Get The App

પાકિસ્તાન-ચીન પર 24x7 નજર રાખનાર ભારતની નવી ટેક્નોલોજી: વરસાદ, વાદળ અને અંધારામાં પણ નજર રાખશે દૃ્ષ્ટ્રિ સેટેલાઇટ...

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન-ચીન પર 24x7 નજર રાખનાર ભારતની નવી ટેક્નોલોજી: વરસાદ, વાદળ અને અંધારામાં પણ નજર રાખશે દૃ્ષ્ટ્રિ સેટેલાઇટ... 1 - image

Drishti Satellite Launch: બેંગલુરુની સ્ટાર્ટઅપ કંપની GalaxEyeએ ‘દૃષ્ટિ’ સેટેલાઇટને SpaceXના Falcon-9 રૉકેટથી લોન્ચ કરી છે. આ સેટેલાઇટ વિશ્વમાં સૌથી અલગ પ્રકારની અને અનોખી છે. તે વાદળો અને અંધકારમાં પણ જમીનની સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. આ મિશનને ભારતના સ્પેસ ઇકોસિસ્ટમમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે. દૃષ્ટિ સેટેલાઇટમાં બે અલગ-અલગ કેમેરા એકસાથે લગાવવામાં આવ્યા છે. મલ્ટીસ્પેક્ટ્રલ ઓપ્ટિકલ કેમેરા અને સિન્થેટિક એપર્ચર રડાર (SAR) ઇમેજરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. CEO સુયશ સિંહ મુજબ આ વિશ્વની પહેલી એવી સેટેલાઇટ છે જેમાં બંને ટેક્નોલોજી એક સાથે કામ કરી રહી છે. ઓપ્ટિકલ કેમેરા રંગીન અને સ્પષ્ટ તસવીરો આપે છે, જ્યારે SAR રડાર વાદળ, વરસાદ અથવા અંધકારમાં પણ જોઈ શકે છે. આ કારણે તે 24 કલાક અને દરેક હવામાનમાં કાર્ય કરી શકે છે.

ભારતને તેની જરૂર કેમ?

ભારત ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ દેશ છે. અહીં મોટાભાગે વાદળો છવાયેલા રહે છે. NASAની એક સ્ટડી અનુસાર પૃથ્વી પર 70% જમીન અને 90% સમુદ્ર હંમેશા વાદળોથી ઢંકાયેલા રહે છે. પશ્ચિમી દેશોમાં આ સમસ્યા ઓછી છે, તેથી તેમણે ક્યારેય આવો સેટેલાઇટ બનાવ્યો નથી. જોકે ભારત માટે આ ખૂબ જ જરૂરી છે. હવે ભારતે અમેરિકન કોમર્શિયલ સેટેલાઇટ્સ પર નિર્ભર રહેવું નહીં પડે.

જો આ સેટેલાઇટ પહેલાથી કાર્યરત હોત, તો Operation Sindoor જેવા અભિયાનોમાં બોમ્બિંગના નુકસાનનું મૂલ્યાંકન ભારત પોતે કરી શક્યું હોત. હાલ ઘણીવાર અમેરિકન કંપનીઓ ઇમેજ શેર કરતી નથી. દૃષ્ટિ સેટેલાઇટ પાકિસ્તાન અને ચીનની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં ભારતની ક્ષમતા ઘણી વધારી દેશે. તે દિવસ-રાત, વાદળો વચ્ચે પણ નજર રાખી શકશે.

ટેક્નિકલ વિશેષતાઓ

આ સેટેલાઇટ લગભગ 190 કિલોગ્રામ વજનની છે, જે ભારતીય ખાનગી ક્ષેત્ર માટે ખૂબ મોટી ગણાય છે. પહેલી સેટેલાઇટ 1.5 મીટર રિઝોલ્યુશનની તસવીરો આપશે અને 0.5 મીટરથી 0.3 મીટર સુધી રિઝોલ્યુશન લાવવાની યોજના છે. બંને સેન્સર (ઓપ્ટિકલ અને SAR)નું રિઝોલ્યુશન સમાન રાખવામાં આવ્યું છે. આ ભારતની સૌથી વજનદાર અને હાઇ રિઝોલ્યુશન ધરાવતી ખાનગી સેટેલાઇટ છે.

દૃષ્ટિ પહેલી સેટેલાઇટ છે. કંપની 10 સેટેલાઇટ્સની મોટી કોન્સ્ટેલેશન બનાવવા જઈ રહી છે. તેના દ્વારા સમગ્ર ભારત અને પડોશી વિસ્તારો પર સતત નજર રાખવી શક્ય બનશે. ઇમરજન્સી, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ અને સુરક્ષા માટે તે અત્યંત ઉપયોગી રહેશે.

આ સમગ્ર ટેક્નોલોજી GalaxEyeની પોતાની છે. કંપનીએ તેનું પેટન્ટ ભારત તેમજ વિશ્વભરમાં કરાવ્યું છે. સુયશ સિંહ મુજબ આ ટેક્નોલોજી વિશ્વ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ બની શકે છે. અન્ય દેશો પણ ભારત પાસેથી આવા સોવરીન સેટેલાઇટ જૂથ ખરીદી શકશે.

IIT મદ્રાસ અને ISROનું યોગદાન

GalaxEyeની શરૂઆત IIT મદ્રાસમાંથી થઈ હતી. આ સંસ્થા હવે ઘણા સ્પેસ સ્ટાર્ટઅપ્સનું કેન્દ્ર બની ગઈ છે. પૂર્વ ISRO અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથએ આ લોન્ચની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ ક્ષેત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. ISROની મદદથી યુવા પ્રતિભાઓ હવે નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે. દૃષ્ટિ સેટેલાઇટ માત્ર ટેક્નિકલ સફળતા જ નહીં, પરંતુ વ્યૂહાત્મક સ્વાયત્તતા તરફ એક મોટું પગલું પણ છે. તે ભારતને દુશ્મન દેશોની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં, આપદાઓનો સામનો કરવામાં અને વિકાસના કાર્યોમાં મદદ કરશે. ખાનગી ક્ષેત્રની આ સફળતાથી ભારત સ્પેસ ટેક્નોલોજીમાં વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્થિતિ બનાવી રહ્યું છે.