મેટાનાં પ્લેટફોર્મ્સ પર બિઝનેસનું પ્રમોશન મોઘું થઈ રહ્યું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષોથી ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોના નાના મોટા બિઝનેસ પોતાની બ્રાન્ડ કે પ્રોડક્ટ્સના પ્રમોશન માટે ગૂગલ અથવા મેટાના એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ ‘મેટા એડ્સ’નો ઉપયોગ કરતા હોય છે. આ બંને પ્લેટફોર્મ ઓનલાઇન એડવર્ટાઇઝિંગમાં સૌથી આગળ છે એમ કહી શકાય. જોક બંને પર પ્રમોશન અને ટાર્ગેટિંગ અમુક રીતે અલગ છે. ગૂગલમાં મોટા ભાગે જનરલ સર્ચ અથવા ગૂગલના એડવર્ટાઇઝિંગ નેટવર્કમાં સામેલ બ્લોગ્સ અને વેબસાઇટ જેવા પ્લેટફોર્મ પર પ્રમોશન કરી શકાય છે. જ્યારે મેટામાં બધું ફોકસ તેના પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યૂઝર્સમાં પ્રમોશન પર છે.
વર્ષોથી એવી એક છાપ હતી કે મેટા પર ઓછા ખર્ચે વધુ લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકાય છે. પરંતુ ધીમે ધીમે આ છાપ ભૂંસાઈ રહી છે. મેટા પર પણ ઓનલાઇન પ્રમોશન મોંઘું થતું જાય છે. કેટલાક લેટેસ્ટ અભ્યાસો બતાવે છે કે મેટા પર પ્રમોશનનો ખર્ચ આગલા વર્ષની સરખામણીમાં ૧૪ ટકા જેટલો વધ્યો છે. બીજી તરફ એટલો ખર્ચ કર્યા પછી જેટલા લોકો સુધી પહોંચી શકાય તેમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી.
અત્યારે ભારતમાં ઇન્ટરનેટનો વ્યાપ જબરો વધ્યો છે, વધુને વધુ લોકો પોતાના સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ પર એક્ટિવ થઈ રહ્યા છે. પરંતુ તેની સરખામણીમાં ઓનલાઇન જાહેરાતો જોઈને ખરેખર શોપિંગ કરનારા લોકોનું પ્રમાણ બહુ વધ્યું નથી.
પરિણામે એવી સ્થિતિ છે કે મેટાના પ્લેટફોર્મ પર વિવિધ બિઝનેસ એના એ જ લોકોનું ધ્યાન ખેંચવા માટે મથી રહ્યા છે.
ઓનલાઇન એડવર્ટાઇઝિંગ યૂઝર્સના ટાર્ગેટિંગ મુજબ ‘ઓક્શન’ આધારિત હોય છે. મતલબ કે કોઈ એક યૂઝરની નજરમાં આવવા માટે એક જ કેટેગરીની કે અલગ અલગ કેટેગરીની કંપની પ્રયાસ કરી રહી હોય તો જે કંપની વધુ રકમ ચૂકવવા તૈયાર હોય તેની જાહેરાત એ યૂઝરને બતાવવામાં આવે.
અત્યારે મેટાના પ્લેટફોર્મ પર એડવર્ટાઇઝર્સ વધી રહ્યા છે, પરંતુ યૂઝર્સ લગભગ એટલાના એટલા રહે છે તેથી એડવર્ટાઇઝર્સ વચ્ચે સ્પર્ધા પણ વધે છે. તેથી તેમનો ખર્ચ ઊંચો જાય છે.




