Anthropic Warns Claude AI Reaches Recursive Self-Improvement : જાણીતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની 'એન્થ્રોપિક'ના તાજેતરના અહેવાલે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. કંપનીના જણાવ્યાનુસાર, તેમનું પ્રખ્યાત AI મોડલ Claude એટલી ઝડપથી ‘આપોઆપ જ વિકસી’ રહ્યું છે કે હવે નવી પેઢીના AI સિસ્ટમ્સ બનાવવા તેને માણસોની જરૂર જ નથી રહી. આ પ્રગતિ જેટલો રોમાંચક છે, તેટલો જ ચિંતાજનક પણ છે.
જૂના જમાનાની કોડિંગથી લઈને આજના 'સુપર એજન્ટ્સ' સુધીની સફર
એન્થ્રોપિકે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં AI નો વિકાસ કેવી રીતે અકલ્પનીય ગતિએ થયો છે.
- શરૂઆતનો તબક્કો: શરૂઆતમાં એન્જિનિયરો જાતે કલાકો સુધી મેન્યુઅલી કોડ લખતા હતા.
- ચેટબોટ્સનો ઉમેરો: ત્યારબાદ ચેટબોટ્સ આવ્યા, જે માણસોને કોડિંગના નાના-મોટા કામમાં મદદ કરતા હતા.
- કોડિંગ એજન્ટ્સ: આ વ્યવસ્થા આગળ વધીને 'કોડિંગ એજન્ટ્સ' માં બદલાઈ, જે પોતાની મેળે જ આખી ફાઈલો લખવા અને સુધારવા લાગ્યા.
- આજનો સમય: આજના AI એજન્ટો માત્ર કોડ રન જ નથી કરતા, પરંતુ આપોઆપ જટિલ કાર્યો પૂરા કરે છે અને બીજા એજન્ટોને કામ પણ સોંપે છે.
- આગામી તાર્કિક પગલું: હવે AI પોતે જ ભવિષ્યના નવા અને વધુ એડવાન્સ AI મોડેલોને ડિઝાઇન કરી રહ્યું છે અને ટ્રેનિંગ (તાલીમ) આપી રહ્યું છે.

Claudeની અકલ્પનીય પ્રગતિ
જાહેર માપદંડો અને કંપનીના આંતરિક ડેટા દર્શાવે છે કે AI ની કામ કરવાની ક્ષમતા દર 4 મહિને બમણી થઈ રહી છે, જે અગાઉ દર 7 મહિને થતી હતી. ક્લાઉડ મોડલના વિવિધ વર્ઝનની પ્રગતિ નીચે મુજબ જોઈ શકાય છે.
- માર્ચ 2024 માં Claude Opus 3 મોડલ એકી સમયે એટલું જ કામ કરી શકતું હતું જેટલું કામ કરવા માટે એક માણસને 4 મિનિટનો સમય લાગે.
- માર્ચ 2025 સુધીમાં Claude Sonnet 3.7 મોડલ માણસ દ્વારા 90 મિનિટ સુધી ચાલતા જટિલ કાર્યો જેટલું કામ કરતું થઈ ગયું.
- વર્ષ 2026 સુધીમાં Claude Opus 4.6ની ક્ષમતા 12 કલાક સુધીના ભારે માનવપ્રયાસ જેટલા કામ કરવા સુધી પહોંચી ગઈ છે.
ઉત્પાદકતામાં ભારે ઉછાળો અને સેલ્ફ-ઈમ્પ્રુવમેન્ટ
આજે સ્થિતિ એ છે કે એન્થ્રોપિક કંપની તેની નવી AI સિસ્ટમ્સ બનાવવા માટે જે કોડ વાપરે છે, તેમાંથી મોટાભાગનો કોડ ક્લાઉડ પોતે જ લખે છે. આના કારણે એન્જિનિયરોની ઉત્પાદકતામાં ભારે ઉછાળો આવ્યો છે. આજે એક સરેરાશ એન્જિનિયર 2024 ની સરખામણીએ દરરોજ લગભગ 8 ગણો વધુ કોડ ઉત્પન્ન કરી શકે છે.
