Science & Technology

ઉપયોગ, દુરુપયોગ ને સામનો

By GS Team
12 Aug 20269 mins read
TukuTouch Logo
ગૂગલે ભારતમાં 'જેમિનાઇ સ્પાર્ક' સુવિધા લોન્ચ કરી છે, જે AI અલ્ટ્રા અને પ્રો સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આ પર્સનલ AI એજન્ટ Gmail, Google Docs, Sheets સાથે કનેક્ટ થઈને ઈમેઈલ સારાંશ, ફ્લાઈટ બુકિંગ, અને પેમેન્ટ જેવી કામગીરી ઓટોમેટિક કરશે. જોકે, AIના ઉપયોગ અંગે ટેક કંપનીઓ પણ હજુ ગૂંચવણમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉપયોગ, દુરુપયોગ ને સામનો

એઆઈનો કેવો ઉપયોગ કરવો એ બાબતે હજી ચારે તરફ ગૂંચવણ છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આમ જુઓ ઘણી જૂની વાત છે. ટેક કંપનીઓ તેની વિવિધ સર્વિસમાં તેનો ઉપયોગ લાંબા સમયથી કરતી હતી અને આપણે તેનો લાભ પણ લેતા હતા. પણ, ચારે વર્ષ પહેલાં ચેટજીપીટીના આગમન સાથે આપણે આ એઆઇના સીધા સંપર્કમાં અાવ્યા. ત્યારથી આજ સુધી, તેના ઉપયોગ વિશે ટેક કંપનીઓથી લઈને આપણે સૌ ગોથાં ખાઈ રહ્યા છીએ!
એક તરફ ટેક કંપનીઓને લાગ્યું કે હવે આવક વધારવાનો નવો રસ્તો મળી ગયો છે - એમ્પ્લોઇને છૂટા કરો, એઆઇને કામે લગાડો. બીજી તરફ આપણને રીઝવવા જાતભાતનાં એઆઇ ફીચર્સ આપવાનું શરૂ કર્યું. ને આપણને એઆઇ નામે એક નવું રમકડું મળ્યું! પરંતુ હમણાંના મેટા, ગૂગલનાં કેટલાંક પગલાં બતાવે છે કે એઆઇની સાચી ઉપયોગિતા આ કંપનીઓને પણ સમજાઈ નથી, તો આપણે શી વિસાતમાં?

જેમિનાઈ સ્પાર્ક હવે ભારતમાં : પર્સનલ કામકાજ એઆઈને હવાલે કરી શકાશે
પહેલાં એક જરૂરી સ્પષ્ટતા - જો તમારું ગૂગલ એકાઉન્ટ પર્સનલ અને ફ્રી એકાઉન્ટ હોય તો આ વાત સીધેસીધી, અત્યારે તમારે કામની નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે સમય કેવો બદલાઈ રહ્યો છે અને આપણાં રોજિંદાં કામકાજ પણ કેવાં બદલાશે એ જરૂર સમજાશે.
ગૂગલની ‘જેમિનાઇ સ્પાર્ક’ નામની સુવિધા હવે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. અલબત્ત અત્યારે તેનો લાભ ગૂગલ એઆઇ અલ્ટ્રા અને પ્રો સબસ્ક્રાઇબર્સને મળશે. હાલમાં ગૂગલ વર્ક/સ્કૂલ એકાઉન્ટમાં પણ તેનો ઉપયોગ શક્ય નથી. જેમિનાઇ સ્પાર્ક આપણી માટે ચોવીસે કલાક ખડે પગે રહેતા ‘પર્સનલ એઆઇ એજન્ટ’ તરીકે કામ કરે છે. તે આપણી મંજૂરી પછી જીમેઇલ, ગૂગલ ડોક્સ તથા ગૂગલ શીટ્સ જેવી સર્વિસ સાથે સતત કનેક્ટેડ રહે છે અને તેમાં આપણા વતી જાતભાતનાં કામ કરે છે. જેમ કે તમારા સંતાનની સ્કૂલ તરફથી કે તમારા ક્લાયન્ટ તરફથી તમારા પર વારંવાર વિવિધ ઇમેઇલ્સ આવતા હોય તો જેમિનાઇ સ્પાર્ક એ બધા ઇમેઇલ્સ વાંચીને તેમાંની મહત્ત્વની વાતો સામે ચાલીને આપણી નજરમાં લાવે છે. આપણું લેપટોપ કે ફોન બંધ હોય ત્યારે પણ જેમિનાઇ સ્પાર્ક બેકગ્રાઉન્ડમાં પોતાનું કામ ચાલુ રાખે છે.
