Gujarat

રાજયમાં સૌપ્રથમ ઉગામેડીના નવનિર્મિત અમૃત સરોવરનું વડાપ્રધાન સમક્ષ નિદર્શન કરાયુ

By GS Team
22 Feb 20231 min read
This article was originally published on 22 Feb 2023
રાજયમાં સૌપ્રથમ ઉગામેડીના નવનિર્મિત અમૃત સરોવરનું વડાપ્રધાન સમક્ષ નિદર્શન કરાયુ

 - ડ્રોન વિડીયો કોન્ફરન્સના માધ્મયથી

- લોકભાગીદારીથી તળાવનું નિર્માણ, પ્રકૃતિ સંવર્ધન અને વિરાટ જળ સ્ત્રોત સાથે બોટીંગની સુવિદ્યા

ગઢડા : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા બિહારમાંથી એક અને ગુજરાતમાંથી ગઢડાના ઉગામેડી ખાતે લોકભાગીદારીથી નિર્માણ કરાયેલા તળાવની સમગ્ર દેશમાંથી અમૃત સરોવર તરીકે પસંદગી થતાં વડાપ્રધાનએ કલેકટર સહિતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની હાજરીમાં ઉગામેડી ખાતેથી લાઈવ ડ્રોન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાણ કરી નિદર્શન કર્યુ હતુ. 

આ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં દરેક જીલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણ કરવાના ઉદેશ્ય મુજબ શરૂઆતમાં બિહાર અને ઉગામેડીના તૈયાર થયેલા તળાવને મોડેલ તળાવ તરીકે પસંદ કરવામાં આવેલ છે. મુખ્યત્વે પ્રકૃતિ સંવર્ધન અને પાણીના સ્ત્રોતતરીકે સિંહફાળો આપી શકે તેવા વિરાટ પાણી સંગ્રહ ઉપરાંત પ્રાકૃતિક વાતાવરણમાં બોટીંગની પણ લોકો મજા માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. આ તળાવ વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવતા પ્રાકૃતિક વાતાવરણ સાથે સુંદર તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ અમૃત સરોવરની લંબાઇ ૫૧૫ મીટર છે, જયારે સરોવરનો વિસ્તાર ૧૨.૭૪ એકર છે. આ સરોવર બનાવવા પાછળ અંદાજીત ખર્ચ રૂા. ૬૩૦ લાખ થયો છે. આ અમૃત સરોવરના નિર્માણ માટે ધર્મનંદન ડાયમંડ એસોસીએશન, ૧૫મું નાણાંપંચ, મનરેગા અને લોકભાગીદારી દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયતના પ્રમુખ, ભાજપના અગ્રણીઓ, ડાયમંડના એકમના પ્રતિનિધિઓ અને સરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.