Warzone Mobile Will Shut Down: Activision દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી રહી છે કે Call of Duty: Warzone Mobileને 2026ની 17 એપ્રિલથી બંધ કરવામાં આવી રહી છે. આ ગેમને બે વર્ષના સમયગાળા બાદ બંધ કરવામાં આવી રહી છે. ગેમના ડેવલપર્સ દ્વારા ખૂબ જ મહત્ત્વાકાંક્ષી કોશિશ કરવામાં આવી હતી જેમાં બ્લોકબસ્ટર બેટલ રોયલ ફ્રેન્ચાઇઝને સ્માર્ટફોન પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એનો અંત આવી રહ્યો છે. ડેવલપર્સ હવે યુઝર્સને Call of Duty: Mobileનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ગેમિંગ કોન્સોલ અને કમ્પ્યુટરના વર્ઝનની Warzone ગેમ પર કોઈ અસર નહીં થાય.
ગેમની ટાઇમલાઇન
• 21 માર્ચ, 2024 – Warzone Mobileને દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવી હતી. એમાં Verdansk અને Rebirth Island જેવા ખૂબ જ લોકપ્રિય મેપને મોબાઇલ પ્લેયર્સ માટે પાછા લાવવામાં આવ્યા હતા.
• મે 2025 – Activision આ ગેમ તેમની આશા પર ખરી ન ઉતરી હોવાથી Apple App Store અને Google Play Storeમાંથી દૂર કરી હતી. જેમણે પહેલેથી જ ગેમ ડાઉનલોડ કરી હતી તેઓ સર્વર્સ ચાલુ રહે ત્યાં સુધી રમી રહ્યા હતા.
• 17 એપ્રિલ, 2026 – કંપની હવે તેમના આ સર્વર્સને કાયમ માટે બંધ કરવા જઈ રહી છે. આથી આ ગેમ હવે કોઈ પણ પ્લેયર્સ નહીં રમી શકે.
ગેમ બંધ કરવાનું કારણ શું?
Activisionનું કહેવું છે કે Warzone Mobile તેમની આશા પર ખરી નથી ઉતરી. આ ગેમને પ્લેયર્સ એટલી રમી નથી રહ્યાં જેટલી તેમને આશા હતી. આથી કંપનીએ પહેલેથી જ નવા કન્ટેન્ટ અપડેટ્સ લોન્ચ કરવાનું બંધ કરી દીધું હતું અને 2025માં COD Points અને BlackCell subscriptions જેવી ઇન-ગેમ ખરીદી બંધ કરી દીધી હતી.
આ પણ વાંચો: India AI Summit: સાડીના કારીગરો માટે AI લૂમ, કલાકોમાં થતી ડિઝાઇન હવે મિનિટોમાં થશે
પ્લેયર્સ પર શું અસર થશે?
• Call of Duty: Mobile તરફ – Activision ચાહકોને Call of Duty: Mobile તરફ જવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ ગેમની નિયમિત અપડેટ્સ અને સીઝનલ ઇવેન્ટ્સ આપવામાં આવે છે અને એથી ગેમર્સને એમાં મજા આવશે.
• Console/PC Warzone પર કોઈ અસર નહીં – આ ગેમ ફક્ત મોબાઇલ વર્ઝન માટે બંધ કરવામાં આવી છે. PC અને કન્સોલ પર રમવામાં આવતી Warzone ગેમના પ્લેયર્સ પર એની કોઈ અસર નહીં થાય.