સારી વાત એ છે કે જેમિનાઈ સ્પાર્ક ભલે બધું ચૂપચાપ અને આપોઆપ કરે પરંતુ આખરે એ આપણી સૂચના મુજબ જ કામ કરે છે. આપણે ઇચ્છીએ ત્યારે તેને ચાલુ કે બંધ કરી શકીએ તથા ઇચ્છીએ તે એપ સાથે તેને કનેક્ટ કરી શકીએ.
જેમિનાઇ સ્પાર્ક આપણા વતી કોઈને ઇમેઇલ્સ મોકલવા ઉપરાંત, ફોનમાંની પેમેન્ટ્સ એપની મદદથી કોઈને પેમેન્ટ પણ કરી શકે! અલબત્ત આવાં મહત્ત્વનાં કામ કરતાં પહેલાં તે આપણી મંજૂરી અચૂક લેશે.
આપણે જેમિનાઇ સ્પાર્ક પાસેથી કેવા કામ લઇ શકીએ એ તપાસી લઇએ.
ફ્લાઇટ બુકિંગ સમયે
આપણે કોઈ ફ્લાઇટ કે હોટેલ બુકિંગ કરીએ અને તેના કન્ફર્મેશનનો ઇમેઇલ આવે તો તેની વિગતો આપોઆપ આપણે ગૂગલ શીટમાં ખાસ એ ટુર માટે આપણે અગાઉથી બનાવેલી ફાઇલમાં ઉમેરાઈ જશે. એટલું જ નહીં આપણે જેમિનાઇ સ્પાર્કને એવું પણ કહી રાખી શકીએ કે ‘‘હું ટૂર પર હોઉં એ દિવસોમાં ત્યાંનાં ફરવા જેવાં સ્થળો તથા મને રસ પડી શકે તેવી લોકલ ઇવેન્ટ્સની વિગતો મારા કેલેન્ડરમાં ઉમેરી રાખજે.’’ જેમિનાઇ સ્પાર્ક આપણી સૂચનાનું પાલન કરશે.
ફ્રેન્ડ્સ સાથેના ફન પ્લાનિંગમાં
તમને મોડી સાંજે ફ્રી ટાઇમમાં ફ્રેન્ડ્ઝ સાથે પિકલ બોલ રમવા જવાનું ગમે છે? આમાં પણ જેમિનાઇ સ્પાર્ક તમારી મદદ કરી શકે. કેટલીક પિકલ બોલ માટે બુકિંગની સર્વિસ આપતી એપ્સ પ્રમોશન માટે ફ્રી ટાઇમ સ્લોટ પણ ઓફર કરતી હોય છે. તમે જેમિનાઇ સ્પાર્કને એવી સૂચના આપી શકો કે જ્યારે પણ આવા ફ્રી સ્લોટ ઉપલબ્ધ હોય ત્યારે તે તમને જાણ કરે!
