ઘર કે ઓફિસમાં નેટ ધીમું લાગે છે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇન્ટરનેટ ક્નેકશન આપણી જીવાદોરી બની ગયું છે ત્યારે…
ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક સાધનોનો આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોઈએ, તેના પર આપણી રોજ નજર પણ પડતી હોય અને છતાં, તેનાં કેટલાંક પાસાંથી આપણે અજાણ રહેતા હોઈએ. આવું એક સાધન એટલે ઇન્ટનેટ કનેક્શન માટે ઉપયોગમાં લેવાતું રાઉટર.
તમારા ઘરમાં કે ઓફિસમાં પીસી, સ્માર્ટફોન, ટીવી, ટેબલેટ વગેરે સાધનોનો ઉપયોગ કરતા હો, તો તમે રાઉટરના પરિચયમાં આવ્યા હશો.
રાઉટર એ વિવિધ કમ્પ્યૂટર નેટવર્ક વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપલે કરવા માટે વપરાતું સાધન છે. આપણે તેની મદદથી પોતાના ડેસ્કટોપ, લેપટોપ કે સ્માર્ટફોન, ટેબલેટ, ટીવી વગેરે સાધનોને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકીએ. રાઉટર આપણી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની તરફથી ઇન્ટરનેટ ડેટા મેળવે છે અને કેબલ અથવા વાઇ-ફાઇ સિગ્નલ દ્વારા આપણાં ડિવાઇસ સુધી પહોંચાડે છે.
અલબત્ત, તેમાંથી બ્લુટૂથથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકાતી નથી.
રાઉટર આપણાં ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ દરેક ડિવાઇસને તેનું આગવું આઇપી એડ્રેસ આપે છે.
આ રાઉટરથી આપણાં ડિવાઇસ સુધીની ઇન્ટરનેટ ડેટાની સફરમાં જુદી જુદી રીતે અવરોધ આવી શકે છે. એ કારણે તમારા ઘરમાં કે ઓફિસમાં ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેકશન ક્યારેક એકદમ ધીમું પડતું હોય તેવું લાગી શકે છે.
આવું થવાનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે. નીચે આવાં કારણો એક પછી એક તપાસીને આપણે શું કરી શકીએ તેની વાત કરી છે. વાત સામાન્ય અને મોટા ભાગે આપણા કંટ્રોલમાં હોય એવાં જ પગલાંની છે.
એ પણ યાદ રાખવા જેવું છે કે આપણું રાઉટર સતત સારું કામ આપતું રહે એ માટે થોડા થોડા સમયે તેને રિસ્ટાર્ટ કરવાથી લાભ થશે. એ જ રીતે શક્ય હોય એ બધાં ડિવાઇસ માટે વાઇ-ફાઇને બદલે ઇથરનેટ કેબલથી રાઉટર અને ડિવાઇસને કનેક્ટ કરવાથી પણ ઇન્ટરનેટની સ્પીડમાં સારો એવો ફેર પડશે.
- રાઉટર પોતે જૂનું હોઈ શકે
આપણું રાઉટર પોતે ધીમા ઇન્ટરનેટ કનેકશનની સમસ્યાનું મૂળ હોઈ શકે. આપણે વર્ષો પહેલાં તે ખરીદ્યું હોય તો તે આઉટેડેટેડ હોઈ શકે. એ કારણે તે ખાસ્સું ગરમ પણ થઈ જતું હોય એવું પણ બને. આવું જૂનું રાઉટર મોડર્ન ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સફર અને એકથી વધુ ડિવાઇસિસ સાથેની કનેક્ટિવિટી હેન્ડલ કરવામાં મુશકેલીનો અનુભવ કરી શકે.
શું થઈ શકે ઃ તમે ખરેખર ઘણાં સમય પહેલાં રાઉટર ખરીદ્યું હોય તો તેને બદલીને નવું રાઉટર લેવું એ સૌથી સહેલો ઉપાય છે. - એક રાઉટર પર અનેક ડિવાઈસનો ભાર ?
આમ તો આધુનિક રાઉટર એક સાથે સંખ્યાબંધ ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે ડિઝાઇન થયેલાં હોય છે. પરંતુ આખરે તેની પણ મર્યાદા હોય. કેબલ કનેકશન માટે સ્લોટ જ મર્યાદિત હોય પરંતુ વાઇ-ફાઇ કનેક્ટિવિટીમાં આવી કોઈ મર્યાદા રહેતી નથી. ઘર કે ઓફિસમાં બધા જ સભ્યો પોતૉ પોતાના સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપ વગેરેમાં એક સાથે એક જ રાઉટરમાંથી વાઇ-ફાઇ કનેક્ટિવિટી મેળવે અને તેમાં હેવી ઇન્ટરનેટ યૂઝ કરે તો એ બધાનો ભાર એક સાથે સહન કરવો રાઉટર માટે મુશ્કેલ બને.
શું થઈ શકે ઃ સ્વાભાવિક છે એક સાથે આપણે સંખ્યાબંધ ડિવાઇસ રાઉટર સાથે કનેક્ટ કરવાનું ટાળવું જોઇએ. ખાસ કરીને જે ડિવાઇસમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેકશનની જરૂર ન હોય તેનું રાઉટર સાથેનું કનેકશન બંધ રાખવું.
