કરવાની તક જોઈએ છે.
ટેક કંપનીઓ આ બંને છેડામાંથી કોઈને નારાજ કરી શકે તેમ નથી. સર્ચ, ઇમેઇલ, સોશિયલ મીડિયા વગેરે બધામાં આ બંને પ્રકારના લોકોને રાજી રાખવા જરૂરી છે.
અત્યાર સુધી, વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ આ બધામાં અલગ રહી હતી, કેમ કે તેની સ્થાપના ફક્ત આપણા જેવા ફેમિલી યૂઝર્સને જ ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. હવે ફેસબુકેમાં તેમાંથી કમાણી કરવી જરૂરી બની છે, પણ આપણને નારાજ કર્યા વિના. આ સંતુલન જાળવવા તેમાં ઓટોમેિટક ફિલ્ટરિંગનું એક ફીચર આવી રહ્યું છે, એ સમજવા જેવું છે.
એક સમયે આપણા ઇમેઇલ ઇનબોક્સની જે સ્થિતિ હતી એ જ સ્થિતિ હવે વોટ્સએપના મેઇન મેસેજિસ પેજની થવા લાગી છે! ઇમેઇલમાં દરરોજ આપણા પર કામના અને નકામા મેસેજિસનો એટલો બધો ઢગલો થતો રહે કે એમાંથી કામના મેસેજ તારવવા મુશ્કેલ બને. જીમેઇલ જેવી સર્વિસમાં આપણા ઇમેઇલ ઇનબોક્સને ઓર્ગેનાઇઝ કરવાનો એક ઉપાય આપવામાં આવ્યો. એ કારણે આપણે ઇનબોક્સને ડીફોલ્ટ તરીકે સેટ કરીને મેઇલ્સને પ્રાઇમરી, પ્રમોશન્સ, સોશિયલ, અપડેટ્સ, ફોરમ્સ વગેરેમાં વહેંચી શકીએ છીએ. પછી ઇમેઇલ્સ આપોઆપ આમાંથી કોઈ એક ટેબમાં જાય છે. આપણે જેમની સાથે વારંવાર ઇમેઇલની આપલે કરતા હોઇએ એવા મહત્ત્વના ઇમેઇલ આપોઆપ પહેલા ‘પ્રાઇમરી’ સેકશનમાં રહે છે. જ્યારે ફેસબુક કે અન્ય કોઈ સોશિયલ મીડિયા એપમાં આપણા કોઈ મિત્રે શું પોસ્ટ કર્યું તેનાં નોટિફિકેશન્સ આપોઆપ ‘સોશિયલ’ સેકશનમાં ચાલ્યાં જાય છે. આપણે ફુરસદે તેને તપાસી શકીએ, પરંતુ આ પ્રકારના, તાકીદે ધ્યાન આપવું જરૂરી ન હોય એવા મેઇલ પ્રાઇમરી સેકશનમાં જગા રોકતા નથી.
બરાબર આવી જ કંઈક વ્યવસ્થા હવે વોટ્સએપ માટે જરૂરી બની છે. આપણા મિત્રો-સ્વજનો કે બિઝનેસ ક્લાયન્ટ્સ કે ટીમ મેમ્બર્સ તરફથી આવતા મેસેજિસ ઉપરાંત જુદી જુદી સર્વિસ કે કંપની, બિઝનેસ વગેરે તરફથી આવતી ઓફર્સ અને અપડેટ્સ પણ વોટ્સએપ મેસેજિસના મેઇન પેજમાં ખાસ્સી જગ્યા રોકે છે. આ બધું આપણે તરત ને તરત તપાસવું જરૂરી હોતું નથી. પરંતુ તેની ભીડને કારણે આપણે માટે મહત્ત્વના અન્ય મેસેજ લાંબા લિસ્ટમાં નીચે ખોવાતા જાય છે.
કંપની આપણી આ સમસ્યા સમજી રહી છે અને તેનો ઉપાય લાવી રહી છે. એ મુજબ હવે વોટ્સએપમાં મોટા બિઝનેસિસ તરફથી આવતા મેસેજિસ ‘ઓફર્સ એન્ડ અપડેટ્સ’ ફોલ્ડરમાં આપોઆપ ચાલ્યા જાય એવી ગોઠવણ કરવામાં આવશે.
