પૃથ્વી હવે ‘વૃદ્ધાવસ્થા’ તરફ! અડધી જિંદગી પૂરી, જાણો હવે કેટલા વર્ષ જીવશે આપણો ગ્રહ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Earth Getting Older: પૃથ્વી હવે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહી છે. લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં પૃથ્વીનું સર્જન થયું હતું અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે હજુ 4થી 5 અબજ વર્ષ સુધી અસ્તિત્વમાં રહી શકે છે. એટલે કે પૃથ્વી તેની કુલ આયુષ્યનો લગભગ અડધો ભાગ જીવી ચૂકી છે. પૃથ્વીની ઉંમરને લઈને જે અંદાજો લગાવવામાં આવી રહ્યા છે એ કોઈ અનુમાન નથી, પરંતુ તારાઓ કેવી રીતે જન્મે છે અને વિકાસ પામે છે અને ગ્રહો તેના બદલાવને કેવી રીતે પ્રતિસાદ આપે છે તે વિશેના દાયકાઓ જૂના સંશોધન પરથી આ નક્કી કરવામાં આવ્યું છે.
પૃથ્વી પર સૂર્યનો પ્રભાવ
પૃથ્વીના ભવિષ્યમાં સૌથી મોટો હાથ સૂર્યનો છે. ઘણાં તારાઓ ધીમે ધીમે તેજસ્વી બનતા જાય છે અને તેમના અંત સુધીમાં એ ખૂબ જ તેજસ્વી બની જાય છે. સૂર્ય સૌથી વધુ તેજસ્વી છે. તે હવે ધીમે ધીમે વધુ તેજસ્વી એટલે કે ગરમ થઈ રહ્યો છે. તેની તેજસ્વિતા ધીમી હોવા છતાં લાંબા સમયગાળામાં તેના પરિણામો ગંભીર આવે છે.
અંદાજે 1 અબજ વર્ષ પછી, સૂર્યની તેજસ્વિતા એટલી વધી જશે કે પૃથ્વી પર રનઅવે ગ્રીનહાઉસ અસર શરુ થશે. એટલે કે સમુદ્રો બાષ્પીભવન થવા લાગશે. ગરમીને કારણે તમામ પાણી વરાળ થઈ જશે અને પૃથ્વીની સપાટી પરનું વાતાવરણ જીવન માટે અશક્ય બની જશે. આ સમયે પૃથ્વી નાશ પામશે નહીં, પરંતુ તે પણ ચંદ્ર અને મંગળ ગ્રહની જેમ એક પથ્થરીયાળ ગ્રહ તરીકે રહી જશે. પૃથ્વી રહેવા યોગ્ય નહીં રહે.
રેડ જાયન્ટ ટ્રાન્સફોર્મેશન
લગભગ 5 અબજ વર્ષ પછી સૂર્યના કોરમાં હાઇડ્રોજન સમાપ્ત થઈ જશે અને ત્યાર બાદ તે એક રેડ જાયન્ટ બનીને રહી જશે. આ સમયે સૂર્ય ધીમે ધીમે ખૂબ મોટો થઈ જશે અને એ સમયે સૌરમંડળમાં ભારે ફેરફાર જોવા મળશે. બુધ અને શુક્ર એ સમયે ચોક્કસપણે સૂર્યમાં ભળી જશે એવું કહેવામાં આવી રહ્યું છે. પૃથ્વીનું ભવિષ્ય હજુ ચર્ચાસ્પદ છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે સૂર્યના દ્રવ્યના નુકસાનથી પૃથ્વી થોડી દૂરની કક્ષામાં ફેંકાઈ શકે છે. જોકે અન્ય અભ્યાસો દર્શાવે છે કે સૂર્યના બાહ્ય વાતાવરણના ઘર્ષણથી તે પૃથ્વીને પોતાની અંદર સમાવી શકે છે. NASAના વૈજ્ઞાનિકો આ રેડ જાયન્ટ ટ્રાન્સફોર્મેશનને ખૂબ જ ઘાતકી માને છે કારણ કે એ સમયે સૌરમંડળમાં ઘણાં બદલાવ જોવા મળે છે.
સૂર્ય પણ તેનું કદ ગુમાવી શકે છે
સૂર્ય જેટલો ગરમ થઈ શકે છે એટલો જ ઠંડો પણ થઈ શકે છે. સૂર્યમાં પણ એક સમય એવો આવી શકે છે જ્યારે સૂર્ય તેના બાહ્ય સ્તરોને છોડીને વ્હાઇટ ડ્વાર્ફ બની જશે. સૂર્ય એક પૃથ્વીની સાઇઝનો ઠંડો તારો બનીને રહી જશે. જો એ સમયે પૃથ્વી બચી ગઈ તો પણ તે સંપૂર્ણપણે બરફ થઈ જશે. તે એક નિર્જીવ ગ્રહ બની જશે અને ધીમે ધીમે ઠંડા થતાં તારાની આસપાસ ઓર્બિટમાં ફરશે.
પૃથ્વીનું અસ્તિત્વ
આ કોસ્મિક સમયરેખા છે જે અબજો વર્ષોમાં ફેલાયેલી છે. પૃથ્વી પરનું કોમ્પ્લેક્સ જીવન માત્ર 600 મિલિયન વર્ષથી અસ્તિત્વમાં છે. માનવજાત તો તેના એક નાનકડા ભાગ પૂરતો જ અસ્તિત્વમાં છે. એનો અર્થ એ થયો કે સૂર્યનો વિકાસ હાલની કે નજીકના ભવિષ્યની પેઢીઓ માટે ચિંતા નથી. જોકે પૃથ્વીના આયુષ્યને સમજવાથી વૈજ્ઞાનિકોને હવામાન, ગ્રહોની રહેવા યોગ્યતા અને સૌરમંડળની બહાર જીવનની શોધને એક્સપ્લોર કરવામાં મદદ મળી શકે છે.
આ પણ વાંચો: આઇફોન ચિપ સાથેનું એપલનું સૌથી સસ્તું મેકબૂક માર્ચમાં લોન્ચ થશે, જાણો કિંમત…
કેમ મહત્ત્વનું છે?
પૃથ્વી અનંતકાળ માટેની નથી. તે એક વિશાળ તારાકીય જીવનચક્રનો ભાગ છે અને તે પહેલેથી જ તેના જીવનનો અડધો ભાગ પૂરો કરી ચૂકી છે. આ સમજ આપણને આપણી પૃથ્વી કેટલી નાજુક છે અને તેની સ્થિરતા બંનેની કદર કરાવે છે અને યાદ અપાવે છે કે એક દિવસ એટલે કે અબજ વર્ષો પછી, પૃથ્વી જીવવા માટેનું ઘર નહીં રહે.









