આઇફોનની નવી અપડેટ યુઝર્સ માટે ફરજિયાત!: નેટવર્ક, કેમેરા અને સિક્યોરિટીમાં મહત્ત્વપૂર્ણ સુધારા
iPhone New Update: એપલ દ્વારા નવી iOS 26.0.1 અપડેટ લોન્ચ કરવામાં આવી છે. એપલ દ્વારા આઇફોન 17ની લોન્ચ ઇવેન્ટ બાદ iOS 26 લોન્ચ કરી હતી. આ અપડેટના થોડા દિવસ બાદ એપલ દ્વારા નવી અપડેટ લોન્ચ કરવામાં આવી છે અને એને યુઝર્સને તરત જ અપડેટ કરવા માટેની સલાહ આપવામાં આવી છે. iOS 26માં થોડી ઘણી નાની-નાની સમસ્યા હતી જેને iOS 26.0.1માં ફિક્સ કરવામાં આવી છે. iOS 26ની અપડેટ બાદ કેટલાક યુઝર્સને તકલીફ આવી રહી હતી. ઘણાં યુઝર્સ દ્વારા બેટરી જલદી પૂરી થઈ જવાની વાત કરવામાં આવી હતી. તો કેટલાક યુઝર્સને નેટવર્કમાં પ્રોબ્લેમ આવી રહ્યા હતા. આથી વિવિધ સમસ્યાને દૂર કરીને એપલ દ્વારા નવી અપડેટ લોન્ચ કરવામાં આવી છે.
iOS 26.0.1માં કયા ઇશ્યુનો ઉકેલ આવ્યો?
વાઇ-ફાઇ અને બ્લૂટૂથ : કેટલાક આઇફોન 17, આઇફોન એર અને આઇફોન 17 પ્રો યુઝર્સને વાઇ-ફાઇ અને બ્લૂટૂથ કનેક્ટ કરવામાં તકલીફ પડી રહી હતી. આ ઇશ્યુને એપલ દ્વારા નવી અપડેટમાં દૂર કરવામાં આવી છે.
સેલ્યુલર નેટવર્ક ઇશ્યુ : iOS 26ના અપડેટ બાદ કેટલાક આઇફોનમાં નેટવર્ક કનેક્ટ નહોતું થઈ રહ્યું. આથી તેઓ ફોન અને મેસેજ નહોતા કરી શકતા. આથી એપલ દ્વારા આ સેલ્યુલર કનેક્ટિવિટીના ઇશ્યુને પણ દૂર કરવામાં આવ્યું છે.
કેમેરા : કેટલાક આઇફોનમાં ફોટો ક્લિક કર્યા બાદ એના વિઝ્યુઅલમાં ગ્લિચ આવી રહી હતી. એથી ફોટો સારા નહોતા પડી રહ્યા. કંપનીએ એના પર પણ ખૂબ જ કામ કર્યું છે અને આ ઇશ્યુને દૂર કરતાં જણાવ્યું છે કે હવે એક પણ યુઝર્સમાં એ ખામી જોવા નહીં મળે.
એપ આઇકન ગ્લિચ : iOS 26ની અપડેટ બાદ કેટલાક યુઝર્સની સ્ક્રીન પર આઇકન ગાયબ થઈ જતા હતા. તેઓ જ્યારે પેજ સ્વાઇપ કરે કે આઇકનની જગ્યા ખાલી દેખાતી હતી. ખાસ કરીને ત્યારે જ્યારે યુઝર્સ દ્વારા કસ્ટમ ટિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ ખામી પણ દૂર કરવામાં આવી છે.
વોઇસઓવર એક્સેસિબિલિટી : નવી અપડેટ પછી વોઇસઓવર એક્સેસિબિલિટીમાં પણ તકલીફ આવી રહી હતી. આ ફીચર દરેક વ્યક્તિ ઉપયોગ નથી કરતું, પરંતુ જે કરે છે તેમને એ વિશે ખબર હશે. જોકે હવે એને પણ દૂર કરી દેવામાં આવી છે.
સિક્યોરિટી પેચ : કંપની મુજબ આ અપડેટમાં ખૂબ જ જરૂરી સિક્યોરિટી પેચ પણ આપવામાં આવ્યું છે. આ અપડેટ કરવાથી આઇફોન વધુ સિક્યોર થઈ જશે. એથી પહેલાં સિક્યોરિટીમાં જે ખામી હતી એને દૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સ ખૂબ જ જોખમમાં, બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો
કેવી રીતે કરશો અપડેટ?
જો યુઝર્સે પહેલેથી iOS 26 અપડેટ કરી હશે તો સેટિંગ્સમાં જઈને જનરલમાં ગયા બાદ સોફ્ટવેર અપડેટમાં જતાં યુઝર્સને iOS 26.0.1 જોવા મળશે. ત્યાં એને અપડેટ કરી દેવી. જો યુઝર્સ પાસે iOS 18નું વર્ઝન હશે તો સોફ્ટવેર અપડેટમાં જતાં ત્યાં અપગ્રેડ ટૂ iOS 26.0.1 જોવા મળશે. એના પર ક્લિક કરવાથી નવી લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ થઈ જશે.