7000 કર્મચારીઓ AIમાં મોકલ્યા બાદ માર્ક ઝુકરબર્ગે કહ્યું, 'ધારણા મુજબ નથી થઈ રહી AIમાં પ્રોગ્રેસ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta Not Good On AI: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે કંપનીમાં ચાલી રહેલા મોટા માળખાકીય ફેરફારો અંગે આંતરિક ટાઉન હોલ મીટિંગમાં કેટલીક મહત્ત્વની ખામીઓ સ્વીકારી છે. એક અહેવાલ અનુસાર, ઝુકરબર્ગે કર્મચારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે 'AI એજન્ટ્સ' તરીકે ઓળખાતી સિસ્ટમ્સ ધાર્યા પ્રમાણે ઝડપથી પ્રગતિ કરી શકી નથી. આ સાથે જ તેમણે સ્વીકાર્યું કે મોટા પાયે કરાયેલી છટણી સહિતના કંપનીના નિર્ણયો જેટલા વ્યવસ્થિત હોવા જોઈતા હતા તેટલા રહ્યા નથી અને એક્ઝિક્યુટિવ્સ આ ફેરફારોના ટાઈમિંગની ગણતરી કરવામાં થાપ ખાઈ ગયા છે.
મેટાના મેનેજમેન્ટે વર્ષની શરૂઆતમાં લીધેલા નિર્ણયોની નકારાત્મક અસરોને ઓછી કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. કંપનીએ તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી આશરે 10% સ્ટાફની છટણી કરી હતી અને આશરે 7,000 કર્મચારીઓને AI-કેન્દ્રિત ટીમોમાં ટ્રાન્સફર કર્યા હતા. કંપનીના આ આકરા પગલાં સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વર્ક કલ્ચરના મોરલ પર પણ તેની માઠી અસર પડી હતી.
AI માળખા પાછળ અબજો ડોલરનો ખર્ચ છતાં પરિણામ બાકી
મેટાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરવા અને AI-આસિસ્ટડ વર્ક દ્વારા કાર્યક્ષમતા વધારવા માટે આ પુનર્ગઠન કર્યું હતું. ઝુકરબર્ગે જણાવ્યું કે, "જો પાછળ વળીને જોઈએ તો, છેલ્લા 4 મહિનામાં એજન્ટિક ડેવલપમેન્ટની ગતિ અમારી અપેક્ષા મુજબ ઝડપી રહી નથી અને નવી સિસ્ટમ પર અમે લગાવેલો દાવ હજુ સુધી સંપૂર્ણપણે સફળ સાબિત થયો નથી." અત્રે ઉલ્લેખનીય છે કે, AI એજન્ટ્સ એવી ઓટોમેટેડ સિસ્ટમ્સ છે જે યુઝર વતી જાતે જ જટિલ કાર્યો કરી શકે છે.
જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આ ફેરફારોનું પ્લાનિંગ થઈ રહ્યું હતું, ત્યારે કંપનીના ટોચના અધિકારીઓને ચિંતા હતી કે જો તેઓ ઝડપથી ફેરફાર નહીં કરે તો પાછળ રહી જશે. તે સમયે એક્ઝિક્યુટિવ્સ AI સ્ટાર્ટઅપ એન્થ્રોપિકના 'ક્લોડ કોડ' જેવા ટૂલ્સને લઈને અતિશય આશાવાદી હતા. મેટા આ વર્ષે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 145 અબજ ડોલર સુધીનો જંગી ખર્ચ કરે તેવી સંભાવના છે. જોકે, ઝુકરબર્ગને આશા છે કે આગામી 3થી 6 મહિનામાં આ રોકાણના વધુ સારા પરિણામો મળવાનું શરૂ થઈ જશે.
માઉસ-ટ્રેકિંગ સોફ્ટવેર વિવાદ પર સ્પષ્ટતા
આ જ ટાઉન હોલમાં મેટાના ચીફ ટેકનોલોજી ઓફિસર એન્ડ્રુ બોસવર્થે કંપનીના વિવાદાસ્પદ 'માઉસ-ટ્રેકિંગ સોફ્ટવેર' અંગે સ્પષ્ટતા કરી હતી. તાજેતરમાં ડેટા સિક્યોરિટીના ભંગની એક ઘટના બાદ સોફ્ટવેરની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું છે કે AIની ટ્રેનિંગમાં કોઈપણ કર્મચારીનો પર્સનલ ડેટા લીક થયો નથી.
મેટાએ આ સોફ્ટવેર પ્રોગ્રામને હાલ પૂરતો અટકાવી દીધો છે, જે AI ટ્રેનિંગ માટે કર્મચારીઓના માઉસ મૂવમેન્ટ્સ અને ડિજિટલ એક્ટિવિટી પર નજર રાખતો હતો. બોસવર્થે જણાવ્યું કે જો આ પ્રોગ્રામ ફરી શરૂ કરવામાં આવશે, તો તે 'ઓપ્ટ-ઇન' બેઝિસ પર જ રહેશે, એટલે કે જે કર્મચારી સહમત હશે તેના જ કમ્પ્યુટર પર આ ટ્રેકિંગ થશે. અગાઉ એપ્રિલ મહિનામાં જ્યારે યુએસના કર્મચારીઓના કમ્પ્યુટરમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાયો ત્યારે કર્મચારીઓ પાસે આ પ્રોગ્રામમાંથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નહોતો.









