ઓટોમોટિવ સેક્ટરમાં AIનો નવો અધ્યાય: ફોર્ડે હાથ અધ્ધર કર્યા, જ્યારે BMW ફેક્ટરીમાં ઉતારશે હ્યુમનૉઇડ રોબોટ્સ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AI in Automotive Sector: વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી અપનાવવા માટે ભારે હોડ જામી છે, પરંતુ અલગ-અલગ કંપનીઓનો આ અંગેનો અભિગમ હવે બિલકુલ જુદો તરી આવી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકન કાર નિર્માતા કંપની ફોર્ડને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાં AIના ભરોસે એન્જિનિયરોની છટણી કર્યા બાદ ધાર્યા પરિણામો ન મળતા કંપનીએ ફરીથી સેંકડો એન્જિનિયરોને નોકરી પર રાખવા પડ્યા છે. બીજી તરફ, જર્મન કાર બ્રાન્ડ BMW તદ્દન વિપરીત વ્યૂહરચના અપનાવી રહી છે. BMW ફેક્ટરીના ફ્લોર પર કાર બનાવવા માટે હવે ઓટોનોમસ હ્યુમનૉઇડ રોબોટ્સ તૈનાત કરીને AI ક્ષેત્રે ડબલ દાવ રમી રહી છે.
આ વિરોધાભાસ સમગ્ર ઓટોમોટિવ ઉદ્યોગ માટે એક મોટો પાઠ સમાન છે. જટિલ નિર્ણયો લેવા માટે AI કદાચ હજુ માનવ એન્જિનિયરોનું સ્થાન લેવા સક્ષમ નથી, પરંતુ ફેક્ટરીના સ્તરે પુનરાવર્તિત અને શારીરિક શ્રમ માગી લેતા કામો ઉકેલવામાં તે અત્યંત મૂલ્યવાન સાબિત થઈ રહ્યું છે.
BMWનું નવું AI વર્કફોર્સ
BMW કંપનીએ તેના સાઉથ કેરોલિના સ્થિત સ્પાર્ટનબર્ગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં Figure AI કંપનીના લેટેસ્ટ હ્યુમનૉઇડ રોબોટ Figure 03ને તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્લાન્ટ BMWના સૌથી મોટા પ્રોડક્શન યુનિટ્સમાંથી એક છે. આ નવી પેઢીના રોબોટ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેઓ કોઈપણ પ્રત્યક્ષ માનવ નિયંત્રણ વિના, લોજિસ્ટિક્સ અને એસેમ્બલી સંબંધિત કાર્યો માનવ કર્મચારીઓની સાથે રહીને જ કરી શકે.
હાલમાં જ બહાર પાડવામાં આવેલા એક ડેમોસ્ટ્રેશન વીડિયોમાં 4 Figure 03 હ્યુમનૉઇડ રોબોટ્સ ફેક્ટરીની અંદર કામ કરતા જોવા મળ્યા હતા. જેમાં એક રોબોટ માનવ હસ્તક્ષેપ વગર પ્રોડક્શન ફ્લોર પર સ્વાયત્ત રીતે ચાલે છે, ભારે ટ્રોલી ખેંચે છે, અસ્તવ્યસ્ત કન્ટેનરમાંથી પાર્ટ્સ એકત્રિત કરી તેને વ્યવસ્થિત ગોઠવે છે અને નિયત જગ્યાએ પહોંચાડીને પોતાના ચાર્જિંગ સ્ટેશન પર પરત ફરે છે.
Helix 02 AI ટેકનોલોજીથી સજ્જ
આ રોબોટ્સ Figure AIની પેટન્ટ ધરાવતી Helix 02 સિસ્ટમ દ્વારા સંચાલિત છે. આ એક અત્યંત એડવાન્સ્ડ AI પ્લેટફોર્મ છે જે રોબોટના હાથ, હાથના પંજા, ધડ અને પગ વચ્ચે એકસાથે તાલમેલ સાધવા માટે સક્ષમ છે. પરંપરાગત ઔદ્યોગિક રોબોટ્સ જે સામાન્ય રીતે એક જ જગ્યાએ ફિક્સ રહે છે તેનાથી વિપરીત, Figure 03 ચાલી શકે છે, પોતાની પોઝિશન બદલી શકે છે અને હલનચલન કરતી વખતે પણ આખા શરીરના સંતુલન સાથે વસ્તુઓ હેન્ડલ કરી શકે છે.
