જુદી જુદી એપ્સ, સર્વિસમાં તમે કલર્સનો પૂરતો લાભ લો છો ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમે ડિજિટલ કેલેન્ડર, સારી ટુ-ડુ લિસ્ટ એપ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એપ કે નોટ ટેકિંગ એપનો ઉપયોગ કરતા હો તો લગભગ એ બધામાં આપણી વિવિધ એન્ટ્રીને ચોક્કસ ટેગ તથા કલર આપવાની સગવડ હોય છે. જીમેઇલમાં પણ આવી સગવડ છે. તેમાં આપણે મેસેજને ટેગ કરીને એ ટેગને ચોક્કસ કલર આપી શકીએ છીએ.
તેમ, આપણે માટે જાણીતી ગૂગલ ડ્રાઇવમાં વિવિધ ફોલ્ડર્સને અલગ અલગ કલર આપવાની સગવડ છે.
મોટા ભાગે આપણે એવું માની લઇએ કે આપણી એન્ટ્રીને કલરથી ડિફાઇન કરવાની સગવડ ફક્ત એક ‘કોસ્મેટિક’ ફીચર છે, તેનાથી આપણો સ્ક્રીન સરસ મજાનો લાગે - પરંતુ ખરેખર એવું નથી. તમે યોગ્ય રીતે કલર કોડિંગનો ઉપયોગ કરો તો આ બધી જ એપનો તમે વધુ સ્માર્ટ રીતે ઉપયોગ કરી શકો.
આપણે ફક્ત એક વાર નક્કી કરી લેવાનું રહે કે ક્યા પ્રકારના કામકાજ માટે ક્યા કલરનો ઉપયોગ કરવો છે. જેમ કે સૌથી મહત્ત્વની પર્સનલ નોંધ, ઇમેઇલ્સ, ફાઇલ્સ કે નોટ્સ માટે તમે રેડ કલર પસંદ કરી શકો. ક્લાયન્ટ માટે યલો અને અન્ય કોઈ પણ પ્રકારના કામ માટે ગ્રીન કે બીજો કોઈ કલર.
આટલું નક્કી કરીને તમારી વિવિધ નોટ, ફાઇલ, ફોલ્ડર વગેરેને નિશ્ચિત કલર કરતા રહો તો જે તે એપાં તમારી એન્ટ્રી પર ફક્ત એક નજર ફેરવીને તમે જાણી શકો કે શેમાં ક્યા પ્રકારના કામકાજની વિગતો હશે. વાત ફક્ત એક ટેવ કેળવવાની જ છે. વિવિધ એપ્સમાં કલર કોડિંગ ખરેખર એટલું ઉપયોગી છે કે અમુક એપમાં તો એ પેઇડ ફીચર હોય છે - મફતમાં તેનો લાભ લઈ ન શકાય.
કલર કોડિંગ ફક્ત સ્ક્રીનનો દેખાવ સુધારતું ફીચર નથી, એ આપણે માટે બહુ ઉપયોગી બની શકે. જો સૂઝબૂઝપૂર્વક ઉપયોગ કરીએ તો!




