એપલ બાદ મોંઘવારીનો ફટકો ગૂગલને: Pixel 11 સીરિઝ અને Pixel Watch 5ના ભાવમાં થઈ શકે છે મોટો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Google Pixel 11 Price: ટેક જાયન્ટ ગુગલ ટૂંક સમયમાં જ માર્કેટમાં પોતાની આગામી જનરેશનના પ્રીમિયમ ડિવાઇસ લોન્ચ કરવા જઈ રહી છે. એપલ બાદ હવે ગૂગલ પર પણ મોંઘવારીની અસર પડી છે. જોકે હવે આ વખતે ગ્રાહકોએ પોતાનું ખિસ્સું વધુ ઢીલું કરવું પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુગલના અપકમિંગ પ્રીમિયમ ડિવાઇસ, જેમાં Pixel Watch 5 અને Pixel 11 સ્માર્ટફોન સીરિઝ સામેલ છે, તે અગાઉના મોડલ્સની સરખામણીએ ઘણી ઊંચી કિંમતે લોન્ચ થઈ શકે છે.
એક લીક થયેલા અહેવાલ મુજબ, આ વર્ષે નવી સ્માર્ટવોચના બેઝ મોડલની કિંમત $399 (આશરે ₹33,000થી વધુ)થી શરૂ થઈ શકે છે. જે ગયા વર્ષના Wi-Fi કનેક્ટિવિટી ધરાવતા બેઝ મોડલની $349ની કિંમત કરતાં સીધી $50 વધુ છે. આ ઉપરાંત, જો ગ્રાહકો LTE વેરિઅન્ટ પસંદ કરશે, તો તેના માટે $499 ચૂકવવા પડી શકે છે.
સ્માર્ટવોચના મોટા મોડલ પણ થશે મોંઘા
માત્ર નાનું વેરિઅન્ટ જ નહીં, પરંતુ Pixel Watch 5નું મોટું 45mm મોડલ પણ મોંઘું થવાની આશંકા છે. લીક થયેલી માહિતી અનુસાર, આ મોટા મોડલના માત્ર Wi-Fi વેરિઅન્ટની કિંમત $429 હોઈ શકે છે, જ્યારે તેના LTE વેરિઅન્ટની કિંમત $529 સુધી પહોંચી શકે છે. આ કિંમતો ગયા વર્ષના સમાન મોડલ્સ કરતાં આશરે $30 વધુ હોવાનું મનાઈ રહ્યું છે.
Pixel 11 સીરિઝના યુરોપિયન ભાવો પણ આવ્યા સામે
બીજી તરફ, અન્ય એક રિપોર્ટમાં Pixel 11 સીરિઝની યુરોપિયન માર્કેટની સંભવિત કિંમતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, ગુગલ આ વખતે 128GB સ્ટોરેજ ઓપ્શનને સંપૂર્ણપણે બંધ કરી શકે છે અને બેઝ મોડલ સીધું 256GB સ્ટોરેજ સાથે માર્કેટમાં ઉતારશે.
કિંમતોની વાત કરીએ તો, Pixel 11નું બેઝ મોડલ (256GB) €999થી શરૂ થઈ શકે છે, જ્યારે તેનું Pro વેરિઅન્ટ €1,199ની કિંમતે લોન્ચ થઈ શકે છે. સરખામણી કરવામાં આવે તો, ગયા વર્ષે Pixel 10નું 128GB વેરિઅન્ટ €899માં અને Pixel 10 Pro €1,099માં લોન્ચ થયું હતું. આમ, સ્ટોરેજ વધવાની સાથે કિંમતમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
પ્રીમિયમ વેરિઅન્ટ્સમાં સીધો €100નો વધારો
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Pixel 11 Pro XL અને ફોલ્ડેબલ સ્માર્ટફોન Pixel 11 Pro Foldની કિંમતોમાં સીધો €100નો વધારો જોવા મળી શકે છે. આ વધારા સાથે Pixel 11 Pro XLની શરૂઆતી કિંમત €1,399 અને Pixel 11 Pro Foldની શરૂઆતી કિંમત €1,999 થઈ શકે છે.
શા માટે વધી રહ્યા છે ભાવ?
નિષ્ણાતોના મતે, આ ભાવવધારો બહુ આશ્ચર્યજનક નથી. હાલમાં વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ કમ્પોનન્ટ્સની ભારે અછત ચાલી રહી છે. AI કંપનીઓ તરફથી સેમિકન્ડક્ટર અને મેમરી ચિપ્સની માંગ ખૂબ જ વધી ગઈ હોવાને કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં જંગી વધારો થયો છે.
રેમમાં થઈ શકે છે કાપ
આ ગ્લોબલ મેમરી શોર્ટેજની અસર સ્માર્ટફોનની ક્ષમતા પર પણ પડી શકે છે. અફવાઓ એવી પણ છે કે વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે ગુગલ Pixel 11ના બેઝ મોડલમાં ગયા વર્ષની 12GB રેમને બદલે માત્ર 8GB RAM આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુગલ આગામી 12 ઓગસ્ટના રોજ યોજાનારા એક મોટા લોન્ચ ઇવેન્ટમાં પોતાના આ તમામ કિંગ-સાઇઝ ડિવાઇસ પરથી સત્તાવાર રીતે પડદો ઉઠાવશે.