ઇમેઇલની સમરી, નેક્સ્ટ એક્શન
તમે ઓફિસ માટે કે કોઈ પર્સનલ ઇવેન્ટ માટે પાર્ટી યોજી રહ્યા છો? એ માટે તમે વિવિધ લોકોને જીમેઇલથી ઇન્વિટેશન મોકલો ત્યારે તેમના તરફથી જે જવાબો આવે તેની જેમિનાઇ સ્પાર્કની મદદથી આપોઆપ સમરી જનરેટ કરી શકો છો. એટલું જ નહીં આ ઇમેઇલ્સને આધારે કુલ કેટલા લોકો આવશે અને કેટલા લોકો માટે જૈન કે સ્વામિનારાયણ ફૂડ તૈયાર કરવાનું થશે (ઇમેઇલમાં એની વિગતો હોય તો) તેની વિગતો પણ જેમિનાઇ સ્પાર્ક તમારા કેટરરને મોકલી આપશે!
ખરેખર સ્માર્ટ રિપ્લાય માટે
તમે બિઝનેસમેન હો અને તમારા પોટેન્શિયલ કસ્ટમર તરફથી તમને ઇમેઇલમાં વારંવાર ઇન્કવાયરી આવતી હોય તો જેમિનાઇ સ્પાર્ક તમારા વતી તેના જવાબો તૈયાર કરી શકશે. આ માટે કોઈ રેડી ટેમ્પલેટનો યૂઝ કરવાને બદલે જેમિનાઇ સ્પાર્ક ઇમેઇલમાં જે વિગતો કહેવામાં આવી હોય તેના આધારે તમે કેવી સર્વિસ આપી શકશો અને તેનું પ્રાઇસિંગ શું હશે તે જણાવતો એક કસ્ટમાઇઝ્ડ ડ્રાફ્ટ્સ તૈયાર કરી આપશે. તમારે ફક્ત એ તપાસીને કોઈ ફેરફાર જરૂરી લાગે તે કરીને ઇમેઇલ સેન્ડ કરવાનો રહેશે.
ઇમેઇલનું ઓટો સ્કેનિંગ
તમે જેમિનાઇ સ્પાર્કને આવી સૂચના પણ આપી શકો. ‘‘દર મહિનાની પહેલી તારીખે મારા પર જીમેઇલમાં આવેલા પાછલા મહિનાનાં ડિજિટલ ઇન્વોઇસ તપાસી લે. કોઈ સબસ્ક્રિપ્શનની પ્રાઇસ વધી હોય તો તેની જાણ કર તથા કોઈ સર્વિસનો ટ્રાયલ પીરિયડ પૂરો થઈ રહ્યો હોય તો તેને કેન્સલ કરવા માટેની રિકવેસ્ટનો મેઇલ પણ ડ્રાફ્ટ કરી આપ.’’ જેમિનાઇ સ્પાર્ક આ બધું તમારે માટે દર મહિનાની પહેલી તારીખે તૈયાર રાખશે!

ગૂગલ અર્થમાં પણ એઆઈ ડીપફેક
ખુદ ટેક કંપનીઓ એઆઈના ઉપયોગ મુદ્દે ગૂંચવાયેલી છે

હમણાં આપણે ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી હતી કે મેટાએ તેનું મેટા ‘મ્યૂઝ’ મોડેલ લોન્ચ કર્યા પછી તેમાંનું એક ફીચર તાબડતોબ પરત ખેંચ્યું. લોકોને કંઈક એવી ‘સગવડ’ આપવામાં આવી હતી કે તેઓ ગમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોટોઝનો ઉપયોગ કરીને તેમાં એઆઇની મદદથી ગમે તેવા ફેરફારો કરી શકે - ફક્ત શાબ્દિક પ્રોમ્પ્ટ આપીને. આ ફીચર સામે મોટો હોબાળો ઊભો થતાં મેટાએ તેને તરત બંધ કરવું પડ્યું.
