સ્નેપચેટમાં એઆઇ-જનરેટેડ કન્ટેન્ટને ઓછું પ્રમોટ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને તેના જેવી વિવિધ સોશિયલ મીડિયા સર્વિસમાં હવે એઆઇ જનરેટેડ કન્ટેન્ટનો વધુ પડતો ભરાવો થઈ ગયો છે. અગાઉ આપણને જીવતાજાગતા વાસ્તવિક લોકોના વીડિયો અને અન્ય પ્રકારનું કન્ટેન્ટ જોવા મળતું, તેને સ્થાને હવે અસલી લોકોના પણ એઆઇ જનરેટેડ વીડિયો દેખાવા લાગ્યા છે!
આ પ્રકારના વીડિયો જનરેટ કરવા હવે બહુ સહેલા બન્યા છે. તમે નિશ્ચિત એપમાં જાઓ, તમારા મનમાં જે પ્રકારનો વીડિયો જનરેટ કરવાની કલ્પના હોય તેને યોગ્ય રીતે વિગતવાર પ્રોમ્પ્ટમાં રજૂ કરો. રેફરન્સ ઇમેજિસ આપો એટલે બાકીનું બધું કામ એ એપ સંભાળી લે છે અને આપણે કહીએ એ પ્રકારનો વીડિયો જનરેટ કરી આપે છે.
આવા વીડિયોનું ક્રિએશન પ્રમાણમાં સહેલું છે તેમ હાલ પૂરતું લોકોને પણ આવા વીડિયો જોવામાં રસ પડી રહ્યો છે. એટલે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવા વીડિયોને વધુ પ્રમાણમાં પ્રમોટ કરી રહ્યા છે. એ કારણે સોશિયલ મીડિયા પર એઆઇ જનરેટેડ કન્ટેન્ટનું પ્રમાણ તેજ ગતિએ વધી રહ્યું છે.
પરંતુ કેટલીક સોશિયલ મીડિયા કંપનીને હવે લાગી રહ્યું છે કે આ ટ્રેન્ડ બહુ લાંબો ચાલશે નહીં. એ કારણે સ્નેપચેટ જેવી એપ (કંપનીનું નામ ‘સ્નેપચેટ’માંથી બદલાઈને ‘સ્નેપ’ થયું છે) હવે અન્ય સોશિયલ મીડિયાથી અલગ દિશામાં જઈ રહી છે. સ્નેપચેટનું અલ્ગોરિધમ હવે ‘એઆઇ સ્લોપ’ને પ્રમોટ કરતું નથી. આમ તો કંપની પોતે એઆઇ ક્રિએશન ટૂલ્સ ઓફર કરી રહી છે અને તેનો ઉપયોગ ચાલુ જ રાખવામાં આવશે પરંતુ કંપની પૂરેપૂરા એઆઇ જનરેટેડ કન્ટેન્ટને બદલે ઓથેન્ટિક અને ઓરીજનલ ક્રિએટિવિટીથી તૈયાર થતા કન્ટેન્ટને વધુ પ્રમોટ કરશે.
આમ કંપની એઆઇ જનરેટેડ કન્ટેન્ટ પર સદંતર રોક મૂકી રહી નથી પરંતુ તેને આ રીતે એઆઇની મદદથી તૈયાર થયેલા કન્ટેન્ટ પર સ્પષ્ટપણે એવો ઉલ્લેખ પણ જોવા મળશે.
અત્યારે લિંક્ડઇન તથા યુટ્યૂબ જેવી અન્ય કંપની પણ એવી સુવિધા આપવા લાગી છે કે યૂઝર પોતે વિવિધ કન્ટેન્ટ એઆઇ જનરેટેડ હોવાની નોંધ મૂકી શકે. આવા કન્ટેન્ટમાંથી આવક ઊભી કરવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.









