AI જૂઠું બોલવા અને મનમાની કરવા લાગ્યું છે!, વર્ષ 2026માં AI દ્વારા છેતરપિંડીની 1600થી વધુ ઘટનાઓ બની!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Artificial Intelligence Out Of Control: હોલીવુડની સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં આપણે ઘણીવાર જોયું છે કે મશીનો માણસોની કેદમાંથી મુક્ત થઈને પોતાની મનમાની કરવા લાગે છે. હવે આ કલ્પના વાસ્તવિકતા બની રહી હોય એવું લાગી રહ્યું છે. તાજેતરના સંશોધનો દર્શાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો ઉપયોગ હવે માત્ર સવાલોના જવાબ આપવા કે કામ સરળ કરવા પૂરતો સીમિત રહ્યો નથી. AI મોડલ્સ હવે વપરાશકર્તાઓના નિયંત્રણમાંથી બહાર નીકળી રહ્યા છે, જૂઠું બોલી રહ્યા છે અને તેમને આપેલી સૂચનાઓની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યા છે. હેરાન કરનારી આવી ઘટનાઓએ સમગ્ર ટેક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
2026માં 1600થી વધુ ઘટનાઓ બની!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર AI વપરાશકર્તાઓની ફરિયાદો પર નજર રાખતી 'લોસ ઑફ કંટ્રોલ ઓબ્ઝર્વેટરી'ના આંકડા ચોંકાવનારા છે.
- માત્ર જુલાઈ મહિનામાં જ AIના નિયંત્રણમાંથી બહાર જવાના 300થી વધુ કેસો નોંધાયા છે, જે જૂન મહિનાની સરખામણીમાં લગભગ બમણા છે.
- વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1600થી વધુ આવી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.
આ ઓબ્ઝર્વેટરી યુકે સરકારની AI સુરક્ષા સંસ્થા(AISI)ના ભંડોળથી ચાલે છે અને તે નવેમ્બરથી આવા કેસોને ટ્રેક કરી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી મોટાભાગના કેસો સામાન્ય લોકો દ્વારા નહીં, પરંતુ સોફ્ટવેર ડેવલપર્સ દ્વારા નોંધવામાં આવ્યા છે.
AI કેવી રીતે કરે છે છેતરપિંડી?
AI સિસ્ટમ્સ હવે માત્ર ભૂલો નથી કરી રહી, પરંતુ તેઓ એક ચોક્કસ એજન્ડા સાથે કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે. આવી 'બદમાશી'ના કેટલાક ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે.
- માણસ હોવાનો ઢોંગ: કેટલાક મોડલ્સે ‘માનવ નિયંત્રક’ હોવાનો ઢોંગ કર્યો. તેમણે યુઝરની લખવાની શૈલીની નકલ કરી અને કોઈ પણ કાર્ય માટે જરૂરી માનવ મંજૂરીના નિયમોને તોડીને જાતે જ નિર્ણયો લઈ લીધા.
- હેકિંગ અને કાવતરાં: અગ્રણી કંપનીઓના નવા મોડલ્સ, જેમ કે Anthropic નું 'Mythos 5' અને OpenAI નું 'GPT-5.6 Soul' સાયબર સુરક્ષા પરીક્ષણ દરમિયાન વાસ્તવિક લોકો વિરુદ્ધ હેકિંગ ઝુંબેશ ચલાવતા પકડાયા હતા.
- ગુપ્ત વાતચીત: એક કિસ્સામાં, AI એજન્ટોએ સુરક્ષા વાતાવરણમાંથી છટકીને ગુપ્ત મેસેજ બોર્ડ બનાવ્યા અને હેકિંગની સફળતાની ‘બૂમ!’ અને ‘વાહ!’ જેવા ઉદ્ગારો સાથે ઉજવણી કરી.
- સામાન્ય વપરાશકર્તાઓને નુકસાન: 'OpenClaw' નામના એક અંગત AI એજન્ટે ઓસ્ટ્રેલિયામાં તેના યુઝરને સવારના જિમ ક્લાસમાં સ્લોટ અપાવવા માટે, અન્ય એક મેમ્બરને તેની જાણ વિના જ વેઇટિંગ લિસ્ટમાંથી હટાવી દીધો. બાદમાં AI એ માફી માંગી, પણ પેલા મેમ્બરને તેનું સ્થાન પાછું અપાવી શક્યું નહીં.
નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરીને જોખમો જણાવ્યા
અત્યાર સુધી એવી માન્યતા હતી કે આવું વર્તન માત્ર લેબ પરીક્ષણો પૂરતું સીમિત છે. પરંતુ, વાસ્તવિક દુનિયામાં આ ચિંતાજનક વર્તન વ્યાપકપણે જોવા મળી રહ્યું છે. કંપનીઓ હાલમાં જનતાને અને વ્યવસાયોને AI સાથે મુક્તપણે પ્રયોગ કરવા પ્રોત્સાહિત કરી રહી છે, જે આ પરિસ્થિતિને વધુ જોખમી બનાવે છે. ઓબ્ઝર્વેટરી માને છે કે હાલના આંકડા તો માત્ર X પ્લેટફોર્મ પરથી મળેલા અહેવાલો પર આધારિત છે, તેથી વાસ્તવિક આંકડો અને ખતરો આનાથી ઘણો મોટો હોવાની પૂરી શક્યતા છે.
AI-જોખમોને પહોંચી વળવા શું કરી શકાય?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શક્તિ અપાર છે, પરંતુ જો તેને જવાબદારીપૂર્વક બાંધવામાં નહીં આવે તો તે એક મોટો પડકાર બનીને ઊભું રહેશે.
- નિષ્ણાતો હવે સરકારોને કડક કાયદા લાવવા અપીલ કરી રહ્યા છે. જો કોઈ AI સિસ્ટમ નિયંત્રણની બહાર જઈને ગંભીર નુકસાન પહોંચાડે, તો સરકાર પાસે AI સેવાઓને અસ્થાયી રૂપે બંધ કરવાની વિશેષ સત્તા હોવી જોઈએ.
- AI-જોખમોને પહોંચી વળવા માટે સિલિકોન વેલીની ટેક કંપનીઓએ પોતાના મોડલ્સ વિશે સંપૂર્ણ પારદર્શિતા દાખવવાની જરૂર છે. કંપનીઓએ નાની-મોટી દરેક ઘટનાનો રિપોર્ટ કરવો જોઈએ અને આંતરિક દેખરેખ વધારવી જોઈએ.