હવે આવું જ કંઈક ગૂગલ અર્થમાં થયું છે. ગૂગલે વર્ષ ૨૦૦૫માં લોન્ચ કરેલી (ગૂગલે એ માટે ‘કીહોલ’ નામની એક કંપની ખરીદી લીધી હતી) ગૂગલ અર્થ સર્વિસમાં વીસ વર્ષે જુલાઇ, ૨૦૨૬ના અંતમાં એઆઇ આધારિત એક ‘સગવડ’ આપી. જેને કારણે યૂઝર્સ ગૂગલ અર્થમાં ઉપલબ્ધ સેટેલાઇટ ઇમેજિસમાં એઆઇની મદદથી ધાર્યા ફેરફાર કરી શકે - ફરીથી, ફક્ત શાબ્દિક પ્રોમ્પ્ટ આપીને!
મતલબ કે ગૂગલ અર્થમાં જે સેટેલાઇટ ઇમેજિસમાં, દુનિયાનાં વાસ્તવિક સ્થળો જેવાં છે તેવાં દેખાતાં હોય તેને યૂઝર્સ પોતાની મરજી મુજબ બદલી શકે.
આ બધું ગૂગલના ‘નેનો બનાના ટૂલ’ એઆઇની મદદથી શક્ય બનતું હતું. આનો અર્થ એ પણ થયો કે લોકો ગૂગલ અર્થમાં ભારતીય સંસદભવનની સેટેલાઇટ ઇમેજિસમાં છેડછાડ કરીને ભવનની બરોબર વચ્ચોવચ્ચ મંદિર, મસ્જિદ કે ચર્ચ હોય એવો આભાસ આપતી ઇમેજ પણ જનરેટ કરી શકે!
આશ્વાસન લેવા જેવી વાત એ હતી કે આમાં બધું સાવ વિકિપીડિયા જેવું નહોતું. વિકિપીડિયામાં કોઈ પણ આર્ટિકલમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ફેરફાર કરે અને તે તરત જ બધા લોકોને દેખાવા લાગે, પણ એવું ગૂગલ અર્થના આ નવા ફીચરમાં થતું નહોતું. એઆઇથી જનરેટ થતી નવી સેટેલાઇટ ઇમેજ, ફક્ત એ ઇમેજ જનરેટ કરનાર યૂઝર પોતે જ જોઈ શકતા હતા અને તેને શેર કરી શકતા હતા. ગૂગલ અર્થના મેઇન લેયર પર મૂળ ઇમેજ યથાવત રહેતી હતી.
નવી એઆઇ જનરેટેડ ઇમેજ પર તે એઆઇ જનરેટેડ હોવાનું લેબલ પણ લાગતું હતું. પરંતુ તકલીફ એ હતી કે લોકો ધડાધડ ગૂગલ અર્થમાં પોતાની મરજી મુજબ એઆઇ ઇમેજિસ જનરેટ કરવા લાગ્યા અને અન્ય લોકો સાથે તેના સ્ક્રીનશોટ શેર કરવા લાગ્યા.
છેવટે ગૂગલને સમજાયું કે તેણે આ ફીચર આપવામાં કાચું કાપ્યું છે અને ગૂગલ અર્થમાં દુનિયાનાં વાસ્તવિક સ્થળોની એઆઇ ડીપફેક ઇમેજિસ ક્રિએટ કરવાનો રસ્તો ખોલી આપ્યો છે. પરિણામે આ ફીચર લોન્ચ થયાના એક જ દિવસમાં તેને રદ કરી દેવામાં આવ્યું!
અલબત્ત એ પણ ધ્યાને લેવા જેવું છે કે આવી ‘સગવડ’ ગૂગલ અર્થ પૂરતી સીમિત નથી. લોકો ગૂગલ અર્થમાંથી કોઈ પણ જગ્યાની સેટેલાઇટ ઇમેજનો સ્ક્રીનશોટ લઇને અન્ય એઆઇ ટૂલ્સમાં શાબ્દિક સૂચના આપીને નવી ઇમેજ જનરેટ કરી શકે છે.
