Science & Technology

VIDEO : અશ્વિની વૈષ્ણવની પોસ્ટ ભારે પડશે ગૂગલ મેપ્સને? : ભારતીય એપ Mapplsનો ઉપયોગ કરવા લોકોને કરી વિનંતી

By GS Team
13 Oct 20254 mins read
TukuTouch Logo
વોટ્સએપની હરિફ સ્વદેશી એપ Arattai બાદ હવે ગૂગલ મેપ્સને પણ ટક્કર આપવા આવી રહી છે ભારતીય એપ Mappls. આ બન્ને ભારતીય ઍપ્લિકેશન્સ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ઍપ્લિકેશનનો લોકો ઉપયોગ કરે એ માટે કેબિનેટ મિનિસ્ટર દ્વારા એને પ્રમોટ કરવામાં આવી રહી છે. ભારત હવે વિદેશી ઍપ્લિકેશન્સ કરતાં સ્વદેશી ઍપ્લિકેશન્સ પર વધુ નિર્ભર રહેવા માગે છે. આથી તેમના દ્વારા હવે લોકો વધુને વધુ ભારતીય ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરે એ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : અશ્વિની વૈષ્ણવની પોસ્ટ ભારે પડશે ગૂગલ મેપ્સને? : ભારતીય એપ Mapplsનો ઉપયોગ કરવા લોકોને કરી વિનંતી

Swadeshi App Mappls: વોટ્સએપની હરિફ સ્વદેશી એપ Arattai બાદ હવે ગૂગલ મેપ્સને પણ ટક્કર આપવા આવી રહી છે ભારતીય એપ Mappls. આ બન્ને ભારતીય ઍપ્લિકેશન્સ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ઍપ્લિકેશનનો લોકો ઉપયોગ કરે એ માટે કેબિનેટ મિનિસ્ટર દ્વારા એને પ્રમોટ કરવામાં આવી રહી છે. ભારત હવે વિદેશી ઍપ્લિકેશન્સ કરતાં સ્વદેશી ઍપ્લિકેશન્સ પર વધુ નિર્ભર રહેવા માગે છે. આથી તેમના દ્વારા હવે લોકો વધુને વધુ ભારતીય ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરે એ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

એક પોસ્ટ કરતાં દસ ટકા શેરના ભાવમાં વધારો

રેલવે અને ટેલિકોમ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવની એક પોસ્ટ કંપની માટે ખૂબ જ ફાયદાકારક નિવડી છે. અશ્વિની વૈષ્ણવ એક-એક કરીને ઘણી ભારતીય કંપનીઓને તેમના સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી રહ્યા છે. આ વખતે તેમણે મેપમાયઇન્ડિયાની એપ ‘Mappls’ને પ્રમોટ કરી છે. X પર કરવામાં આવેલી આ પોસ્ટને કારણે CE Info Systemના શેરની કિંમત 10.7 ટકા વધી ગઈ છે.

સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો પોસ્ટ

અશ્વિની વૈષ્ણવ દ્વારા મેપનો ઉપયોગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરીને તેમણે પોસ્ટ કર્યું હતું કે ‘મેપમાયઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી Mappls એક સ્વદેશી એપ છે. એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે એમાં ઘણાં સારા ફીચર્સ છે.’

Mappls વિશે સારી વાતો કહેતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે જ્યારે પણ અંડરપાસ રોડ અને ઓવરબ્રિજ આવે છે ત્યારે Mappls દ્વારા 3D વ્યૂ દ્વારા એ દેખાડવામાં આવે છે. કોઈ બિલ્ડિંગમાં ઘણાં બધા ફ્લોર હશે તો પણ એ દેખાડશે કે કઈ દુકાનમાં જવાનું છે. તેમણે દરેક વ્યક્તિને આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે વિનંતી કરી છે.