આ અદભૂત ક્ષમતાને કારણે આ હ્યુમનૉઇડ રોબોટ પાતળી ધાતુની શીટ ઉપાડવા જેવા નાજુક કામોથી લઈને પ્રોડક્શન લાઇન પર વજનદાર ગાડીઓ ખેંચવા જેવા કઠિન કાર્યો પણ ખૂબ જ સરળતાથી કરી શકે છે.
અગાઉની સફળતાના આધારે મોટો નિર્ણય
BMW દ્વારા કરવામાં આવેલી આ નવી તૈનાત અગાઉના Figure 02 રોબોટની સફળતા પર આધારિત છે. વર્ષ 2025માં 10 મહિનાના પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન, Figure 02 રોબોટે વેલ્ડિંગ સ્ટેશનોમાં મેટલના પાર્ટ્સ ફિટ કરીને 30,000 કરતા વધુ BMW X3 SUVના ઉત્પાદનમાં મહત્ત્વની મદદ કરી હતી. શારીરિક રીતે અત્યંત થકવી નાખતું આ કામ પરંપરાગત રીતે માનવ કામદારો દ્વારા કરવામાં આવતું હતું.
આ સફળ પ્રયોગે BMWને ખાતરી આપી કે હ્યુમનૉઇડ રોબોટ્સ હવે માત્ર પ્રદર્શન પૂરતા મર્યાદિત નથી, પરંતુ આધુનિક ઓટોમોટિવ ફેક્ટરીઓ માટે એક વ્યવહારુ સાધન બની શકે છે.
કર્મચારીઓને હટાવવા નહીં, પણ સપોર્ટ આપવા માટે AI
ઓફિસ વર્કર્સ અને એન્જિનિયરોની નોકરીઓ AI છીનવી લેશે તેવા ડરથી વિપરીત, BMWનું કહેવું છે કે આ હ્યુમનૉઇડ રોબોટ્સ કર્મચારીઓને હટાવવા માટે નહીં પરંતુ તેમના સહાયક તરીકે લાવવામાં આવ્યા છે. આ મશીનોને પ્રાથમિક રીતે એવા કામો સોંપવામાં આવે છે જે વારંવાર કરવા પડતા હોય, શારીરિક રીતે કષ્ટદાયક હોય અથવા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હોય. જેથી માનવ કર્મચારીઓ વધુ કૌશલ્યપૂર્ણ અને જટિલ કામગીરી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ ટ્રેન્ડ "Physical AI" તરીકે ઝડપથી વિકસી રહ્યો છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર ટેક્સ્ટ જનરેટ કરવા કે સોફ્ટવેર લખવા પૂરતું મર્યાદિત નથી રહેતું, પરંતુ ભૌતિક દુનિયા સાથે સંવાદ સાધતા મશીનોમાં પ્રત્યક્ષ રીતે જોડવામાં આવે છે.
AI અંગે બે જુદી વ્યૂહરચના
ફોર્ડનો તાજેતરનો અનુભવ એ વાતની સાબિતી છે કે એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં AI હજુ પણ માનવ કુશળતાની સંપૂર્ણ જગ્યા લઈ શકે તેમ નથી. બીજી તરફ, BMW એ સાબિત કરી રહ્યું છે કે નોલેજ વર્કર્સના વિકલ્પ તરીકે AIનો ઉપયોગ કરવાને બદલે મેન્યુફેક્ચરિંગ કામગીરીને મજબૂત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ ફાયદાકારક નીવડે છે.
ઓટોમોબાઈલ કંપનીઓ હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અબજો ડોલરનું રોકાણ કરી રહી છે, ત્યારે ભવિષ્ય કદાચ માણસોને સંપૂર્ણપણે હટાવવાનું નથી, પરંતુ ફેક્ટરીના ફ્લોર પર માણસો અને બુદ્ધિશાળી મશીનો ખભેથી ખભા મિલાવીને સાથે કામ કરે તે દિશાનું હોઈ શકે છે.