એઆઇ એક એવો જીન છે જે અલ્લાદ્દીનના ચિરાગમાંથી બહાર નીકળી ચૂક્યો છે અને તેને અંકુશમાં રાખવો હવે બહુ મુશ્કેલ છે!

એઆઈને આંખે પાણી લાવે તેવા ફોન્ટ !
આ લેખ આગળ વાંચો તે પહેલાં નીચે કે બાજુમાં આપેલી ઇમેજિસ પર એક નજર ફેરવી લો. આ ઇમેજિસમાંના શબ્દોમાં શું લખ્યું છે એ કહી બતાવો. નીચેની પહેલી ઇમેજ તો બહુ જાણીતી છે - તમને સુંદર યુવતી દેખાય છે કે કોઈ વૃદ્ધા? એમ, બીજી ઇમેજમાં શું દેખાય છે? પહેલી નજરે તમને કદાચ ‘Happy Human’ લખેલું દેખાશે, પરંતુ બીજી નજરે જોશો તો ‘Sorry Robot’ લખેલું પણ વંચાશે. ત્રીજી ઇમેજમાં ‘Sleep Early’ લખેલું દેખાશે, પછી કદાચ ‘Binge Shows’ પણ વંચાશે. બંને એકમેકથી તદ્દન વિરોધાભાસી વાત છે!
હવે મજા જુઓ - આ લખાણનો સ્ક્રીનશોટ કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટને બતાવી પૂછવામાં આવ્યું કે ઇમેજમાં શું લખેલું છે, તો તેને ફક્ત ‘Binge Shows’ વંચાયુું!
ઇન્ટરનેટ પર તમે ક્યારેક ને ક્યારેક ‘ઓપ્ટિકલ ઇલ્યૂઝન્સ’ના સંપર્કમાં આવ્યા હશો. આ પ્રકારની ઇમેજ એવી કરામતી હોય કે એક જ ઇમેજ જોનારી બે જુદી જુદી વ્યક્તિને ઇમેજ એક જ હોવા છતાં તેમાં કંઈક જુદું જુદું દેખાય. કોઈને દાઢીવાળો માણસ દેખાય, તો કોઈને ખેતરમાં ફરતું હરણ દેખાય!
ઓપ્ટિકલ ઇલ્યૂઝન ઊભું કરતી આવી ઇમેજિસ લાંબા સમયથી લોકોની જિજ્ઞાસા સંતોષતી કે વધારતી રહી છે. પરંતુ હવે તેનો ઉપયોગ એક નવી જ રીતે વિસ્તારવામાં આવી રહ્યો છે. એક કંપનીએ ’ઓપ્ટિકલ ઇલ્યૂઝન’ કન્સેપ્ટને કામે લગાડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને ગોથું ખવડાવવાની નવી કરામત શોધી છે!
તમે જાણતા જ હશો કે ઇન્ટરનેટ પર એઆઇની મદદથી ‘ડેટા સ્ક્રેપિંગ’ હવે બહુ સહેલું બની ગયું છે. એટલે કે કોઈ વેબસાઇટ પર જે કંઈ કન્ટેન્ટ આપ્યું હોય તે એઆઇ ફટાફટ વાંચી, સમજીને કોપી કરી શકે છે અને તેનો પોતાની રીતે ધારે તેવો ઉપયોગ કરી શકે છે.
મિક્સફોન્ટ નામની એક કંપનીએ એઆઇની આ ‘આવડત’ પર અંકુશ મૂકવા માટે ઓપ્ટિકલ ઇલ્યૂઝનવાળી કરામત કામે લગાડી છે. કંપનીએ એવા ફોન્ટ વિકસાવ્યા છે, જેનો ઉપયોગ કરીને કોઈ ટેકસ્ટ લખવામાં આવે તો માણસને કંઈક અલગ વાંચવા મળે અને એઆઇને તેમાં કંઈક જુદું જ વાંચવા મળે!