રેલવેમાં કરવામાં આવશે Mapplsનો ઉપયોગ

અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર બહુ જલદી રેલવે અને મેપમાયઇન્ડિયા વચ્ચે એક MoU સાઇન કરવામાં આવશે. એ સાઇન થતાં જ મેપમાયઇન્ડિયાના તમામ ફીચર્સનો ઉપયોગ રેલવે કરી શકશે. મેપમાયઇન્ડિયા એક ભારતીય કંપની છે અને એની પેરન્ટ કંપની CE Info System છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમની કારમાં આવેલા એપલ કારપ્લેમાં આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એપનો ઉપયોગ કરતાં તેમણે ફીચર્સ વિશે વાતો કરી છે અને ગૂગલ મેપ્સની જેમ રિયલ-ટાઇમ નેવિગેશન વિશે પણ જણાવ્યું છે.

Arattaiમાં કરવામાં આવશે Mapplsનો સમાવેશ?

વોટ્સએપમાં જે રીતે મેપનો સમાવેશ કરવામાં આવે છે એ રીતે હવે Arattaiના યુઝર્સ સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે એમાં Mapplsનો સમાવેશ કરવો જોઈએ. બન્ને સ્વદેશી ઍપ્લિકેશન્સ હોવાથી એકમેકનો ઉપયોગ કરી શકે છે એવું યુઝર્સનું કહેવું છે. આ વિશે મેપમાયઇન્ડિયાના ડિરેક્ટર રોહન વર્માની પણ ઇચ્છા છે કે તેમની એપનો સમાવેશ Arattaiમાં કરવામાં આવે. આ માટે તેમણે પોસ્ટ કરીને એક લિંક પણ શેર કરી છે. તેમણે કહ્યું છે કે Mappls API અને SDKનો ઉપયોગ કરીને એને Arattaiમાં ઇન્ટિગ્રેટ કરી શકાય છે. આ માટે ઇન્ટિગ્રેશન કેવી રીતે કરવું એ માટેની વિગતો પણ તેમણે શેર કરી છે.

મેપમાયઇન્ડિયાનું Mappls કેવી રીતે કામ કરે છે?

CE Info System એ Mappls અને મેપમાયઇન્ડિયાની પેરન્ટ કંપની છે. આ કંપની લોકેશન પર આધારિત IoT પ્રોડક્ટ અને પ્લેટફોર્મ બનાવે છે. આ કંપની અનુસાર Mappls ખાસ કરીને ભારત માટે બનાવવામાં આવી છે. એના પર ખૂબ જ લોકલ સ્થળ પરના લોકેશન શોધી શકાય છે. એના પર કોઈ પણ ગલી, કોઈ પણ સોસાયટી અને ગામનું પણ એડ્રેસ શોધી શકાય છે. એમાં Mappls પિન નામનું ફીચર પણ છે જેનાથી કોઈની પણ સાથે લોકેશન પણ શેર કરી શકાશે. આ ગૂગલ મેપ્સના પિન ફીચરની જેમ જ કામ કરે છે.

આ પણ વાંચો: ઈલોન મસ્કે શરૂ કર્યું સાફ-સફાઈ અભિયાન, એક્સ પરથી કાઢ્યા 1.7 મિલિયન બોટ્સ એકાઉન્ટ

Mapplsમાં કયા ખાસ ફીચર્સ છે?

ભારતના રસ્તાઓ માટે એમાં સ્પીડ બ્રેકર, ખાડા, ટોલ નાકા, રોડબ્લોક, લોકલ લેનનું નામ જેવા વગેરે ફીચર્સ મળી રહેશે. રિયલ વ્યૂ 360 દ્વારા ભારતના જાણીતા સ્થળની ઝલક પણ જોવા મળી શકે છે. આ એપનો હિન્દી અને ભારતની અન્ય ભાષાઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. રોડ સેફ્ટી ઍલર્ટ, મૌસમની જાણકારી, હવાની ગુણવત્તા જેવી વગેરે જાણકારી આપવામાં આવશે. ઇન્ટરનેટ ન હોય એવી જગ્યા પર જઈ રહ્યા હોય તો પહેલાં મેપને ડાઉનલોડ કરી ઓફલાઇન ઉપયોગ કરી શકાશે. આ ઍપ્લિકેશનની તમામ માહિતી અને ડેટા ભારતમાં જ સ્ટોર કરવામાં આવશે.