મેસેજનું જરૂરી બેલેન્સ થશે
જોકે ઇમેઇલના ઇનબોક્સમાં વિવિધ સેકશનની ગોઠવણથી એક પ્રેક્ટિલ તકલીફ ઊભી થાય છે. મોટા ભાગે લોકોને પોતાના પ્રાઇમરી સેકશનમાંના ઇમેઇલ્સ પર જ નજર રાખવાની ટેવ હોય છે. આપોઆપ, સીધેસીધા અન્ય સેકશનમાં ચાલ્યા જતા મેઇલ્સ તરફ આપણે ભાગ્યે જ નજર નાખતા હોઇએ છીએ. આવું ખાસ કરીને જીમેઇલના વેબવર્ઝનમાં થાય છે. પરિણામે ઇમેઇલ માર્કેટિંગ પાછળ રૂપિયા ખર્ચતી કંપનીઓને તેમના ખર્ચનું વળતર મળતું નથી. કેમ કે તેમણે મોકલેલા પેઇડ ઇમેઇલ્સ લોકોની નજરમાં આવતા જ નથી!
આ તકલીફનો જીમેઇલની એન્ડ્રોઇડ અને આઇઓએસ એપમાં ઉપાય કરી લેવામાં આવ્યો છે. તેમાં પ્રાઇમરી ઇનબોક્સ સિવાય અન્ય સેકશનમાં જતા ઇમેઇલ્સ પણ તે આવે ત્યારે એપમાં ઉપરના ભાગે જોવા મળે છે. પરિણામે આપણે માટે મહત્ત્વના પ્રાઇમરી સેકશન ઉપરાંત અન્ય સેકશનમાંના મેઇલ્સ પર પણ આપણી નજર રહે છે.
વોટ્સએપમાં પણ કંપની આવું જ કંઈક બેલેન્સ સાધવાનો પ્રયાસ કરી રહી છે. એ મુજબ આપણા નજીકના મિત્રો, સંબંધીઓ કે ક્લાયન્ટસ-ટીમ મેટ્સના મેસેજિસ તથા મોટી કંપનીઓ તરફથી આવતા (મોટા ભાગે પેઇડ) મેસેજિસ શરૂઆતમાં હોમપેજ પરના મેસેજિસમાં એક સાથે જોવા મળશે. ત્યાર પછી નિશ્ચિત સમય પછી મોટી કંપનીઓ તરફથી આવતા મેસેજિસ આપોઆપ તેને માટેના અલગ ફોલ્ડરમાં ચાલ્યા જશે. આ નિશ્ચિત સમય એટલે કેટલો સમય તે હજી નક્કી નથી. કંપની મેસેજ આવ્યાના ૮ કલાકથી લઇને ૨૪ કલાક પછી મેસેજ આપોઆપ અલગ ફોલ્ડરમાં ચાલ્યા જાય એવી કંઈક ગોઠવણ વિચારી રહી છે.
શક્યતા એવી છે કે આપણે આવું ફિલ્ટરિંગ ઇચ્છીએ તો બંધ કરી શકીશું પરંતુ આવા પ્રમોશનલ મેસેજિસ કેટલા સમય પછી આપોઆપ તેને માટેના અલગ ફોલ્ડરમાં ચાલ્યા જાય તે માત્ર કંપની નક્કી કરશે. મોટા ભાગે સમય મર્યાદા નક્કી કરવાનો કંટ્રોલ આપણને મળશે નહીં.
સારી વાત એ છે કે વોટ્સએપમાં આપણા પર આવતા તમામ મેસેજ શરૂઆતમાં એક સાથે જોવા મળશે. એટલે પેઇડ મેસેજમાં આપણે માટે ઉપયોગ કે મહત્ત્વની વાત હોય તો એ પણ આપણી નજરમાં તો રહેશે અને પછી આપોઆપ હોમ મેસેજમાંથી એ મેસેજ દૂર થતા હોમપેજ પરની ભીડ ઓછી થતી જશે. આ સુવિધા થોડા સમયમાં આપણને મળવા લાગે તેવી શક્યતા છે.









