Science & Technology

ડાર્ક મોડ કે લાઇટ મોડ: આંખો માટે કયો મોડ વધુ સુરક્ષિત? રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
2025ના વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ, સ્માર્ટફોન-ટેબ્લેટમાં ડાર્ક મોડ આંખોનો થાક ઘટાડે છે. 18-25 વર્ષની 30 મહિલાઓ પર કરાયેલા અભ્યાસમાં જણાયું કે સફેદ સ્ક્રીન (લાઇટ મોડ) કરતાં કાળી સ્ક્રીન (ડાર્ક મોડ)માં આંખો પર ઓછો સ્ટ્રેઇન પડે છે. જોકે, ટેક કંપનીઓ યુઝર્સને વધુ સમય સ્ક્રીન પર રાખવા પણ ડાર્ક મોડને પ્રોત્સાહન આપે છે, જેથી તેમને વધુ એડ રેવન્યુ મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાર્ક મોડ કે લાઇટ મોડ: આંખો માટે કયો મોડ વધુ સુરક્ષિત? રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો

Dark Mode Reduces Eye Fatigue: સ્માર્ટફોન અને ટેબલેટ જેવા ડિજિટલ ડિવાઇસિસમાં યુઝર્સ પોતાની અનુકૂળતા મુજબ Light Mode અને Dark Modeનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે ડાર્ક મોડ આંખો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ 2025માં પ્રકાશિત થયેલા એક વૈજ્ઞાનિક રિસર્ચમાં આ અંગેની વાસ્તવિકતા અને ટેક કંપનીઓની રણનીતિને લઈને મહત્ત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે.

રિસર્ચમાં કેવી રીતે કરવામાં આવ્યો અભ્યાસ?

સંશોધકો એ વિશ્લેષણ કરવા માંગતા હતા કે કાળી સ્ક્રીન પર સફેદ ટેક્સ્ટ (ડાર્ક મોડ) કે સફેદ સ્ક્રીન પર કાળો ટેક્સ્ટ (લાઇટ મોડ) માંથી કયો મોડ આંખો માટે ઓછો નુકસાનકારક છે:

  • સેમ્પલ સાઇઝ: આ અભ્યાસ માટે 18થી 25 વર્ષની વયજૂથની સામાન્ય દ્રષ્ટિ (ધરાવતી 30 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી, જેઓ નિયમિતપણે ટેબલેટનો ઉપયોગ કરતી હતી.
  • પદ્ધતિ: સહભાગીઓને બંને મોડમાં ટેક્સ્ટ વાંચવા આપવામાં આવ્યો હતો.
  • પેરામીટર્સ: રીડિંગ સેશન પહેલાં અને પછી તેમની આંખોની વિસ્તૃત ચકાસણી કરવામાં આવી, જેમાં આંખોનો થાક, ડ્રાયનેસ, ફોકસિંગ ક્ષમતા અને આંખોના રિએક્શનની ઝડપ જેવા પરિબળોનું ચોક્કસ માપન કરવામાં આવ્યું હતું.

અભ્યાસના મુખ્ય તારણો

ટેસ્ટિંગના પરિણામો દર્શાવે છે કે લાંબા સમય સુધી સ્ક્રીન જોવા પર બંને મોડમાં આંખો પર અમુક અંશે ભાર પડે છે:

  • લાઇટ મોડમાં વધારે થાક: સફેદ સ્ક્રીનમાં આંખો પર વધુ પ્રમાણમાં સ્ટ્રેઇન અને થાક જોવા મળ્યો હતો.
  • ડાર્ક મોડમાં ઓછો તણાવ: કાળી સ્ક્રીનમાં આંખો પર પડતો થાક અને દબાણ પ્રમાણમાં નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું.
  • નિષ્ણાતોના મતે, જે લોકો દિવસમાં કલાકો સુધી સ્ક્રીન સામે કામ કરે છે અથવા વાંચન કરે છે તેમના માટે સ્ક્રીન મોડની યોગ્ય પસંદગી આંખોના સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શું ટેક કંપનીઓ નફા માટે ડાર્ક મોડને પ્રોત્સાહન આપે છે?

આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ, ગેમિંગ અને વીડિયો સ્ટ્રીમિંગ માટે થાય છે. આ બાબતમાં ટેક કંપનીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠ્યા છે:

  • સ્ક્રીન ટાઈમમાં વધારો: રાત્રિના સમયે લાઇટ મોડમાં તેજસ્વી સ્ક્રીનને કારણે આંખો ઝડપથી થાકી જાય છે, જેનાથી યુઝર ફોન મૂકી દે છે. જ્યારે ડાર્ક મોડમાં આંખો ઓછી થાકતી હોવાથી યુઝર્સ વધુ લાંબા સમય સુધી સ્ક્રીન સાથે જોડાયેલા રહે છે.
  • કંપનીઓને ફાયદો: યુઝર જેટલો વધુ સમય સોશિયલ મીડિયા કે એપ્સ પર વિતાવે છે, તેટલો જ ટેક કંપનીઓને સીધો આર્થિક ફાયદો અને એડ રેવન્યુ મળે છે.
  • અન્ય ફાયદાઓ: જોકે, માત્ર યુઝરને બાંધી રાખવા જ નહીં, પરંતુ ઓછી રોશનીમાં વાંચનની સરળતા, બેટરીની બચત અને યુઝર કમ્ફર્ટ જેવા વ્યવહારુ કારણો પણ ડાર્ક મોડની લોકપ્રિયતા પાછળ રહેલા છે.