Science & Technology

અમેરિકાના AI સિક્રેટ્સ ચીન પહોંચ્યા? Nvidiaના CEOના ચીની જાસૂસ સાથે અફેર કેસમાં બોર્ડે શરૂ કરી તપાસ

By GS Team
9 Nov 20263 mins read
TukuTouch Logo
Nvidiaના CEO જેન્સન હુઆંગે અમેરિકા દ્વારા શંકાસ્પદ મનાતી ચીની જાસૂસ મહિલા સાથેના સંબંધો કબૂલ્યા છે. આ ઘટસ્ફોટ બાદ કંપની દ્વારા આંતરિક તપાસ શરૂ કરાઈ છે. હુઆંગે કર્મચારીઓને ઈમેલ દ્વારા માફી માંગી, જણાવ્યું કે તેઓ પરિવાર પ્રત્યે અપ્રમાણિક રહ્યા. એલિસ હુઆંગ નામની આ મહિલા મેગાસ્પીડ ઇન્ટરનેશનલની એક્ઝિક્યુટિવ હતી અને ચીનની જાસૂસી સંસ્થા માટે કામ કરતી હોવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના AI સિક્રેટ્સ ચીન પહોંચ્યા? Nvidiaના CEOના ચીની જાસૂસ સાથે અફેર કેસમાં બોર્ડે શરૂ કરી તપાસ

Nvidia CEO Admits Affair With Alleged Spy: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) ચિપ નિર્માતા દિગ્ગજ કંપની Nvidiaના સીઈઓ જેન્સન હુઆંગે એક મોટો ઘટસ્ફોટ કરતાં સ્વીકાર્યું છે કે તેમના સંબંધો અમેરિકા દ્વારા શંકાસ્પદ માનવામાં આવતી કથિત ચીની જાસૂસ મહિલા સાથે હતા. આ વિવાદ સપાટી પર આવ્યા બાદ કંપની દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. હુઆંગે રવિવારે Nvidiaના તમામ કર્મચારીઓને એક ઈમેઇલ મોકલીને આ અફેર અંગે ખુલાસો કર્યો હતો.

આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમેરિકાના એક જાણીતા અખબાર દ્વારા 7 નવેમ્બરના અહેવાલમાં દાવો કર્યો કે એલિસ હુઆંગ નામની મહિલા જેન્સન હુઆંગની નજીક આવી હતી અને તે કથિત રીતે ચીનની જાસૂસી સંસ્થા માટે કામ કરી રહી હતી.

કોણ છે એલિસ હુઆંગ અને શું છે આરોપ?

અમેરિકી ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે:

  • એલિસ હુઆંગ એશિયન ટેક ફર્મ 'મેગાસ્પીડ ઇન્ટરનેશનલ'ની એક્ઝિક્યુટિવ હોવાનું સામે આવ્યું છે.
  • યુએસ ઇન્ટેલિજન્સે ટ્રમ્પ પ્રશાસનને માહિતી આપી હતી કે બેઇજિંગના મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ સિક્યુરિટી વતી જેન્સન હુઆંગ પાસેથી ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એલિસની ભરતી કરવામાં આવી હોવાની આશંકા છે.
  • અદ્યતન AI ટૅક્નોલૉજી અને ચિપ ડિઝાઇનની વૈશ્વિક સ્પર્ધા વચ્ચે આ ઘટસ્ફોટે અમેરિકા અને ચીન વચ્ચેના ટૅક્નોલૉજીકલ તણાવમાં મોટો ભૂકંપ લાવી દીધો છે.

જેન્સન હુઆંગે કર્મચારીઓને પત્ર લખી માંગી માફી

રવિવારે મોકલેલા ઈમેઇલમાં જેન્સન હુઆંગે પોતાના આ અંગત સંબંધોની કબૂલાત કરતાં અત્યંત ભાવુક શબ્દોમાં માફી માંગી હતી:

"હું મારી પત્ની પ્રત્યે અપ્રમાણિક રહ્યો હતો. મારા આ પગલાંથી મારી પત્ની અને અમારા બાળકોને ઊંડો આઘાત પહોંચ્યો છે. મેં જે કર્યું તેનો મારી પાસે કોઈ બચાવ નથી અને હું અંતઃકરણપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. સમગ્ર જીવન દરમિયાન મારા પરિવારે મને પ્રેમ અને સાથ આપ્યો છે. તેઓ મારી પ્રામાણિકતા અને વફાદારીના હકદાર હતા, પરંતુ મેં તેમને નિરાશ કર્યા છે. મારી આ ભૂલ અને તેનાથી થયેલા નુકસાનની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું."

કંપનીના સહકર્મીઓ, બોર્ડ અને રોકાણકારોને સંબોધતા તેમણે વધુમાં લખ્યું હતું:

"Nvidiaનું નેતૃત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. તમારી સેવા કરવી અને તમારા વિશ્વાસને પાત્ર બનવું એ મારી ફરજ હતી, જેમાં હું ઉણો ઊતર્યો છું. હું Nvidia પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છું અને તમારો ખોવાયેલો વિશ્વાસ ફરી મેળવવા માટે સખત પરિશ્રમ કરીશ."

Nvidiaના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા તપાસની જાહેરાત

કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે રવિવાર, 8 નવેમ્બરના રોજ સત્તાવાર નિવેદન બહાર પાડીને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની જાહેરાત કરી છે:

  • સીઈઓ જેન્સન હુઆંગ વિદેશી ગુપ્તચર સંસ્થાના નિશાના પર હોવાના મીડિયા અહેવાલો બાદ સ્વતંત્ર ડિરેક્ટર્સની એક સમિતિ તપાસ કરશે, જેને બહારના સ્વતંત્ર કાનૂની સલાહકારો મદદ કરશે.
  • બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કંપની અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે, જે Nvidia અને તેના શેરધારકોના હિત માટે મહત્ત્વપૂર્ણ છે.
  • પ્રાથમિક દૃષ્ટિએ રાષ્ટ્રીય સુરક્ષા કે Nvidiaના વ્યવસાયિક રહસ્યો જોખમાયા હોવાનું માનવા માટે કોઈ પુરાવા મળ્યા નથી, તેમ છતાં બોર્ડ તમામ વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
  • જેન્સન હુઆંગે આ સમગ્ર તપાસ પ્રક્રિયાને પોતાનું પૂરતું સમર્થન આપવાની અને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.