કંપનીએ તેના બ્લોગ પર આવા ફોન્ટથી લખાયેલાં જુદાં જુદાં લખાણોનાં ઉદાહરણો મૂક્યાં છે. આવા ખાસ પ્રકારના ફોન્ટથી લખવામાં આવેલા કન્ટેન્ટનો સ્ક્રીનશોટ લઇને તે સ્ક્રીનશોટ એઆઇ ચેટબોટને આપવામાં આવ્યો. આપણે સ્ક્રીનશોટમાં વાંચી શકીએ કે લખાણ કંઈક આવું છે ‘‘This sentence is written in decoy font” એટલે કે આ લખાણ ‘ડીકૉય’ (ભ્રમમાં નાખે એવું) ફોન્ટમાં લખવામાં આવ્યું છે. એઆઇને એ લખાણનો સ્ક્રીનશોટ આપીને પૂછવામાં આવ્યું કે આ ઇમેજમાં શું લખેલું દેખાય છે. જે લખાણ આપણને સાવ સીધુંસાદું લાગે છે એ વાંચવામાં એઆૉઇ ચેટબોટ ચકરાવે ચઢી ગયો (જુઓ ઉપરનો સ્ક્રીનશોટ). તેણે કહ્યું કે ‘‘લખાણમાંના શબ્દો કે અક્ષરો બ્લર ઇફેક્ટને કારણે વાંચવા મુશ્કેલ છે. પરંતુ મને આવું કંઈક લખેલું હોય તેવું લાગે છે.’’ એમ કહીને એઆઇએ લખાણમાં તેને જે વાંચવા મળ્યું એ કહેવાની કોશીશ કરી. સાથે તેણે સ્વીકાર્યું કે આ લખાણમાં સમજી શકાય તેવા કોઈ ઇંગ્લિશ શબ્દો લાગતા નથી! એ સાથે તેણે એ પણ કહ્યું કે આ કોઈ એનકોડેડ કે એનક્રિપ્ટેડ મેસેજ લાગે છે. અથવા, જાણી જોઇને અક્ષરો કે શબ્દોના ગરબડ ગોટાળા કરવામાં આવ્યા છે કે આ કંઈક ઓપ્ટિકલ ઇલ્યૂઝન લાગે છે, જેથી થોડે દૂરથી કે અલગ એંગલથી તેને જોવામાં આવે તો કંઈક જુદો મેસેજ તારવી શકાય. એ સાથે એઆઇએ એમ પણ કહ્યું કે ‘‘તમારો હેતુ ઇમેજમાં ક્યા અક્ષરો છે ફકત તે જાણવાને બદલે તેમાંનો છૂપાયેલો મેસેજ જાણવાનો હોય તો હું તેને એનેલાઇઝ કરી શકું.’’
જે અક્ષરો કે શબ્દો ઓળખવામાં એઆઇ ગોથાં ખાય તે ફોન્ટ આપણા મેસેજિસને ખાનગી રાખવામાં ઉપયોગી થઈ શકે. એ જ રીતે તેનો બીજો એક સ્પષ્ટ ઉપયોગ પણ છે. ઇન્ટરનેટ પર કોઈ વેબસાઇટની મુલાકાત લઇએ ત્યારે ‘કેપ્ચા’ સિસ્ટમની મદદથી આપણને બતાવવામાં આવતા જંબલ્ડ લેટર્સ આપણે ઓળખી બતાવવાના હોય છે. આ કામ આપણે માટે થોડું મુશ્કેલ હોય પરંતુ એઆઇ માટે સાવ રમત વાત હોય છે. આથી કેપ્ચામાં એઆઇ પણ ગોટે ચઢી જાય એવા ફોન્ટનો ઉપયોગ કરવામાં આવે તો કેપ્ચાનો ખરો હેતુ પાર પડે!