સોશિયલ મીડિયા પછી હવે શોર્ટ વીડિયો આવે છે એક નવી જગ્યાએ

ઇન્ટરનેટ પર ચારે તરફ શોર્ટ વીડિયોની બોલબાલા છે. ભારતમાં એક સમયે ટિકટોક એપ
પર આવા વીડિયોએ જોરદાર ધમાલ મચાવી હતી. ભારત સરકારે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા પછી
એ જગ્યા ઇન્સ્ટાગ્રામની રીલ્સે લઇ લીધી. ઇન્સ્ટાગ્રામ રીલ્સની જબરજસ્ત
પોપ્યુલારિટીને પગલે યુટ્યૂબે પણ શોર્ટ વીડિયો લોન્ચ કર્યા.
અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ તથા યુટ્યૂબ મુખ્યત્વે આ ચાર એપમાં શોર્ટ વીડિયોની મજા લઇએ છીએ. જો
તમે એક્સ, થ્રેડ્સ, સ્નેપચેટ કે પિન્ટરેસ્ટ જેવી એપમાં એક્ટિવ હો તો તેમાં પણ શોર્ટ વીડિયો ક્લિપ્સ તમારો સાથે વધુ સમય
ચોરી જતી હશે.
હવે આવા શોર્ટ વીડિયો આપણને નવી એક જગ્યાએ જોવા મળશે - ગૂગલ પ્લે સ્ટોરમાં!
જોકે પ્લે સ્ટોરમાં ઉમેરાઈ રહેલા શોર્ટ વીડિયો યુટ્યૂબ કે અન્ય સોશિયલ મીડિયા
પરના શોર્ટ વીડિયો કરતાં અલગ હશે. અહીં આપણને પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ વિવિધ એપ્સ
વિશેના વીડિયો જોવા મળશે.
તમારા પ્લે સ્ટોરમાં આ ફીચર ઉમેરાઈ ગયા પછી તમે પ્લે સ્ટોર એપ ઓપન કરશો ત્યારે
તેમાં પહેલાં શોર્ટ, વર્ટિકલ વીડિયોઝ જોવા મળશે. આ
વીડિયો આપણે જે પ્રકારની એપ પ્લે સ્ટોરમાં શોધી રહ્યા હોઇએ તેનાં ફીચર્સ દર્શાવતા
વીડિયો હશે.
અત્યારે આપણે પ્લે સ્ટોરમાં કોઈ ચોક્કસ એપના પેજ પર પહોંચીએ એ પછી એ એપના
વિવિધ સ્ક્રીનશોટ્સ તથા એપ ડેવલપરે શોર્ટ વીડિયો મૂક્યો હોય તો એ જોઈ શકીએ છીએ. એ
સાથે એપ સંબંધિત વર્ણન પણ જોવા મળે છે. પરંતુ આ બધું જે તે એપના પેજ પર પહોંચ્યા
પછી જોવા મળે છે. ગૂગલને લાગે છે લોકોને એપ વિશેનું લાંબુંલચક વર્ણન વાંચવા કરતાં, તેના વિશેના વીડિયો જોવા વધુ ગમશે.
એ કારણે, આપણા દેશમાં અને તમારા
એકાઉન્ટમાં આ ફીચર આવી ગયા પછી, પ્લે સ્ટોર ઓપન કરીશું એ સાથે
વિવિધ એપના શોર્ટ વીડિયો જોવા મળશે. દેખીતું છે કે ગૂગલ પ્લે સ્ટોરમાંની લાખો
એપ્સમાંથી કઈ એપના શોર્ટ વીડિયો આપણને બતાવવા તે નક્કી કરવા માટે આપણા ફોનમાંની
એપ્સ તથા પ્લે સ્ટોરમાંની આપણી એક્ટિવિટી ધ્યાને લેશે.
એ ઉપરાંત વહેલા મોડું કંપની આવા શોર્ટ વીડિયોમાં ગૂગલ એડ્સની મદદથી પોતાની એપ
પ્રમોટ કરવા માગતા બિઝનેસના વીડિયો પણ સ્પોન્સર્ડ વીડિયો તરીકે બતાવશે એ નક્કી છે.