આપણે ઇચ્છીએ તો રાઉટરના સેટિંગ્સમાં તેની સાથે કનેક્ટેડ વિવિધ ડિવાઇસ કેટલી બેન્ડવિથનો ઉપયોગ કરી શકે તેની લિમિટ સેટ કરી શકીએ. અલબત્ત એટલા ઊંડા ઊતરવાને બદલે જરૂર ન હોય ત્યારે ઇન્ટરનેટ કનેકશન બંધ રાખવું સહેલું પડશે. - સૌ કોઈ પોતપોતાની હેવી એક્ટિવિટીમાં મશગુલ ?
આપણે વાત કરી તેમ એક સાથે સંખ્યાબંધ ડિવાઇસિસ રાઉટરમાંથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવે તો સરવાળે બધામાં કનેકશન ધીમું થઈ શકે. સાધનો ઓછાં હોય પણ તેમાં ઉપયોગ હેવી હોય તો પણ તકલીફ થઈ શકે. વીડિયો સ્ટ્રીમિંગ, હેવી ગેમ્સ, વીડિયો કોલ્સ, વીડિયો મીટિંગ્સ, હેવી ફાઇલ્સનું ડાઉનલોડિંગ વગેરે જુદાં જુદાં ડિવાઇસમાં એક સાથે થાય તો ઇન્ટરનેટ કનેકશન ધીમું થઈ શકે.
શું થઈ શકે ઃ આપણે આપણા કામકાજનું યોગ્ય આયોજન કર્યા વિના છૂટકો નહીં. દીકરા કે દીકરીની કે આપણી પોતાની વીડિયો મીટિંગ ચાલુ હોય ત્યારે બીજા ડિવાઇસમાં હેવી ગેમ રમવાની લાલચ ટાળ્યા વિના છૂટકો નહીં! - રાઉટર ગોઠવવામાં ભૂલ
લેપટોપ કે પીસી કેબલથી રાઉટર સાથે કનેક્ટેડ હોય અને તેમાં સારી ઇન્ટરનેટ સ્પીડ આવતી હોય પરંતુ વાઇ-ફાઇથી કનેક્ટેડ ડિવાઇસમાં સ્પીડ સારી ન હોય તો તેનું દેખીતું કારણ રાઉટરનું સ્થાન હોઈ શકે. રાઉટર અને વાઇ-ફાઇથી કનેક્ટેડ ડિવાઇસ વચ્ચે કેટલું અંતર છે, કેટલી દીવાલો છે, વચ્ચે બીજા અવરોધ છે કે કેમ વગેરે બાબતો વાઇ-ફાઇ સિગ્નલની સ્ટ્રેન્થમાં મોટો ભાગ ભજવે છે.
શું થઈ શકે ઃ ઘર કે ઓફિસમાં રાઉટર શક્ય એટલું મધ્યમાં અને યોગ્ય ઉંચાઇ પર રાખીએ. તેનાથી દૂર કોઈ ખૂણામાં ડિવાઇસમાં વાઇ-ફાઇ કનેક્ટિવિટી મેળવવી જરૂરી હોય તો વચ્ચે જૂના મોબાઇલને હોટસ્પોટ બનાવીને તેમાંથી આપણાં ડિવાઇસમાં વાઇ-ફાઇ સિગ્નલ મેળવવાનો ઉપાય પણ અજમાવી શકાય. - મૂળ નેટવર્કની તકલીફ
એવું પણ બને કે આપણું રાઉટર, આપણું સેટઅપ તથા વિવિધ ડિવાઇસમાં આપણો ઉપયોગ બધું બધી રીતે બરાબર હોય છતાં ઇન્ટરનેટ કનેકશન ધીમું હોય. આ સ્થિતિમાં આપણી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની તરફથી તકલીફ હોય એવું બની શકે. આપણા રાઉટરની જેમ આખા નેટવર્ક પર અમુક સમયે ઇન્ટરનેટનો ભારે ઉપયોગ થઈ રહ્યો હોય તો તેની અસર આપણા સુધી પહોંચી શકે.
શું થઈ શકે ઃ જો આપણા છેડે બધુ બરાબર હોય તો આપણે નેટવર્કની તકલીફ સહન કર્યા વિના કોઈ ઉપાય નહીં. તમે ઇચ્છો તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની એપની મદદથી કનેકશનનો સ્પીડ ટેસ્ટ કરી શકો અથવા થોડી ધીરજ રાખીને નેટવર્ક પરનો લોડ ઘટે તેની રાહ જોઈ શકો. આ સ્થિતિમાં આપણે પોતાના તરફથી લગભગ કોઈ ઉપાય કરી શકતા નથી. - એન્ટિવાયરસ સોફ્ટવેર પણ સમસ્યા સર્જી શકે
આપણે વિવિધ ડિવાઇસમાં એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હોઇએ અને તેમાં એન્ટિવાયરસ સ્કેનિંગ ચાલતું હોય તો ડિવાઇસમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું થઈ શકે.
ક્યારેક વિવિધ કમ્પ્યૂટરમાં ફાયરવોલ અને વીપીએન જેવી સર્વિસનો ઉપયોગ પણ ઇન્ટરનેટને ધીમું કરી શકે.
શું થઈ શકેઃ જે તે સમયે આપણે માટે એન્ટિવાયરસ સ્કેન કે ઝડપી ઇન્ટરનેટ એ બંનેમાંથી સૌથી વધુ શું જરૂરી છે એ નક્કી કરવું પડે. જરૂર પડે તો એન્ટિવાયરસ સ્કેનિંગને અમુક ફોલ્ડર્સ પૂરતું સીમિત રાખી શકાય. ફાયરવોલ કે વીપીએન જેવા સેટિંગમાં જાતે કોઈ ફેરફાર ન કરવો હિતાવહ છે.




