એલિયન્સનો મેસેજ આવ્યો? સૌરમંડળના બહારથી પહેલીવાર રેડિયો સિગ્નલ પ્રાપ્ત થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

First Radio Signal Directly Detected From Exoplanet Beta Pictoris B: અંતરિક્ષમાંથી આવેલા એક અત્યંત રહસ્યમય રેડિયો સિગ્નલે વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચ્યું છે. આ સિગ્નલ પૃથ્વીથી આશરે 63.4 પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિશાળકાય ગ્રહ 'બીટા પિક્ટોરિસ બી' પરથી આવ્યા છે. ખગોળ વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ વખત વૈજ્ઞાનિકોને સૌરમંડળની બહાર સ્થિત કોઈ એક્સોપ્લેનેટ પરથી આવતા રેડિયો સિગ્નલને સીધા તે જ ગ્રહ સાથે જોડવામાં સફળતા મળી છે. આ મહત્ત્વપૂર્ણ સંશોધન દક્ષિણ આફ્રિકામાં સ્થાપિત અત્યાધુનિક 'મીરકેટ' રેડિયો ટેલિસ્કોપ એરે દ્વારા કરવામાં આવ્યું છે.
0.85થી 3.5 ગીગાહર્ટ્ઝ પર વારંવાર મળ્યા સિગ્નલ્સ
વૈજ્ઞાનિકોની ટીમે વર્ષ 2025 અને 2026 દરમિયાન ચાર વખત 'બીટા પિક્ટોરિસ' સ્ટાર સિસ્ટમનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન તેમને 0.85થી 3.5 ગીગાહર્ટ્ઝ (GHz)ની ફ્રિક્વન્સી પર વારંવાર ટૂંકા રેડિયો સિગ્નલ પ્રાપ્ત થયા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે સિગ્નલનું ચોક્કસ લોકેશન બીટા પિક્ટોરિસ બી ગ્રહ સાથે મેળ ખાતું હતું, નહીં કે તેના તારા સાથે.
પ્રથમ વખત સીધા ગ્રહ સાથે કેવી રીતે જોડાયું કનેક્શન?
અગાઉ પણ એવા તારા મંડળોમાંથી રેડિયો સિગ્નલ મળ્યા છે જેની આસપાસ ગ્રહો મોજૂદ હોય, પરંતુ તે વખતે સિગ્નલ ગ્રહ પરથી આવ્યા છે કે તેના મુખ્ય તારા પરથી, તે નિશ્ચિત થઈ શકતું નહોતું. આ વખતે વૈજ્ઞાનિકોએ સિગ્નલના ઉદ્ભવસ્થાનની અત્યંત સચોટ તપાસ કરી હતી. તેના માટે અંતરિક્ષમાં સ્થિત દૂરના એક ક્વાસારને રેફરન્સ પોઇન્ટ તરીકે ઉપયોગમાં લેવાયો હતો. આ ચોક્કસ પદ્ધતિથી સિગ્નલનું વાસ્તવિક લોકેશન બીટા પિક્ટોરિસ બી હોવાનું સાબિત થયું, જેના કારણે વૈજ્ઞાનિકો તેને કોઈ એક્સોપ્લેનેટ પરથી સીધું મળેલું પ્રથમ રેડિયો સિગ્નલ ગણાવી રહ્યા છે.
ગ્રહના ઓરોરા અને ECMI પ્રક્રિયા સાથે કનેક્શન
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, બીટા પિક્ટોરિસ બી પરથી મળેલા આ રેડિયો સિગ્નલ તેના ઓરોરા સાથે જોડાયેલા છે. આપણી પૃથ્વી પર પણ ઉત્તરીય અને દક્ષિણીય ધ્રુવો પર નોર્ધન લાઈટ્સ અને સધર્ન લાઈટ્સ સ્વરૂપે ઓરોરા જોવા મળે છે, જે ચાર્જ્ડ કણો ગ્રહના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય ત્યારે રચાય છે.
- આ ગ્રહ પરથી મળેલા સિગ્નલમાં 'સર્ક્યુલર પોલરાઇઝેશન' જોવા મળ્યું છે.
- સંશોધકોના મતે આ ઇલેક્ટ્રોન સાયક્લોટ્રોન મેઝર ઇન્સ્ટેબિલિટી તરીકે ઓળખાતી જટિલ ભૌતિક પ્રક્રિયા સાથે સંકળાયેલ હોઈ શકે છે.
- પૃથ્વી અને ગુરુ ગ્રહના ઓરોરામાંથી ઉત્પન્ન થતા રેડિયો સિગ્નલ પણ આ જ સિદ્ધાંત હેઠળ બનતા હોય છે.
પૃથ્વી કરતાં હજારો ગણું શક્તિશાળી મેગ્નેટિક ફિલ્ડ
આ સિગ્નલના વિશ્લેષણથી તે ગ્રહના ચુંબકીય ક્ષેત્રની પ્રચંડ તાકાત વિશે મહત્ત્વની માહિતી સામે આવી છે: - સંશોધન મુજબ, જ્યાંથી આ રેડિયો સિગ્નલ ઉત્સર્જિત થઈ રહ્યા છે ત્યાં ચુંબકીય ક્ષેત્રની ક્ષમતા ઓછામાં ઓછી 1.25 કિલો-ગોસ છે, જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ કરતાં હજારો ગણી વધુ શક્તિશાળી છે.
- 'બીટા પિક્ટોરિસ બી' એક યુવાન અને વિશાળ કદનો ગેસ જાયન્ટ ગ્રહ છે, જેનું કદ અને દળ આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ કરતાં લગભગ 10 ગણું છે.
- આ ગ્રહ પોતાની ધરી પર અત્યંત તીવ્ર ગતિથી ભ્રમણ કરે છે અને માત્ર 8થી 9 કલાકમાં એક પરિભ્રમણ ચક્ર પૂરું કરી લે છે. તેની આ પ્રચંડ રોટેશનલ સ્પીડ અને અતિ-મજબૂત મેગ્નેટિક ફિલ્ડ તેના ઓરોરામાંથી રેડિયો સિગ્નલ ઉત્પન્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
હજુ સંશોધનની પીઅર-રિવ્યુ સમીક્ષા બાકી
આ સીમાચિહ્નરૂપ શોધ સંબંધિત રિસર્ચ પેપર હજુ કોઈ પીઅર-રિવ્યુડ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું નથી. હાલમાં તેને 'arXiv' પ્લેટફોર્મ પર પ્રી-પ્રિન્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે અન્ય સ્વતંત્ર વૈજ્ઞાનિકો દ્વારા તેની આખરી ચકાસણી અને સમીક્ષા થવાની બાકી છે. વૈજ્ઞાનિકો હવે ભવિષ્યમાં વધુ સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપની મદદથી અન્ય વિશાળ બાહ્ય ગ્રહો પર પણ આવા રેડિયો સિગ્નલો શોધવા માટે આશાવાદી બન્યા છે.




