Science & Technology

વોટ્સએપમાં ઇવેન્ટ ફીચરમાં ફેરફાર- હવે બધું અલગ પેજ પર

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
વોટ્સએપના 'ઇવેન્ટ' ફીચરમાં હવે નવો સુધારો થયો છે. મે 2024થી ઉપલબ્ધ આ ફીચર હવે સેટિંગ્સમાં અલગ પેજ તરીકે દેખાશે. આનાથી યુઝર્સ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં ગયા વિના જ ઇવેન્ટ બનાવી, મેનેજ કરી અને શેર કરી શકશે. આ પેજ પર તમામ ઇવેન્ટ્સ એકસાથે જોઈ શકાશે, જે અંગત અને વ્યાવસાયિક ઉપયોગ બંને માટે ખૂબ ઉપયોગી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપમાં ઇવેન્ટ ફીચરમાં ફેરફાર- હવે બધું અલગ પેજ પર
  • વોટ્સએપનો પર્સનલ ઉપયોગ કરતા હો કે પ્રોફેશનલ, તેમાંનું ઇવેન્ટ ફીચર ઘણું ઉપયોગી છે

આપણી વોટ્સએપ એપમાં ‘ઇવેન્ટ’ નામે એક ફીચર છે, તેનો તમે ઉપયોગ કરો છો? તેમાં એક નવી સુવિધા આવી છે. તેની વાત કરતાં પહેલાં મૂળ ફીચર શું છે એની વાત કરી લઈએ.
મિત્રો કે નજીકના સ્વજનો સાથે તમે કોઈ નાનું ગેધરિંગ, હેન્ગઆઉટ કે ડિનર પ્લાન કર્યું હોય તો તેના માટે વોટ્સએપમાં ‘ઇવેન્ટ’ ક્રિએટ કરી શકાય છે. આપણે કોઈ પણ કોન્ટેક્ટ સાથેની વ્યક્તિગત ચેટમાં કે ગ્રૂપમાં આવી ‘ઇવેન્ટ’ ક્રિએટ કરી શકીએ. એ માટે અત્યારે આપણે વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ ચેટમાં મેસેજ ટાઇપિંગ બોક્સમાંના એટેચમેન્ટ આઇકન પર ક્લિક કરવાનું રહે છે. પછી ‘ઇવેન્ટ’નો વિકલ્પ પસંદ કરવા મળે.
ઇવેન્ટ માટે આપણે નામ આપી શકીએ તથા ટૂંકી વિગતો લખી શકાય. ઇવેન્ટ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે એ દર્શાવતી નિશ્ચિત તારીખ અને સમય પણ લખી શકાય. આપણે ઇચ્છીએ તો ઇવેન્ટનું લોકેશન ઉમેરી શકીએ. તેમ જ ઇવેન્ટ માટે વોટ્સએપ કોલની લિંક બનાવીને તેને પણ સૌ સાથે શેર કરી શકીએ. આ કોલમાં જોડાવા માટે પહેલાં આપણી મંજૂરી જરૂરી છે કે નહીં એ પણ નક્કી કરી શકાય. ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથેની ઇવેન્ટમાં આ બધી વાતો જરૂરી ન બને, પરંતુ ઓફિસ મીટિંગ કે પ્રેઝન્ટેશન જેવી કોઈ ઇવેન્ટ સેટ કરતા હોઇએ ત્યારે આ બધું કામ લાગે. આપણી ઇવેન્ટની વિગતો જેમની સાથે શેર થઈ હોય એ લોકો અન્ય એક વ્યક્તિને પણ ઇવેન્ટમાં ઉમેરી શકે એવું સેટિંગ પણ કરી શકાય.
‘ઇવેન્ટ’ ક્રિએટ કરવાની આ સગવડ વોટ્સએપમાં મે ૨૦૨૪થી મળી ગઈ છે. હવે તેમાં એક સુધારો થઈ રહ્યો છે.
હવે ‘ઇવેન્ટ’ માટે વોટ્સએપના સેટિંગ્સમાં એક અલગ પેજ ઉમેરાઈ રહ્યું છે. મતલબ કે આપણે વ્યક્તિગત ચેટ કે ગ્રૂપ ચેટમાં ગયા વિના વોટ્સએપના સેટિંગ્સમાંથી જ ‘ઇવેન્ટ’નું પેજ ઓપન કરી શકીશું. અહીંથી પહેલાંની જેમ વિવિધ વિગતો અને સેટિંગ્સ સાથે ‘ઇવેન્ટ’ ક્રિએટ કરીને અન્ય વ્યક્તિ કે ગ્રૂપ સાથે શેર કરી શકીશું.
આ પેજ પર આપણે ક્રિએટ કરેલી કે આપણને જેમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હોય તે બધી ઇવેન્ટ એક સાથે જોઈ શકાય છે. આપણે અલગ અલગ ચેટમાં જવું પડતું નથી. ‘ઇવેન્ટ’માં જેમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હોય તે લોકો જે તે ઇવેન્ટના જવાબમાં પોતાનો રિસ્પોન્સ આપી શકે છે. જે લોકો પોતે સામેલ થશે એવું કન્ફર્મ કરે તેઓ ઇવેન્ટમાં સામેલ થનારા અન્ય લોકોનાં નામ અને તેમના રિસ્પોન્સ જોઈ શકે છે.
વોટ્સએપમાં ‘ઇવેન્ટ’ ફીચર પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારના ઉપયોગ માટે કામનું છે. હવે તેનું અલાયદું પેજ મળવાથી આખી વાત વધુ સહેલી બનશે.