આનંદો ! વોટ્સએપમાં તમારી ચેનલની વિઝિબિલિટી વધશે !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપમાં આપણને ચેનલ્સની સુવિધા લાંબા સમયથી મળી છે. પરંતુ ચેનલ ક્રિએટર્સને પોતાની ચેનલને વધુ લોકો સુધી પહોંચાડવામાં અત્યાર સુધી બે મોટા અવરોધનો સામનો કરવો પડતો હતો - એક, વોટ્સએપમાં અત્યાર સુધી ચેનલ્સ ‘અપડેટ્સ’ ટેબમાં ગોઠવાયેલી રહી છે. વોટ્સએપમાં સૌથી વધુ જોવાતો ભાગ હોમપેજ પરની ચેટ છે. કોઈ વ્યક્તિ અપડેટમાં જાય તો જ તેને ચેનલ જોવા મળે. બીજી તરફ મોટા ભાગની ચેનલ્સ સહેલાઈથી સર્ચ કરી શકાતી નથી. આથી ચેનલ ક્રિએટર્સે પોતાની ચેનલને લોકોમાં પોપ્યુલર બનાવવા માટે ખાસ્સી મહેનત કરવી પડે. આ તકલીફ ધ્યાનમાં રાખીને વોટ્સએપ કંપની કમ સે કમ પહેલા અવરોધનો ઉપાય લાવી રહી છે.
ચેનલ્સ ચેટ ટેબમાં પહોંચશે : ચેનલ્સને હવે અપડેટ ટેબ્સમાંથી ખસેડીને ચેટ્સ ટેબમાં જ લાવવામાં આવશે. એ કારણે આપણે જે ચેનલ્સને ફોલો કરતા હોઇએ તે ચેનલને આપણે ઇચ્છીએ તો ચેટ લિસ્ટમાં ગોઠવી શકીશું.
આ ફેરફાર વોટ્સએપની એન્ડ્રોઇડ તથા આઇફોન બંને માટેની એપમાં કરવામાં આવશે.
જોકે અત્યારે મળી રહેલી માહિતી મુજબ કંપની ચેનલને ચેટ ટેબમાં બતાવવા માટે ત્રણ વિકલ્પો પર કામ કરી રહી છે. આ ત્રણેય વિકલ્પોના પ્રયોગોમાં જે પરિણામો મળે તેના આધારે આખરે આપણને ક્યો વિકલ્પ આપવો તે નક્કી કરવામાં આવશે.
ચેનલ્સ ચેટ ટેબમાં લઇ જવામાં આવે એ પછી અપડેટ્સ ટેબમાં કંઈ બતાવવાનું રહેતું નથી. આથી તેની જગ્યાએ કોન્ટેક્ટસ બતાવવામાં આવે તેવી શક્યતા છે. અહીં આપણા કોન્ટેક્ટ્સમાંથી ક્યા ક્યા લોકો વોટ્સએપ પર ઓનલાઇન છે તે જોઈ શકાશે.
ચેનલ્સમાં પણ સ્ટેટસ મૂકી શકાશે : આ ફેરફારોની સાથોસાથ ચેનલ્સમાં એક બીજો પણ મોટો ફેરફાર થઈ રહ્યો છે. એ મુજબ ચેનલમાં પણ હવે સ્ટેટસ મૂકી શકાશે. એ કારણે ચેનલના એડમિન ફક્ત ૨૪ કલાક માટે જોવા મળે અને પછી ગાયબ થાય તેવા ટેક્સ્ટ, ફોટો અને વીડિયો અપડેટ શેર કરી શકશે. હાલમાં આ સુવિધા કેટલાક યૂઝર્સ અને ચેનલ્સને મળવા લાગી છે. અત્યારે આવા ચેનલ સ્ટેટસ અપડેટ્સ ટેબમાં અન્ય કોન્ટેક્ટ્સના સ્ટેટસ સાથે જોવા મળે છે.