એટલું જ નહીં, મે 2026 ના ડેટા અનુસાર, મુશ્કેલ કોડિંગ કાર્યો પર ક્લાઉડનો સફળતાનો દર માત્ર 6 મહિનામાં જબરદસ્ત વધીને 76% થઈ ગયો છે અને તેણે આંતરિક પ્રોજેક્ટ્સના તમામ મુખ્ય સંશોધન પડકારો ઉકેલી નાખ્યા છે.
એન્થ્રોપિકના મતે આ ટ્રેન્ડ ભવિષ્યમાં સેલ્ફ-ઈમ્પ્રુવમેન્ટ તરફ પણ જઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં AI માણસની મદદ વગર પોતાના જ નવા અને વધુ સ્માર્ટ વર્ઝનને બિલ્ડ (build) અને ટ્રેઇન (train) કરી શકશે.

ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓ
કંપનીએ ભવિષ્યની ત્રણ સંભવિત પરિસ્થિતિ દર્શાવી છે.
- AI ના સ્વ-વિકાસની પ્રગતિ ધીમી પડી જાય.
- AI માણસોના સંપૂર્ણ નિયંત્રણમાં રહીને હેલ્થકેર, સાયન્સ અને પ્રોડક્ટિવિટી ક્ષેત્રે મોટા ફાયદા આપતું રહે.
- AI સંપૂર્ણ સ્વાયત્ત બનીને પોતાના વારસદારો બનાવવા લાગે.
વર્તમાન પુરાવા મુજબ, બીજી પરિસ્થિતિ થવાની સંભાવના સૌથી વધુ છે. રાહતની વાત એ છે કે હજુ પણ મોટા અને વ્યાપક દૃષ્ટિકોણ, વ્યાપારી અને વ્યૂહાત્મક નિર્ણયો લેવા, તેમજ કઈ સમસ્યા પહેલા ઉકેલવી તે નક્કી કરવામાં માણસો AI કરતાં ઘણાં આગળ છે.
AI ના વિકાસને રોકવાની ચેતવણી કેમ?
હવે ખરો પડકાર વધુ સક્ષમ AI બનાવવાનો નથી, પણ તેની સામે માનવ દેખરેખ, સમીક્ષા અને સુરક્ષા જાળવવાનો છે. જો AI નો વિકાસ સમાજ અને સરકારોની સંભાળવાની ક્ષમતા કરતાં વધુ ઝડપી થઈ જશે, તો મોટું જોખમ ઊભું થઈ શકે છે.
આ કારણસર એન્થ્રોપિક સૂચવે છે કે જો સ્થિતિ નિયંત્રણ બહાર જાય, તો વિશ્વની સરકારો અને અગ્રણી AI કંપનીઓએ સાથે મળીને સૌથી અદ્યતન AI મોડેલોના વિકાસ પર કામચલાઉ બ્રેક મારવા માટે તૈયાર રહેવું જોઈએ. જોકે, કંપનીએ એવી પણ ચેતવણી આપી છે કે આ વિરામ 'વૈશ્વિક સ્તરે સંકલિત' (Globally Coordinated) હોવો જોઈએ. જો કોઈ એક કંપની કે એક દેશ એકપક્ષીય રીતે પોતાનો વિકાસ ધીમો કરશે, તો ઓછા સુરક્ષિત અને બેદરકાર હરીફો રેસમાં આગળ નીકળી જશે, જે આખી દુનિયા માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
AI ક્ષેત્રે સંતુલન જરૂરી
AI ટેક્નોલોજીનો આ અસાધારણ વેગ માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ તે સંતુલન માગે છે. આપણે હજી સંપૂર્ણપણે માનવ-રહિત AI ના તબક્કે પહોંચ્યા નથી, પરંતુ એન્થ્રોપિકની આ ચેતવણી સ્પષ્ટ કરે છે કે ભવિષ્ય આપણી ધારણા કરતાં ઘણું વહેલું આવી રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક નિયમનકારો અને સમાજ જાગૃત થાય અને ટેક્નોલોજીના આ ઘોડાપૂરને સુરક્ષિત રાખવાના નિયમો અત્યારથી જ ઘડવાનું શરૂ કરે.


